ઉત્તર ભારતમાં વિનાશ વેરતા આંધી-તોફાનઃ ૧૫૦થી વધુના મોત

Friday 04th May 2018 05:55 EDT
 
 

વી દિલ્હીઃ ઉત્તર ભારતમાં બુધવારે કુદરતે કેર વર્તાવ્યો હતો. ખાસ તો ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં મોડી સાંજથી એકાએક શરૂ થયેલી આંધી અને તોફાન ૧૫૦થી વધુ માનવજિંદગી ભરખી ગઇ છે અને ૩૦૦થી વધુ લોકો ઘવાયાં છે. અચાનક કલાકના ૧૨૬ કિલોમીટરની તેજ ગતિથી ફૂંકાઈને આવેલી ધૂળની ડમરીઓએ બુધવારે સમગ્ર ઉત્તર ભારતને બાનમાં લીધું હતું અને કલાકો સુધી કેટલાક વિસ્તારોને ધમરોળ્યા હતા. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના મુખ્ય પ્રધાનોએ આ હોનારતમાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયા સુધીનું વળતર આપવાની જાહેરાત કરી છે. જ્યારે ઈજાગ્રસ્તોને ૫૦ હજારનું વળતર અપાશે.

કાતિલ સૂસવાટા મારતા પવને થોડા કલાકોમાં તો પારાવાર નુકસાન પહોંચાડ્યું હતું. સંખ્યાબંધ મકાનો તૂટી ગયા હતા અને વીજળીનાં થાંભલાં ઊખડી ગયા હતા. કેટલીક જગ્યાએ તો આંધીની તીવ્રતા એટલી બધી હતી કે સિમેન્ટ-કોંક્રિટની દીવાલો તૂટી પડી હતી અને ઘરમાં સૂતેલા લોકો ઊંઘમાં જ મૃત્યુ પામ્યા હતા. અહેવાલ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાને કારણે ૭૦, રાજસ્થાનમાં ૩૧, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં બે-બે જણનાં મોત થયાં છે.

ઉત્તર ભારતનાં ઘણાં વિસ્તારો વીજળીવિહોણાં બની ગયાં છે. અહેવાલ પ્રમાણે જાનમાલનું સૌથી વધુ નુકસાન તાજ મહેલ માટે વિખ્યાત આગ્રામાં નોંધાયું છે. આગ્રામાં ૪૫થી વધુ લોકો માર્યા ગયા છે. આ ઉપરાંત રાજસ્થાનના ભરતપુરમાં સૌથી વધુ નુકસાન થયું છે. ભરતપુરમાં ૧૬ મોત નોંધાયા છે. ધોલપુરમાં ૯નાં મોત થયાં છે. અલવર, ઝુંઝનું અને બિકાનેરમાં પણ બે કલાક સુધી આંધી ચાલી હતી અને ભારે નુકસાન થયું હતું. અલવરમાં ચાર જણનાં મોત થયાંનું સ્થાનિક સત્તાવાળાઓએ કહ્યું હતું. સૌથી વધુ મોત મકાનો તૂટી પડવાને કારણે થયા હતા.

ઉત્તરાખંડ ડિઝાસ્ટર મિટિગેશન એન્ડ મેનેજમેન્ટ સેન્ટરના જણાવ્યા પ્રમાણે કુમાઉ પ્રદેશમાં પણ આંધી ફૂંકાઈ હતી અને તેમાં બે જણનાં મોત નીપજ્યાં હતાં. અત્યંત તેજ ગતિથી ફૂંકાયેલા પવન પછી ભારે વરસાદ નોંધાયો હતો.

વાવાઝોડાએ રાજધાની દિલ્હીને પણ ઝપટમાં લીધી હતી. ભારે પવનને કારણે ધૂળની ડમરીઓ ઊડતાં ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. ઘણાં લોકોએ ધૂળથી બચવા માથે કપડું વિંટાળી રાખવું પડ્યું હતું.

મધ્ય પ્રદેશના સતના અને ભીંડ જિલ્લામાં પણ વાવાઝોડાની ભારે અસર હતી. આ બંને જિલ્લામાં બે-બે મોત નોંધાયા છે. પંજાબ અને હરિયાણામાં પણ વાવાઝોડાને કારણે સામાન્ય જનજીવન પર ખરાબ અસર પડી હતી. પંજાબના પતિયાલામાં બેનાં મોત થયાં છે. બંને રાજ્યોના વાવાઝોડાં પછી ભારેથી હળવો વરસાદ નોંધાયો હતો.

ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા અટકી

ઉત્તરાખંડમાં અચાનક આવેલા વરસાદને કારણે ચારધામની યાત્રા પણ અટકાવી દેવાની ફરજ પડી છે. તોફાન સાથે આવેલા વરસાદથી માર્ગો પર કાટમાળ જામી ગયો છે. જોકે, સત્તાવાળાઓએ ચમોલી અને ઉત્તરકાશી જિલ્લામાં માર્ગો પર પડેલા કાટમાળને સાફ કરી દીધા હોવાથી અહીં યાત્રાળુઓનું અવરજવર થોડાક કલાકના વિલંબ બાદ ફરી શરૂ થઇ ગઇ હતી. ચમોલીના નારાયણ બાગર વિસ્તારમાં વાદળ ફાટતાં ભારે વરસાદ પડ્યો હતો, જેમાં અનેક મિલક્તને નુકસાન થયું હતું અને તેનો કાટમાળ માર્ગો પર પથરાઈ ગયો હતો. બદરીનાથ હાઈવે પર વરસાદ અને કાટમાળની વચ્ચે અનેક વાહનો પણ ફસાઈ ગયા હતા. જોકે યાત્રા ફરી ચાલુ થવા અંગે કોઈ સત્તાવાર નિર્દેશ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter