નવી દિલ્હી: દિલ્હી બોમ્બ વિસ્ફોટના કાવતરા પાછળ તબીબોની આખી ફોજ સામેલ હતી. અહેવાલો અનુસાર જૈશ-એ-મોહમ્મદે ખૂબ જ ચતુરાઇથી આ વ્હાઇટ કોલર જોબ ધરાવતા તબીબોનું બ્રેઇનવોશ કરીને કિલર ડોક્ટર્સની આખી ટેરર લેબ તૈયાર કરી હતી જેથી કરીને કોઈને પણ આ હુમલાના એંધાણ ન આવે. ફરીદાબાદ, લખનૌથી માંડીને કાશ્મીર સુધી તબીબોની આ કિલર ગેંગ ઉઘાડી પડયા બાદ સુરક્ષા એજન્સીઓના કાન પણ ઊભા થઈ ગયા છે.
દિલ્હીના લાલ કિલ્લા પાસે મેટ્રો સ્ટેશનના પાર્કિંગ સ્ટેશનમાં સોમવારે થયેલા બોમ્બ વિસ્ફોટના પગલે કટ્ટરવાદી ડોક્ટર્સનું આખું નેટવર્ક સામે આવ્યું છે. જે આતંકવાદના માર્ગે ચાલી નીકળ્યા હતા અને આ નેટવર્ક સમગ્ર દિલ્હી અને અન્ય શહેરોને વિસ્ફોટથી થથરાવવા માગતું હતું. તેમાં સહારનપુરથી ધરપકડ કરાયેલ અનંતનાગનો ડોક્ટર આદિલ એહમદ, ફરીદાબાદમાં દારૂગોળાનો જથ્થો એકઠો કરનાર ડો. મુજમ્મિલ શકીલ અને ત્રીજો તબીબ ઉમર મોહમ્મદ સામેલ છે.
• ડો. શાહીનઃ ફરીદાબાદથી ઝડપાયેલી ડો. શાહીનને જૈશ-એ-મોહમ્મદની ભારતમાં મહિલા પાંખ અને ભરતી માટે છોકરીઓ તૈયાર કરવાની જવાબદારી સોંપાઇ હતી. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની મહિલા વિંગ જમાત-ઉલ-મોમીનાતની ભારત શાખાની કમાન શાહીનને સોંપાઇ હતી. આ સંગઠનનું નેતૃત્વ મૌલાના મસૂદ અઝહરની બહેન સાદિયા અઝહર કરી રહી છે. સાદિયા અઝહરનો પતિ યુસૂફ કંદહાર વિમાન અપહરણકાંડનો માસ્ટરમાઇન્ડ હતો.
• ડો. આદિલ મોહમ્મદઃ આદિલ મોહમ્મદ અનંતનાગની એક હોસ્પિટલમાં સિનિયર ડોકટર છે, જેણે 19 ઓક્ટોબરે શ્રીનગરમાં જૈશ-એ-મોહમ્મદના પોસ્ટર લગાવ્યા હતા. સીસીટીવી ફૂટેજથી તેની ઓળખ થઇ હતી અને ત્યારબાદ સર્વેલન્સની મદદથી તેની ગત 6 નવેબરના રોજ સહારનપુરથી ધરપકડ કરાઇ હતી. અનંતનાગમાં તેના લોકરમાંથી એક રાઇફલ અને અન્ય સંવેદનશીલ સામગ્રી પણ જપ્ત કરાઇ હતી. તેની પાસેથી ફરીદાબાદના ડો. મુજમ્મિલ શકીલના સગડ મળ્યા હતા.
• ડો. મુજમ્મિલઃ કાશ્મીરના વતની મુજમ્મિલે આપેલી માહિતીના આધારે જ ફરીદાબાદના ગામમાંથી 2900 કિલો વિસ્ફોટકનો જથ્થો મળી આવ્યો હતો, . મુજમ્મિલ કાશ્મીરના પુલવામાનો રહેવાસી છે અને તે ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાં ભણાવતો હતો.
• ડો. ઉમર મોહમ્મદઃ બે તબીબોનો ત્રીજો સાથી ઉમર મોહમ્મદ હતો, જે પકડમાં નહોતો આવ્યો. તેનું નામ ડોક્ટર ઉમર મોહમ્મદ છે. જે પણ અલ ફલાહ યુનિવર્સિટીમાં મેડિકલ કોલેજમાં ભણાવવાનું કામ કરતો હતો. અહેવાલો અનુસાર ઉમર જ કારમાં સવાર તે ફિદાયીન હુમલાખોર હતો, જેણે લાલ કિલ્લા નજીક કારમાં ધડાકો કર્યો હતો.
