કર્ણાટકમાં યેદિયુરપ્પા ગયા, કુમારસ્વામી આવ્યા

Thursday 24th May 2018 05:15 EDT
 
 

બેંગ્લૂરુઃ કર્ણાટકમાં ગણતરીના કલાકોમાં ભજવાઇ ગયેલા રાજકીય નાટકમાં ભાજપની બી. એસ. યેદિયુરપ્પા સરકારનું પતન થયું છે. આ સાથે જ રાજ્યમાં જનતા દળ (એસ)-કોંગ્રેસ યુતિ સરકારની રચનાનો માર્ગ મોકળો થઇ ગયો છે. જનતા દળ (એસ)ના નેતા એચ. ડી. કુમારસ્વામી બુધવારે મુખ્ય પ્રધાન પદના શપથ લઇને સરકાર રચી છે. સુપ્રીમ કોર્ટના આદેશથી શનિવારે સાંજે વિધાનસભા ફ્લોર પર યોજાયેલાં શક્તિપરીક્ષણમાં વિશ્વાસ મત લીધા પહેલાં જ યેદિયુરપ્પાએ રાજીનામું આપી દીધું હતું. આ પૂર્વે યેદિયુરપ્પાએ ગૃહમાં એક ઇમોશનલ સંબોધન સાથે રાજીનામાની જાહેરાત કરી હતી. પ્રવચન પૂરું કર્યા બાદ યેદિયુરપ્પા સીધા જ રાજભવન પહોંચ્યા હતા અને ગવર્નર વજુભાઈ વાળાને રાજીનામું સોંપી દીધું હતું. કુલ ૧૦૪ બેઠકો જીતનાર ભાજપને ગૃહમાં બહુમતી સાબિત કરવા માટે ૧૧૧ સભ્યોનું સમર્થન મળવું જરૂરી હતું. જોકે કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યો તોડવાની ભાજપની તમામ રણનીતિ નિષ્ફળ જતાં યેદિયુરપ્પાએ આખરે રાજીનામું આપી દીધું હતું.

૨૮ લોકસભા બેઠક જીતશું

૨૦ મિનિટનાં ભાષણમાં યેદિયુરપ્પાએ જણાવ્યું હતું કે, હું મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપી રહ્યો છું. હું રાજભવન જઈને મારું રાજીનામું સોંપી દઈશ, હવે પછી હું સમગ્ર રાજ્યનો પ્રવાસ કરીશ. અમને સમગ્ર રાજ્યમાંથી પ્રચંડ સમર્થન અને પ્રેમ મળ્યાં છે. હું વચન આપું છું કે, અમે ૨૦૧૯માં રાજ્યની તમામ ૨૮ લોકસભા બેઠક પર વિજય મેળવીશું. તેમણે કોંગ્રેસ અને જેડીએસના જોડાણને અનૈતિક ગણાવ્યું હતું.

દિવસભર સસ્પેન્સ

વિધાનસભામાં ભાજપ બહુમતી સાબિત કરી શકશે કે કેમ તેના પર આખો દિવસ સસ્પેન્સ છવાયેલું રહ્યું હતું. કોંગ્રેસ અને જેડીએસના ૬ ધારાસભ્યો ભાજપને સમર્થન આપી રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી હતી. આખરે કોંગ્રેસ અને જેડીએસના તમામ ધારાસભ્યોએ વિધાનસભામાં હાજર રહી શપથ ગ્રહણ કરતાં ભાજપે હાર સ્વીકારી લીધી હતી. 

જેડીએસ - કોંગ્રેસ સરકાર

ગવર્નર વજુભાઈ વાળાએ બહુમતી ધરાવતા જેડીએસ-કોંગ્રેસ યુતિને સરકાર રચવા માટે આમંત્રણ આપીને ૧૫ દિવસમાં બહુમતી સાબિત કરવા જણાવ્યું હતું. જેડીએસ-કોંગ્રેસના વિધાનસભા પક્ષના નેતા એચ. ડી. કુમારસ્વામી તેમના જ્યોતિષીઓની સલાહ પ્રમાણે બુધવારે બપોરે ૧૨.૩૦ કલાકે શપથ લેવાના છે. અગાઉ તેઓ ૩ ફેબ્રુઆરી ૨૦૦૬થી ૮ ઓક્ટોબર ૨૦૦૭ સુધી રાજ્યના મુખ્ય પ્રધાન હતા.
મંગળવારે જાહેર થયા અનુસાર, કોંગ્રેસના નેતા જી. પરમેશ્વરા નાયબ મુખ્ય પ્રધાન બનશે. આ ઉપરાંત સરકારમાં કોંગ્રેસને ૨૨ ખાતાં મળશે જ્યારે ૧૨ ખાતાં જેડીએસ હસ્તક રહેશે. મુખ્ય પ્રધાન કુમારસ્વામી નાણાં મંત્રાલય પોતાની પાસે રાખે તેવી શક્યતા છે. જ્યારે ગૃહ મંત્રાલય કોંગ્રેસના નાયબ મુખ્ય પ્રધાન સંભાળશે.

કોર્ટે ખેલ નિષ્ફળ બનાવ્યો

ગવર્નર વાળાએ યેદિયુરપ્પાને સરકાર રચવાનું આમંત્રણ આપી બહુમતી સાબિત કરવા માટે ૧૫ દિવસનો સમય આપતાં મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. કોર્ટે કોંગ્રેસની શપથ અટકાવવાની માગ તો નકારી હતી, પરંતુ ભાજપને વિધાનસભ્યો સાથે સોદાબાજી કરવાનો મોકો જ ન મળે તે માટે શનિવારે સાંજે જ બહુમતી સાબિત કરવાનો આદેશ આપ્યો હતો. આમ ભાજપનો ખેલ નિષ્ફળ ગયો હતો.

કોંગ્રેસની મોરચાબંધી

ત્રિશંકુ વિધાનસભાની રચના પછી સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવીને કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યો તોડીને ગૃહમાં ભાજપની બહુમતી સાબિત કરવાની ભાજપ અધ્યક્ષ અમિત શાહની તમામ વ્યૂહરચનાઓ રાહુલ ગાંધીના મોરચા સામે નિષ્ફળ ગઈ હતી. ગોવા, મણિપુર, મેઘાલયમાં સૌથી મોટો પક્ષ હોવા છતાં ભાજપે કોંગ્રેસને સરકાર રચવાનો મોટો આપ્યો નહોતો. આ રાજ્યોમાં ઊંઘતી ઝડપાયેલી કોંગ્રેસે કર્ણાટકમાં પહેલી વાર આટલી સ્ફુર્તિ બતાવીને ચૂંટણી પરિણામો જાહેર થાય તે પહલાં જ જેડીએસ સાથે સમજૂતી સાધી લઇ ભાજપને જોડતોડ કરવાની તક આપી નહોતી.

મધરાતે કોર્ટ કાર્યવાહી

યાકૂબ મેમણની ફાંસી પર પ્રતિબંધ લાદવાની અરજી પર સુનાવણી માટે પહેલી વખત આઝાદ ભારતમાં સુપ્રીમ કોર્ટે રાત્રે કાર્યવાહી કરી હતી. એવું જ ૧૭ અને ૧૮ મેની મધરાતે થયું હતું. ગઈ વખતે જસ્ટિસ દીપક મિશ્રાની બેન્ચે સુનાવણી કરી હતી, તો આ વખતે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ બેન્ચ રચી હતી. ભાજપ નેતા યેદિયુરપ્પાને ગવર્નરે સરકાર રચવા આમંત્રણ આપ્યું કે તરત કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવાનો નિર્ણય કર્યો હતો. જસ્ટિસ સિકરીની બેન્ચે આખી રાત્રિ સુનાવણી કરી હતી અને સવારે સાડા પાંચ વાગ્યે બીજી મુદ્દત આપી હતી. કોર્ટે શપથગ્રહણ સામે મનાઇ તો ન ફરમાવી, પણ કહ્યું કે બધું કોર્ટના ચુકાદા પર જ બધું નિર્ભર રહેશે.
જસ્ટિસ સિકરીના નેતૃત્વ હેઠળની બેન્ચમાં રાત્રે ૨.૧૧ કલાકે સુનાવણી શરૂ થઈ જે સવારે ૫.૨૮ મિનિટ સુધી ચાલી હતી. આઝાદ ભારતના ઇતિહાસમાં યાકુબ મેમણ બાદ બીજી વખત સુપ્રીમ કોર્ટ રાતભર ચાલી હતી!

કોંગ્રેસને મત વધુ, પણ

કર્ણાટકમાં એક રસપ્રદ ટ્રેન્ડ જોવા મળ્યો. મતના હિસાબે કોંગ્રેસ ભાજપ કરતાં આગળ રહી. તેને ૩૭.૯ ટકા (૮૫,૦૪,૯૦૨) મત મળ્યા, જ્યારે ભાજપના ખાતામાં ૩૬.૮ ટકા (૮૨,૩૮,૦૪૮) મત આવ્યા. જેડીએસને ૧૭.૫ ટકા મત મળ્યા છે. બેઠકોની વાત કરીએ તો ૨૨૨માંથી ભાજપને ૧૦૪, કોંગ્રેસને ૭૭ અને જીડીએસને ૩૮ બેઠકો મળી. ૨૦૧૩માં કોંગ્રેસને ૩૬.૬ ટકા જ્યારે ભાજપને ૧૯.૯ ટકા મત મળ્યા હતા. જેડીએસને ૨૦.૨ ટકા મત મળ્યા હતા. કોંગ્રેસને ૧૨૨ ભાજપ-જેડીએસને ૪૦-૪૦ બેઠકો મળી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter