...એ મેરે દિલ કહીં ઔર ચલ

Wednesday 14th July 2021 03:16 EDT
 
 

મુંબઇઃ હિન્દી ફિલ્મઉદ્યોગના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારે ૭ જુલાઇના રોજ ખારની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. ૯૮ વર્ષના આ અભિનેતાની ચિરવિદાય સાથે જ ફિલ્મઉદ્યોગના એક સોનેરી પ્રકરણનો અંત આવ્યો છે. તેમના પાર્થિવ દેહને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે સાંતાક્રુઝ કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરાયો તે સાથે જ તેમના અને સાયરા બાનોના ૫૫ વર્ષના પ્રેમાળ દાંપત્યજીવનનો અંત આવી ગયો હતો. દિલીપકુમારને હિન્દી સિનેમામાં ઉલ્લેખનીય પ્રદાન બદલ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી માંડીને પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ સહિત અનેક માન-સન્માન એનાયત થયા હતા.
કોરોના મહામારીના કારણસર કબ્રસ્તાનમાં વધુ ભીડ એકત્ર થવા દેવાઇ નહોતી. ફિલ્મ ઉદ્યોગની સેલિબ્રિટીથી માંડીને મોટા ભાગના મહાનુભાવોએ તેમના નિવાસસ્થાને જઇને સાયરાબાનોને સાંત્વના આપી હતી. શાહરુખ ખાનને જોતાં જ સાયરાબાનો ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યા હતા. કબ્રસ્તાનમાં સાયરાબાનોની સાથે દિલીપકુમારના ખાસ મિત્રો ઉપરાંત અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, સુભાષ ઘાઇ, તેમના પત્ની મુક્તા સાથે જોવા મળ્યા હતા. તેમના ઘરે અંતિમ દર્શન માટે ધર્મેન્દ્ર, શબાના આઝમી, રણબીર કપૂર, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, કરણ જોહર, શાહરુખ ખાન, વિદ્યા બાલન, સિદ્ધાર્થ રોય કપૂર, શરદ પવાર, છગન ભૂજબળ સહિતના ટોચના મહાનુભાવો પહોંચ્યા હતા.

અદાકાર-એ-આઝમ દિલીપકુમાર

મોટા ભાઈનો પ્રભાવઃ દિલીપકુમારનો જન્મ ૧૯૨૨માં પેશાવરમાં પઠાણ પરિવારમાં થયો હતો. તેઓ ૧૨ ભાઇ-બહેનો હતા અને તેમનું મૂળ નામ યુસુફ ખાન હતું. ફિલ્મ કારકિર્દી ઉપરાંત રાજકારણમાં પણ સક્રિય રહ્યા હતા. ૨૦૦૦થી ૨૦૦૬ સુધી તેઓ કોંગ્રેસના સાંસદ હતા. તેમના પર મોટા ભાઇ અય્યૂબ ખાનનો ઘેરો પ્રભાવ હતો. અય્યૂબ ખાન જ્ઞાની અને કવિ હતા. તેમની પાસે અંગ્રેજી ભાષાના અનેક પુસ્તકો હતા. પરિણામે દિલીપકુમારને શેક્સપીયર, બર્નાર્ડ શો, મોપાસાં, ચાર્લ્સ ડિકિન્સ જેવા મહાન લેખકો વાંચવાની તક મળી.
સેન્ડવિચ વેચી - સ્ક્રિપ્ટ પણ લખીઃ દિલીપકુમાર નાસિકના દેવલાલીમાં બાર્નેસ સ્કુલમાં ભણતા હતા. જ્યાં તેમની સાથે રાજ કપૂર પણ ભણતા હતા. તેઓ બાળપણના મિત્રો હતા. બહુ ઓછા લોકો જાણે છે કે દિલીપકુમાર ૧૮ વરસની વયે પિતા સાથે ચડભડ થતાં ઘરમાંથી નાસી ગયા હતા અને પૂણે જતા રહ્યા હતા. એક પારસી કેફેના માલિકની મદદથી સેન્ડવિચનો સ્ટોલ લગાડયો હતો એ સમયે તેમણે રૂપિયા પાંચ હજાર ભેગા કર્યા હતા, જે અધધધ રકમ કહેવાતી હતી. તેમણે ૧૯૪૨માં સ્ક્રિપ્ટ રાઇટીંગનું કામ પણ કર્યું હતું. ત્યારે તેમને રૂપિયા ૧૨૫૦નો પગાર આપવામાં આવ્યો હતો.
લે, તેરા બેટા ભી બન ગયા ભાંડ!ઃ ‘દિલીપકુમારઃ ધી સબસ્ટન્સ એન્ડ ધી શેડો’ નામની આત્મકથામાં દિલીપકુમારે લખ્યું છે એ મુજબ દેવિકારાણીએ મને બોમ્બે ટોકિઝ મળવા બોલાવ્યો હતો. કુતૂહલવશ હું ગયો ત્યારે દેવિકારાણીએ મને ફિલ્મ જ્વાર ભાટાના હીરો તરીકે મહિને ૧૨૫૦ રૂપિયા પગારની ઓફર કરી દીધી. એ જમાનામાં અભિનેતાઓ પગાર ઉપર કામ કરતા હતા. દેવિકારાણીએ મને કહ્યું, હવે તમે લાખો લોકો સામે જઈ રહ્યા છો તો તમારું શાનદાર નામ રાખીએ. એવું નામ જે તમારી ઓળખ બની જાય. તમારી રોમેન્ટિક છબિ સાથે મેળ ખાય. દિલીપકુમાર નામ કેવું લાગે છે? મને એ નામમાં કોઈ ખરાબી ન લાગી એટલે કહી દીધું કે ઠીક છે.
દિલીપકુમારે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું તે મુજબ તેમનું નામ મોહમ્મદ યુસુફ ખાન હતું. તેમના પિતા લાલા ગુલામ સરવર ખાનને ફિલ્મ અને નાટકોમાં કામ કરનાર કલાકારો જરાય પસંદ નહોતા. તેઓ ફિલ્મઉદ્યોગને કારકિર્દી તરીકે પસંદ કરતા નહોતા. તેમના પિતા પોતાના મિત્ર લાલા પૃથ્વીરાજ કપૂરને ભાંડ કહેતા હતા. આથી ફિલ્મ જ્વાર ભાટામાં જ્યારે દેવિકારાણીએ નામ બદલીને દિલીપકુમાર કરવાનું કહ્યું તો યુસુફ ખાન તરત માની ગયા હતા. જોકે ફિલ્મનું પોસ્ટર છપાતાં જ પૃથ્વીરાજ કપૂર પોસ્ટર લઇને લાલા ગુલામ સરવર ખાન પાસે પહોંચ્યા હતા અને પોસ્ટર બતાવી બોલ્યા હતાઃ લે, તેરા બેટા ભી બન ગયા ભાંડ!
રાજકારણ સાથેનો નાતોઃ રાજનેતાઓએ પણ દિલીપકુમાર સાથે સંબંધો જાળવ્યા હતા. દિલીપકુમાર મદ્રાસમાં ફિલ્મ પૈગામનું શૂટિંગ કરી રહ્યા હતા તો દક્ષિણ ભારતના સત્તાવાર પ્રવાસે નીકળેલા પંડિત જવાહરલાલ નેહરુ તેમને મળવા સેટ ઉપર પહોંચી ગયા હતા. બાળ ઠાકરે સાથે તો દિલીપકુમારની દોસ્તી શિવસેનાની સ્થાપના અગાઉથી હતી. દિલીપકુમાર ઠાકરેના ઘેર જમવા પણ જતા હતા. પાકિસ્તાને દિલીપકુમારને નિશાન-એ-ઈમ્તિયાઝનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કર્યો ત્યારે બાળ ઠાકરેએ દિલીપકુમારને એ ખિતાબ લેવાની ના પાડી દીધી. આ સમયે દિલીપકુમારે અટલ બિહારી વાજપેયીજીને વાત કરી હતી. વાજપેયીજીએ કહ્યું હતું, દિલીપકુમાર એક કલાકાર છે. તેને રાજકીય આંટીઘૂંટીમાં ન નાખવા જોઈએ. એ પછી દિલીપકુમાર સુનીલ દત્ત સાથે એ ખિતાબ લેવા પાકિસ્તાન ગયા હતા.

છ પ્રેમ કહાણી - બે લગ્નઃ કારકિર્દી દરમિયાન દિલીપકુમારની પ્રેમકહાણીઓ પણ એટલી જ જાણીતી થઇ હતી. તેઓ છ વખત પ્રેમમાં પડયા હતા. કામિની કૌશલ, મધુબાલા, સાયરાબાનો, વહીદા રહેમાન જેવી અભિનેત્રી સાથે ગાઢ સંબંધ હતા. અંતે તેમણે સાયરાબાનો સાથે લવમેરેજ કર્યા. જોકે તેમને પણ છૂટાછેડા આપી હૈદરાબાદની સુંદરી અસ્મા સાથે નિકાહ પઢ્યા હતા. આ નિકાહ બે વરસ પછી તલ્લાકમાં પરિણમ્યા અને તેમણે ફરી સાયરાબાનો સાથે લગ્ન કર્યા હતા. 

કારગિલ મામલે નવાઝને સંભળાવ્યું હતું... ઃ પાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાન ખુરશીદ મહેમૂદ કસૂરીએ પોતાની આત્મકથા ‘નાઇધર હોક નોર અ ડવ’માં કારગિલ યુદ્વ સંબંધિત એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તેમાં જણાવ્યું છે કે ૧૯૯૯માં વડા પ્રધાન નવાઝ શરીફના એડીસીએ આવીને તેમને જણાવ્યું હતું કે ભારતના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ નવાઝ શરીફને ફોન કરીને કહ્યું કે એક બાજુ તમે લાહોરમાં અમારું સ્વાગત કરો છો, બીજી બાજુ તમારી સેના કારગિલમાં અમારી જમીન પર કબજો કરે છે. તેના પર નવાઝ શરીફે જવાબ આપ્યો કે મને તો એવી કોઇ માહિતી નથી. થોડોક સમય આપો હું સેના અધ્યક્ષ જનરલ પરવેજ મુશર્રફ સાથે વાત કરીને તમને ફોન કર્યું છું. આ સમયે વાજપેયીએ નવાઝ શરીફને કહ્યું કે તમે મારી પાસે બેઠેલી એક વ્યક્તિ સાથે વાત કરો અને વાજપેયીએ ફોન દિલીપકુમારને આપી દીધો. દિલીપકુમારે નવાઝને શાબ્દિક ચાબખો મારતાં કહ્યું હતું કે નવાઝ શરીફ સાહબ! તમે શું કરી રહ્યા છો? કંઇ નહીં તો હિન્દુસ્તાનમાં રહેતા કરોડો મુસ્લિમો વિશે તો થોડુંક વિચારો. તમે તો હંમેશા ભારત અને પાકિસ્તાન વચ્ચે મિત્રતાની વાત કરવા આવ્યો છો. આ તણાવને કારણે ભારતીય મુસ્લિમો પોતાને અસુરક્ષિત અનુભવી રહ્યા છે. આ પછી નવાઝ શરીફ મૌન થઇ ગયા હતા.

• નાસિકની બાર્નેસ સ્કૂલમાં ભણતાં ભણતાં રાજ કપૂર સાથે ઓળખાણ થઈ અને પછી દોસ્તી થઈ ગઈ.
• હોલિવૂડની ફિલ્મ લોરેન્સ ઓફ અરેબિયામાં શેરિફ અલીની ભૂમિકા દિલીપકુમારને ઓફર થઈ હતી. તેમણે ઇન્કાર કરતાં ઓમર શરીફને એ ભૂમિકા મળી હતી. • અભિનયમાં આવતાં પહેલાં ફૂટબોલ ખેલાડી હતા. તેથી દોડવામાં ખૂબ ઝડપ હતી. એ જમાનાના કેમેરા આજ જેવા નહોતા. એક દૃશ્ય માટે દિલીપકુમાર ઝડપથી દોડયા તો કેમેરામેને કહેવું પડયું હતું કે ભાઈ, જરા ધીમેથી દોડો તો કેમેરા કેપ્ચર કરી શકે.
• દિલી૫કુમારની ૧૯૫૫માં ફિલ્મ દેવદાસ રજુ થઈ હતી. તેમાં એક સંવાદ અમર થઈ ગયો અને સંવાદ બોલીને દિલીપકુમાર પણ અમર થઈ ગયા. ડાયલોગ હતોઃ કૌન કમબખ્ત બરદાશ્ત કરને કો પીતા હૈ, મૈં તો પીતા હૂં તાકી સાંસ લે શકું.
• દિલીપકુમારે સંપૂર્ણ કારકિર્દીમાં ફક્ત એક વાર મુસ્લિમ પાત્ર ભજવ્યું હતું અને તે ફિલ્મ હતી મુઘલ-એ-આઝમ.
• ૧૯૪૪માં કારકિર્દીની શરૂઆત કરી ત્યારે પારસી થિયેટરના પ્રભાવથી ફિલ્મોમાં લાઉડ એક્ટિંગ થતી હતી. એવામાં દિલીપકુમારે પોઝ કે જાણીજોઇને મૌન રહેવાનો સફળ પ્રયોગ કર્યો.
• પેશાવરસ્થિત પૈતૃક હવેલીને મ્યુઝિયમ બનાવવાની ઈચ્છા અધૂરી રહી ગઈ. પાકિસ્તાન સરકાર હવે ત્યાં મ્યુઝિયમ બનાવવાની છે.

કારકિર્દી - આંકડામાં

• ૧૯૪૮માં એક જ વર્ષમાં સૌથી વધુ ૫
અને ૧૯૫૫માં ૪ ફિલ્મો બની
• સરેરાશ દર વર્ષે ૧.૫ ફિલ્મ
• ૫૪ વર્ષની કરિયરમાં માત્ર ૬૨ ફિલ્મો,
તેમાંથી ૪ ગેસ્ટ અપરિયરન્સીસ
• ૬૨ ફિલ્મોમાં ૪૨ દિગ્દર્શકો
• ૨૮ દિગ્દર્શકો સાથે એક-એક જ ફિલ્મ
• ૮ દિગ્દર્શકો સાથે બે-બે ફિલ્મ
• ૬ દિગ્દર્શકો સાથે ત્રણ-ત્રણ ફિલ્મો
• બેસ્ટ એક્ટર તરીકે ૮ ફિલ્મફેર એવોર્ડ્સ
(દાગ ૧૯૫૨, આઝાદ ૧૯૫૫, દેવદાસ ૧૯૫૬, નયાદૌર ૧૯૫૭, કોહીનૂર ૧૯૬૦, લીડર ૧૯૬૪,
રામ ઔર શ્યામ ૧૯૬૭, શક્તિ ૧૯૮૨)
• દાદાસાહેબ ફાળકે એવોર્ડ ૧૯૯૪

યાદગાર ૧૦ ફિલ્મો

દાગ (૧૯૫૨),
દેવદાસ (૧૯૫૫)
નયા દૌર (૧૯૫૭)
મધુમતી (૧૯૫૮)
મુઘલ-એ-આઝમ (૧૯૬૦)
ગંગા જમુના (૧૯૬૧)
રામ ઔર શ્યામ (૧૯૬૭)
શક્તિ (૧૯૮૨)
મશાલ (૧૯૮૪)
કર્મા (૧૯૮૬)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter