કયા ચહેરાની તાકાત પર થશે પ્રચાર, કયા મુદ્દા રહેશે ચર્ચામાં?

Friday 22nd March 2024 16:46 EDT
 
 

નવી દિલ્હીઃ કેન્દ્રીય ચૂંટણી પંચે શનિવારે લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરી તે સાથે જ શાસક એનડીએ અને વિપક્ષ ઇન્ડી એલાયન્સ વચ્ચે ખરાખરીના જંગનો તખતો ગોઠવાઇ ગયો છે. છેલ્લામાં છેલ્લી મતદાર યાદી મુજબ આ ચૂંટણીમાં 96.88 કરોડ મતદારો ભાગ લેશે. તેમાં 49.72 કરોડ પુરુષ. 47.15 કરોડ મહિલા અને 48 હજારથી વધુ અન્ય મતદારોનો સમાવેશ થાય છે. આ મતદારોને આકર્ષવા ક્યા મુદ્દા કેન્દ્રસ્થાને રહેશે અને ક્યા નેતા પર ચૂંટણીપ્રચારના કેન્દ્રસ્થાને રહેશે તેના પર એક નજર...
લોકસભા ચૂંટણીના મહત્ત્વના મુદ્દા
• રામમંદિરઃ ચૂંટણીમાં રામમંદિરનો મુદ્દો છવાયેલો રહેશે. ભાજપ ભવ્ય રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાનું શ્રેય લઈ રહી છે. મંદિર પ્રાણપ્રતિષ્ઠા પછી ભાજપ નેતાથી માંડીને પ્રધાનો સતત રામમંદિરની મુલાકાત લઈ રહ્યા છે. ભાજપના નેતાઓ વિવિધ વિસ્તારમાંથી શ્રદ્ધાળુને અયોધ્યા મંદિરે દર્શન માટે લઈ જાય છે. વિરોધ પક્ષનો પ્રયાસ એ રહેશે કે ભાજપને આ મુદ્દાનો લાભ ના મળે.
• વિકાસઃ સત્તાધારી પક્ષ વીતેલા દશ વર્ષમાં સાધવામાં આવેલા વિકાસના મુદ્દાને પણ ચૂંટણીમાં જોરદાર રીતે ઉઠાવશે. વીતેલા 10 વર્ષમાં વીજળી, રસ્તા, પાણીથી માંડીને ટેક્નોલોજી ક્ષેત્રમાં સરકારની ઉપલબ્ધિઓનો ચૂંટણી દરમિયાન જોરદાર રીતે પ્રચાર થશે. તો વિરોધ પક્ષ વિકાસના દાવા ખોખલા હોવાનું પુરવાર કરવા મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દા ઉઠાવશે.
• પરિવારવાદઃ ચૂંટણી તારીખની જાહેરાત પહેલાં જ રાજકીય પક્ષો વચ્ચે પરિવારવાદને મુદ્દે સંગ્રામ શરૂ થઈ ચૂક્યો છે. ભાજપ વિરોધ પક્ષને પરિવારવાદી પક્ષોનું ગઠબંધન કહે છે. તો વિરોધ પક્ષે વડાપ્રધાન મોદીના પરિવાર સામે સવાલ ઉઠાવ્યા છે. ભાજપે આ મુદ્દાને પણ પોતાને પક્ષે કરવા સોશિયલ મીડિયા પર ‘મોદી કા પરિવાર’ કેમ્પેન શરૂ કર્યું છે.
• ભ્રષ્ટાચારઃ ભાજપ આ મુદ્દે સમગ્ર ચૂંટણી દરમિયાન વિરોધ પક્ષને ઘેરતી રહેશે. ચૂંટણી પહેલા વિરોધ પક્ષના નેતાને ઘેર દરોડા દરમિયાન મળેલી રોકડનો ઉલ્લેખ વડાપ્રધાન મોદી પોતે ભાષણોમાં કરી કર્યા છે. વિરોધ પક્ષ પણ આક્ષેપ કરી રહ્યો છે કે દરોડાની કામગીરી માત્ર વિરોધ પક્ષના નેતાઓ સામે થઈ રહી છે.
• બેરોજગારીઃ વિરોધ પક્ષ ચૂંટણી દરમિયાન બેરોજગારીનો મુદ્દે પણ ઉઠાવશે બેરોજગારી વિરોધ પક્ષ ભરતી પરીક્ષામાં પેપર લીકને મુદ્દો પણ ઉઠાવશે. તો સરકાર પક્ષ પેપર લીક પછી થયેલી કાર્યવાહીઓ ગણાવશે.
• જાતિગત વસતી ગણતરીઃ રાહુલ ગાંધીથી માંડીને તેજસ્વી યાદવ અને અખિલેશ યાદવ સુધીના વિરોધ પક્ષના નેતા જાતિગત વસતી ગણતરીનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. વિરોધ પક્ષ આ મુદ્દે સત્તાધારી ભાજપને ઘેરવા પ્રયાસ કરશે. ભાજપ આ મુદ્દે સતત કહેતી રહી છે કે દેશની માત્ર ચાર જાતિ હોય છેઃ ગરીબ, ખેડૂત, મહિલા અને યુવાન.

ચૂંટણી પ્રચારના કેન્દ્રમાં...

• નરેન્દ્ર મોદી: વર્ષ 2014થી ચૂંટણી ગમે તે હોય. ભાજપ માટે ચહેરો નરેન્દ્ર મોદીનો જ રહ્યો છે. આ ચૂંટણીમાં પણ ભાજપ માટે પ્રચારનો સૌથી મોટો ચહેરો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ રહેશે. ચૂંટણી તારીખની જાહેરાત પહેલા વડાપ્રધાન કરોડો રૂપિયાની યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરી ચુક્યા છે. તેમણે તે દરમિયાન રેલીઓને સંબોધન પણ કર્યું.
• રાહુલ ગાંધી: વર્ષ 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. આ ચૂંટણીમાં પણ રાહુલ ગાંધી પક્ષ માટે પ્રચાર કરી ચૂક્યા છે. પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે છે, પરંતુ પ્રચાર માટે પક્ષનો સૌથી મોટો ચહેરો રાહુલ ગાંધી જ છે. આ લોકસભા ચૂંટણીમાં પણ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પક્ષના મુખ્ય ચહેરા રહેશે.
• મમતા બેનરજી: તૃણમુલ કોંગ્રેસના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી રાજ્યમાં ચૂંટણી પ્રચારનો સૌથી મોટો ચહેરો છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં તૃણમૂલને 22 બેઠકો મળી હતી. લોકસભાની 42 બેઠકો ધરાવતું પશ્ચિમ બંગાળ ચૂંટણી તારીખો જાહેર થતાં પહેલાં જ ચૂંટણી સમરાંગણ બની ગયું છે.
• અખિલેશ યાદવ: લોકસભા બેઠકોને હિસાબે ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મોટું રાજ્ય છે. રાજ્યમાં 80 લોકસભા બેઠકો છે. અહીંના મુખ્ય વિરોધ પક્ષ સમાજવાદી પાર્ટી માટે પ્રચારનો ચહેરો પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવ રહેશે.
• તેજસ્વી યાદવ: બિહારમાં વિરોધ પક્ષના ગઠબંધન માટે પ્રચારનો ચહેરો રાજદ નેતા અને બિહાર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવ રહેશે. રાહુલની ભારત જોડો યાત્રા બિહારમાંથી પસાર થઈ ત્યારે તેઓ પણ યાત્રામાં જોડાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter