નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના આજે - ગુરુવારે જાહેર થયેલા પરિણામોમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ફરી ભાજપનું ‘કમળ’ ખીલ્યું છે જ્યારે પંજાબમાં ‘આપ’ના ઝાડુએ વિરોધ પક્ષનાં સૂપડાં સાફ કરી નાંખ્યા છે. ચૂંટણી પરિણામોનો ટ્રેન્ડ દર્શાવે છે કે ઉત્તરાખંડ અને મણિપુરમાં પણ ફરી એક વખત ભાજપની જ સરકાર રચાશે અને ગોવામાં પક્ષ સૌથી વધુ બેઠક જીતનાર પક્ષ તરીકે ઉભરશે. દેશમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં સતત બીજી મુદત માટે શાનદાર વિજય મેળવીને પુરવાર કર્યું છે કે મતદારોને મોદી અને યોગીના નેતૃત્વમાં ભરપૂર ભરોસો છે.
ઉત્તર પ્રદેશમાં 403 બેઠકો ધરાવતા વિધાનસભા ગૃહમાં ભાજપે એકલા હાથે 248 બેઠકો જીતીને જ્વલંત વિજય મેળવ્યો છે. ભાજપના આ વિજય સાથે સાથી પક્ષોની બેઠકો ઉમેરવામાં આવે તો આંકડો 266 પર પહોંચે છે. રાજ્યમાં અખિલેશ યાદવની સપા 118 બેઠકો સાથે બીજા નંબરે રહી છે. એક સમયે રાજ્યમાં ભારે દબદબો ધરાવતી કોંગ્રેસને કારમી પીછેહઠનો સામનો કરવો પડ્યો છે. રાષ્ટ્રીય સ્તરે મુખ્ય વિપક્ષ ગણાતી કોંગ્રેસ દેશના સૌથી મોટા રાજ્યમાં માત્ર બે બેઠકો પર સમેટાઇ ગઇ છે. જ્યારે માયાવતીના બસપાના ફાળે માત્ર એક બેઠક આવી છે.
પંજાબમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (‘આપ’)એ 117 બેઠકો ધરાવતી વિધાનસભામાં 92 બેઠકો સાથે પ્રચંડ બહુમતી મેળવીને વિરોધીઓનો સફાયો કરી નાંખ્યો છે. અહીં શાસક કોંગ્રેસ માત્ર 18 બેઠકો પર સમેટાઇ ગઇ છે. જ્યારે શીરોમણી અકાલી દળ (એસએડી)ના ફાળે માત્ર 3 બેઠકો આવી છે. જ્યારે ભાજપને તો માત્ર બે જ બેઠકો મળી છે. કિસાન આંદોલનનું એપીસેન્ટર એવા પંજાબમાં ભાજપ માટે તો આમ પણ વિજયની શક્યતા ધૂંધળી હતી, પરંતુ કોંગ્રેસ ભાજપવિરોધ જુવાળનો લાભ ઉઠાવવામાં નિષ્ફળ રહી છે તે હકીકત છે. છેક ચૂંટણી જાહેર થઇ ત્યાં સુધી આંતરકલહમાં અટવાયેલી કોંગ્રેસની આ નબળાઇનો ‘આપ’ના વિજયને ‘પ્રચંડ’ બનાવ્યો છે એમ કહી શકાય.
ઉત્તરાખંડમાં એક તબક્કે એન્ટી ઇન્કમ્બન્સીનો સામનો કરી રહેલા ભાજપે શાનદાર દેખાવ કરતાં 70માંથી 48 બેઠકો પર વિજય પાક્કો કર્યો છે. મુખ્ય વિપક્ષ કોંગ્રેસે 18 તો અન્યોને ફાળે 4 બેઠકો ગઇ છે.
ગોવામાં ભાજપે રાજકીય વિશ્લેષકોના અંદાજ કરતાં વધુ સારો દેખાવ કર્યો છે. પક્ષે 40 બેઠકોના ગૃહમાં 20 બેઠકો મેળવી છે. જ્યારે અહીં કોંગ્રેસ 11 બેઠકો સાથે બીજા ક્રમે રહી છે. ગોવામાં ‘આપ’ અને મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટી (એમજીપી)એ બે-બે બેઠકો મેળવી છે.
મણિપુરમાં ભાજપે 60માંથી 32 બેઠકો પર વિજય મેળવીને બીજી મુદત માટે શાસનધૂરા સંભાળવાનું પાક્કું કરી લીધું છે. રાજ્યમાં એનપીપીએ 8 બેઠકો અને કોંગ્રેસે 4 બેઠકો પર વિજય મેળવ્યો છે. જ્યારે 16 બેઠકો અન્યોના ફાળે ગઇ છે.