ઉત્તર પ્રદેશમાં યોગી યુગ

Wednesday 22nd March 2017 06:19 EDT
 
 

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં સાત દિવસના સસ્પેન્સ પછી ફાયરબ્રાન્ડ હિંદુવાદી નેતાની ઇમેજ ધરાવતા યોગી આદિત્યનાથની મુખ્ય પ્રધાન પદે પસંદગી કરી છે. ૪૪ વર્ષના ભગવાધારી યોગી આદિત્યનાથે રાજ્યના બીજા સૌથી યુવાન નેતા તરીકે રવિવારે મુખ્ય પ્રધાન પદે શપથ લીધા હતા.
કાંશીરામ સ્મૃતિ ઉપવનમાં યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં યોગી સાથે કેશવપ્રસાદ મૌર્ય અને સક્રિય કાર્યકર દિનેશ શર્માએ નાયબ મુખ્ય પ્રધાન પદે શપથ લીધા હતા. રાજ્યપાલ રામ નાઈકે યોગી સહિત તમામ પ્રધાનોને પદની ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પક્ષના અધ્યક્ષ અમિત શાહ, ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો સહિત પક્ષના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ સમારંભમાં સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવે પણ હાજરી આપી હતી. બસપા અને કોંગ્રેસના કોઈ મોટા નેતા દેખાયા નહોતા.

મારા માટે વિકાસ જ સર્વોપરીઃ યોગી

યોગી આદિત્યનાથે મુખ્ય પ્રધાન પદે તેમની પસંદગી થયા પછી વિધાયકોની પહેલી જ બેઠકમાં સંબોધન કરતાં કહ્યું હતું કે, વિકાસ મારા માટે સર્વોપરી છે, મારે બીજા બે સહયોગીનો જરૂર છે. યોગીએ સહયોગીની માગણી કર્યા પછી કેશવપ્રસાદ મૌર્ય અને તેમજ દિનેશ શર્માને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા.
આ દરમિયાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે ટ્વિટ કરીને યોગી આદિત્યનાથ અને તેમના પ્રધાનમંડળને શુભેચ્છા પાઠવી હતી. મોદીએ આદિત્યનાથની સરકારમાં વિશ્વાસ વ્યક્ત કરીને ઉત્તર પ્રદેશને ઉત્તમ પ્રદેશ બનાવાની ભાવના વ્યક્ત કરી હતી.

પહેલા ભગવાધારી મુખ્ય પ્રધાન

શનિવારે લખનઉમાં ભાજપ વિધાનસભા પક્ષની બેઠક યોજાઈ હતી. જેમાં યોગી આદિત્યનાથના નામ પર મહોર મારવામાં આવી હતી. યોગી ઉત્તર પ્રદેશના પહેલા અને ભાજપના બીજા ભગવાધારી મુખ્ય પ્રધાન બન્યા છે. અગાઉ સાધુ ઉમા ભારતી મધ્ય પ્રદેશના ભગવાધારી મુખ્ય પ્રધાન રહી ચૂક્યાં છે. વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૪૦૩માંથી ૩૨૫ બેઠકો પર ભાજપનો ઝળહળતો વિજય થયો હતો. આ પછી ઉત્તર પ્રદેશમાં મુખ્ય પ્રધાન પદ માટે રાજનાથ સિંહ, મનોજ સિંહા, કેશવપ્રસાદ મૌર્ય, દિનેશ શર્મા, સિદ્ધાર્થનાથ સિંહના નામ ચર્ચામાં હતા.
પક્ષના ધારાસભ્યોની બેઠક ચાલી રહી હતી ત્યારે ઓફિસની બહાર યોગી આદિત્યનાથના ટેકેદારોનો જમાવડો થયો હતો. તમામ ટેકેદારો એક જ અવાજે યોગીને મુખ્ય પ્રધાન બનાવવાની માગણી કરતા હતા. જેવું યોગી આદિત્યનાથનું નામ મુખ્ય પ્રધાન તરીકે જાહેર થયું એટલે ટેકેદારોએ બુલંદ અવાજે કહ્યું હતું કે ‘યુપીમાં રહના હો તો યોગી યોગી કહના હોગા.’

પ્રધાનો-અધિકારીઓ સંપત્તિ જાહેર કરે

યોગી આદિત્યનાથે મુખ્ય પ્રધાન તરીકે કાર્યકાળ સંભાળ્યા બાદ પહેલી જ બેઠકમાં સાથી પ્રધાનોને ૧૫ દિવસમાં પોતાની સંપત્તિ જાહેર કરવા આદેશ આપ્યો હતો. તો બીજા દિવસે અધિકારીઓને ૧૫ દિવસમાં પોતાની સંપત્તિની વિગતો જાહેર કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે નોકરીમાં મેરિટને આધારે ભરતી કરવા આદેશ આપ્યો છે.
આદિત્યનાથે જણાવ્યું કે તાલુકા અને પોલીસ મથકોએ કોઈ પણ પ્રકારનું રાજકીય દબાણ હોવું જોઈએ નહીં, ઝીરો ટોલરન્સ હોવું જોઈએ. આ પ્રસંગે સ્વચ્છતા માટે બધા અધિકારીઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા.
બીજી બાજુ, ભાજપે શાસનધૂરા સંભાળતા જ કતલખાનાં પર કાર્યવાહી ઝડપી થઈ ગઈ છે. અલ્હાબાદ નગર નિગમે શહેરના ત્રણ કતલખાનાં પર તાળાં મારી દીધા છે. યોગી આદિત્યનાથે અધિકારીઓને બજેટની તૈયારીઓ કરવાના પણ આદેશ આપ્યા છે.

ભાષા પર કાબૂ રાખજો

આ સિવાય તેમણે તમામ પ્રધાનને એવી પણ સલાહ આપી છે કે, તેઓ જનતાને સંબોધન કરતા હોય કે, લોકો સાથે ચર્ચા કરતા હોય ત્યારે તેમણે પોતાની ભાષા પર કાબૂ રાખવો પડશે. કોઈ પણ પ્રધાન કે નેતા બેફામ નિવેદન આપી શકશે નહીં.
શપથ લીધા પછી મીડિયા સાથે પ્રથમ વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે, સરકાર કોઈ પણ મતભેદ કે ભેદભાવ વગર જ કામ કરશે. સંકલ્પપત્રમાં જે વાયદા કરાયા છે તે તમામ વાયદા કોઈ પણ ભોગે પૂરા કરાશે. તેમણે વધુ જણાવ્યું કે, વિકાસ અને સુશાસન માટે ભાજપને સમર્થન આપવા બદલ લોકોનો આભાર માનું છું.

અપેક્ષા સાકાર કરશું

જનતાને સંબોધન કરતાં જણાવ્યું કે, અમે લોકોને વિશ્વાસ અપાવીએ છીએ કે, જે આશય અને ઇચ્છા સાથે લોકોએ અમારી પસંદગી કરી છે તેને પૂરા કરાશે. ઉત્તર પ્રદેશ વિકાસની દોડમાં ૧૫ વર્ષ પાછળ રહી ગયું છે. ઉત્તર પ્રદેશના વિકાસને ઝડપી આગળ વધારવામાં અને લોકોની ખુશી માટે અમારે કેટલાંક નક્કર પગલાં લેવાં પડશે. અમે આ પગલાં લેવામાં કે વિકાસ કરવામાં ક્યાંય પાછા નહીં પડીએ.

પરિવર્તનનો જનાદેશ

ગત સરકારોએ તંત્રની સ્થિતિ બદતર કરી નાખી છે. તેને સુધારવા માટે નક્કર પગલાં લેવાશે. ગત સરકારની નીતિના કારણે યુવાનોને ઘણું નુકસાન થયું છે. શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટ પર ધ્યાન અપાશે. સરકારી નોકરીઓને ભ્રષ્ટાચારમુક્ત બનાવાશે. ઔદ્યોગિક રોકાણો પર ભાર મૂકાશે, જેના કારણે રોજગારીની તકો વધી જશે. ઉત્તર પ્રદેશમાં પરિવર્તન માટેનો જે જનાદેશ મળ્યો છે તેને કોઈ પણ ભોગે પૂરો કરવામાં આવશે. લોકોના જનાદેશનું સકારાત્મક પરિણામ ટૂંક સમયમાં જ અનુભવવા અને જોવા મળશે.

રોજગારી અને સુરક્ષા

કાયદો-વ્યવસ્થાની કથળેલી સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરતા યોગી આદિત્યનાથે જણાવ્યું કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે સરકાર સતત સજાગ અને સક્રિય રહેશે. સરકાર શિક્ષણ, યુવાનોને રોજગાર તથા લોકો માટે સ્વાસ્થ્ય અને પરિવહનની સુવિધાઓ મળે તે માટે કામ કરશે. ગરીબોને રોજગાર અને મજૂરોની સ્થિતિ સુધરે તે બાબતે પણ કામ કરાશે. મહિલા સશક્તિકરણ, ખેડૂતો અને ખેતીનો વિકાસ કરવામાં સરકાર કોઈ કસર નહીં છોડે.

જંગી પ્રધાનમંડળ

યોગીની ટીમમાં ૨૨ કેબિનેટ ઉપરાંત અન્ય ૨૨ એમ કુલ ૪૪ પ્રધાનોનો સમાવેશ થાય છે. ૨૨ પ્રધાનોમાં ૯ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા પ્રધાનો જ્યારે ૧૩ રાજ્યકક્ષાના પ્રધાનોનો સમાવેશ થાય છે. બહુજન સમાજ પાર્ટી (બસપા) છોડીને આવેલા સ્વામીપ્રસાદ મૌર્ય, દારા સિંહ ચૌહાણ, બ્રજેશ પાઠક અને લક્ષ્મીનારાયણ ચૌહાણ તથા કોંગ્રેસ છોડીને આવેલા રીટા બહુગુણા જોશી તથા નંદગોપાલ નંદી અને સપા છોડીને આવેલા એસ. પી. સિંહ બઘેલ ફાવી ગયા હતા. આ તમામ નેતાને પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે.

તમામ વર્ગને સ્થાન

યોગી કેબિનેટમાં જૌનપુર સદરથી કોંગ્રેસના નદીમ જાવેદને પરાજય આપીને જીતનારા ગિરીશચંદ્ર યાદવને સ્થાન અપાયું છે. તે સમગ્ર પ્રધાનમંડળમાં એક માત્ર યાદવ ચહેરો છે. આ જ રીતે શીખ સમુદાયથી આવતા અને રામપુરની બિલાસપુર બેઠકેથી વિજયી બનેલા બલદેવ સિંહ ઓલખને પણ રાજ્યપ્રધાન બનાવાયા છે. આ ઉપરાંત પૂર્વ ક્રિકેટર તથા ઉત્તર પ્રદેશમાં ભાજપના પોસ્ટરબોય બનેલા મોહસિન રઝાને પણ કેબિનેટમાં સ્થાન અપાયું છે. પ્રધાનમંડળમાં પાંચ મહિલાને પણ સ્થાન અપાયું છે. તેમાં રીટા બહુગુણા જોશીને કેબિનેટ દરજ્જો મળ્યો છે. તે ઉપરાંત સ્વાતિ સિંહ અને અનુપમા જયસ્વાલને સ્વતંત્ર રાજ્યપ્રધાન બનાવાયાં છે. અર્ચના પાંડેય અને ગુલાબ દેવીને પણ રાજ્યકક્ષાના પ્રધાનનો હવાલો અપાયો છે.

મોદી-મુલાયમ ભેટી પડ્યા

યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહમાં ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. જોકે આકર્ષણનું કેન્દ્ર સમાજવાદી પાર્ટીના મુલાયમ સિંહ યાદવ અને પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ હતા. આ પિતા-પુત્ર સ્ટેજ પર આવ્યા ત્યારે લોકોએ ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું હતું. સમારોહ પૂર્ણ થયો ત્યારે સ્ટેજ પર મોદી અને મુલાયમ ઉમળકાભેર મળ્યા હતા. બન્ને એકબીજાને ગાઢ મિત્રોની જેમ ભેટી પડ્યા હતા. આ પછી મુલાયમ સિંહ યાદવે મોદીના કાનમાં કંઇક વાત પણ કરી હતી. પ્રતિભાવમાં મોદીએ સહમતી વ્યક્ત કરતા પોતાનું માથું હલાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter