નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં સોમવારે યોજાયેલા છેલ્લા તબક્કાના મતદાન સાથે જ પાંચ રાજ્યોમાં વિધાનસભા મતદાન પૂર્ણ થયું છે અને એક્ઝિટ પોલ્સના વર્તારા શરૂ થયા છે. જે અનુસાર પંજાબમાં આમ આદમી પાર્ટી (‘આપ’)ની સરકાર બનતી હોવાનું તો ઉત્તર પ્રદેશમાં અને મણિપુરમાં ફરીથી ભાજપની સરકાર બનતી હોવાના તારણ એક્ઝિટ પોલ્સ પરથી મળે છે. જ્યારે ઉત્તરાખંડ અને ગોવામાં ત્રિશંકુ સરકારની ધારણા બની રહી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો 10 માર્ચ - ગુરુવારે જાહેર થવાના છે.
આજતક-એક્સિસ, એબીપી-સી વોટર, ન્યૂઝ24-ચાણક્ય, ટાઇમ્સ નાઉ, રિપબ્લિક ટીવી અને ન્યૂઝ એક્સ ચેનલો પરના એક્ઝિટ પોલ્સ જણાવે છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપની આગેવાની હેઠળ નેશનલ ડેમોકેટ્રિક એલાયન્સ (એનડીએ)ને 403 બેઠકોમાંથી 211થી 277 વચ્ચેની બેઠકો મળી રહી છે. બીજી બાજુ સમાજવાદી પાર્ટી (સપા)ની આગેવાની હેઠળના ગઠબંધનને 119થી 160 વચ્ચે બેઠકો મળશે.
સીએનએન ન્યૂઝ 18-મેટરાઈઝે ભાજપ માટે 262-277 બેઠકો જીતવાની આગાહી કરી છે, તો બીજી બાજુ સમાજવાદી પાર્ટી અને તેના સહયોગી પક્ષોને 119-134 બેઠકો મળવાની છે. ટાઇમ્સ નાઉ અને-વીટોએ ભાજપ અને સપાને અનુક્રમે 225 અને 151 બેઠકો મળવાની આગાહી કરી છે.
પંજાબમાં ‘આપ’ની સરકાર
પંજાબમાં 117 વિધાનસભાની બેઠકોમાં આજતક-એક્સિસમાં આમ આદમી પાર્ટીને 76-90 બેઠકો મળવાની આગાહી કરાઇ છે.
તો કેટલાક એક્ઝિટ પોલ્સમાં પંજાબમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરાઇ છે. જેમાં ‘આપ’ને ફાયદો મળતો જણાઇ રહ્યો છે. ન્યૂઝ 24-ટૂડેના ચાણક્યે આગાહી કરી છે કે પંજાબમાં ‘આપ’નું મોજું ફરી વળ્યું છે. ઉત્તરાખંડમાં ભાજપને 43 અને કોંગ્રેસને 24 સીટો જ મળી રહી છે. જેના કારણે આ રાજ્યમાં ભાજપની સરકાર ફરી બની રહી હોવાનું જણાવાય છે. ટીવી૯ ભારતવર્ષ-પોલ્સ્ટ્રેટે આગાહી કરી છે કે પંજાબમાં આમ આદમી પાર્ટીને 56-61 બેઠકો મળી રહી છે. આમ પંજાબમાં ‘આપ’ની સરકાર બની રહી છે.
મણિપુરમાં ફરી ભાજપ
એબીપી ન્યૂઝ-સી વોટરે ઉત્તરાખંડની 70 વિધાનસભાની બેઠકોમાં 32-38 બેઠકો કોંગ્રેસને મળવાની આગાહી કરી છે તો બીજી બાજુ ભાજપને 26-32 બેઠકો મળવાની જ વાત છે.
ગોવામાં મોટાભાગના એક્ઝિટ પોલ્સમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરાઇ છે. મણિપુરમાં વિધાનસભાની 60 બેઠકો માટેના એક્ઝિટ પોલ્સમાં ભાજપ સરકાર બનાવી રહ્યો હોવાનું અનુમાન છે. કોંગ્રેસ બીજા ક્રમે છે. મણિપુરમાં ફરીથી ભાજપની સરકાર રચાય તેવા સંકેતો એક્ઝિટ પોલ પરથી મળી રહ્યાં છે. એક્ઝિટ પોલ્સમાં સંકેત મળે છે કે આ રાજ્યોમાં ભાજપ સૌથી વધુ પ્રભુત્વ ધરાવતો પક્ષ બન્યો છે.
કેજરીવાલની પાર્ટી ‘આપ’ ઉત્તરાખંડ અને ગોવામાં એક મજબૂત આધાર બનીને ઊભરી રહી છે. તેને આ રાજ્યોમાં ખાસ્સું મત મળે તેવી આગાહી છે.
કોંગ્રેસ-બસપાની પીછેહઠ
મોટાભાગના એક્ઝિટ પોલ્સમાં માયાવતીની આગેવાની હેઠળની બહુજન સમાજવાદી પાર્ટી (બસપા) અને કોંગ્રેસ માટે મોટી પીછેહઠની આગાહી કરાઇ છે. કોંગ્રેસે પંજાબમાં સત્તા ટકાવી રાખવાની તો ઉત્તરાખંડ અને ગોવા જેવા રાજ્યોમાં ફરી સત્તા મેળવવાની આશા વ્યક્ત કરી છે. ન્યૂઝ 24-ટૂડેઝ ચાણક્યે ઉત્તર પ્રદેશમાં ભાજપના ગઠબંધનને 43 ટકા મતો મળવાની આગાહી કરી છે. સપા અને તેના ભાગીદારોને માત્ર 34 ટકા જ મતો મળશે. ટીવી9 ભારતવર્ષ-પોલ્સટ્રેટે પંજાબમાં 56-61 સીટો મળવાની આગાહી કરી છે. કોંગ્રેસ બીજા ક્રમે છે.