• ડો. પરવેઝઃ ઉત્તરપ્રદેશ એટીએસએ લખનઉમાં જૈશની મહિલા કમાન્ડર ગણાવાતી ડોક્ટર શાહીનના ભાઇ ડો. પરવેઝના ઘરમાં પણ દરોડો પાડયો હતો. તે પણ અલ ફલાહ યુનિવર્સિટીના આ આતંકી તબીબોની ગેંગના સંપર્કમા હતો. એટીએસ જ્યારે તેના ઘરે પહોંચી ત્યારે ઘરમાં તાળું હતું ત્યારે એટીએસની ટીમે અંદર ઘુસીને તપાસ કરી હતી અને અહીંથી ઘણી બધી શંકાસ્પદ વસ્તુઓ જપ્ત કરી હતી.
• ડો. સજ્જાદઃ જમ્મુ-કાશ્મીર પોલીસે કાશ્મીર ખીણમાં ડોક્ટરોના આ ટેરર નેટવર્કમાં સામેલ ડો. સજ્જાદની પણ અટકાયત કરી છે. દિલ્હી બ્લાસ્ટ કેસમાં સામેલ તબીબોના તે સંપર્કમાં હતો. સજ્જાદ ડોક્ટર ઉમરનો ગાઢ મિત્ર કહેવાય છે. તપાસમાં જાણવા મળ્યુ છે કે વિસ્ફોટમાં એમોનિયમ નાઇટ્રેટ, ફયુલ અને ડિટોનેટરનો ઉપયોગ કરીને કાર બોમ્બ વિસ્ફોટ કરાયો હતો.
જમ્મુ-કાશ્મીરમાં અન્સાર ગઝાવત-ઉલ-હિન્દનો ખાસ યાસિર પકડાયો છે. અહેવાલો અનુસાર દિલ્હી બોમ્બ બ્લાસ્ટમાં સામેલ તબીબોનું બ્રેનવોશ કરીને તેમને આતંકવાદી કાવતરામાં સામેલ કરવાનું કામ આ યાસિરે જ કર્યુ હતું.
છ રાજ્યો સુધી પહોંચ્યો તપાસનો રેલો
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા આત્મઘાતી વિસ્ફોટની તપાસમાં નવા ખુલાસા થયા છે. એનઆઇએએ એ શખ્સની ધરપકડ કરી છે કે જેણે આત્મઘાતી હુમલાખોર સાથે મળીને આ આતંકી ઘટનાને અંજામ આપ્યો હતો. ધરપકડ કરાયેલ આરોપીનું નામ આમિર રાશિદ અલી છે, વિસ્ફોટમાં ઉપયોગમાં લેવાયેલી કાર તેના જ નામે નોંધાયેલી છે. જ્યારે બીજી તરફ 14 વર્ષ બાદ દિલ્હીમાં થયેલા આ ભયાનક વિસ્ફોટ પાછળ જૈશ-એ-મોહમ્મદનો હાથ હોવાનો દાવો થઇ રહ્યો છે. આ ઉપરાંત 15 જેટલા ડોક્ટરોની ધરપકડ કરાઇ છે.
ગુપ્તચર એજન્સીઓને મળેલી જાણકારી મુજબ જૈશ-એ-મોહમ્મદે ભારતમાં આતંકવાદની જાળ ફેલાવવા માટે 20 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. આ રૂપિયા ત્રણ ડોક્ટરોને મોકલવામાં આવ્યા હતા. જેમના નામ ઉમર, મુજમ્મિલ અને શાહીન છે.
દિલ્હી વિસ્ફોટની તપાસ કરી રહેલી એનઆઇએની તપાસ જમ્મુ-કાશ્મીર સહિત છ રાજ્યો સુધી પહોંચી ગઇ છે. જેમાં પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્ય પ્રદેશ, દિલ્હી અને જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે.
15 ડોક્ટરો સકંજામાં
શ્રીનગરમાં હાલ એનઆઇએના અધિકારીઓ ડોક્ટર આદિલ, ડોક્ટર મુઝમ્મિલ, ડોક્ટર શાહીન અને અન્ય આરોપીઓની પૂછપરછ કરી રહી છે. અત્યાર સુધીમાં આતંકી નેટવર્કમાં સામેલ 15થી વધુ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી ચુકી છે જ્યારે આ નેટવર્કમાં સામેલ અન્ય ડોક્ટરો એજન્સીના રડારમાં છે. બહુ જ મોટી સંખ્યામાં ડોક્ટરોને સોશિયલ મીડિયા દ્વારા જોડીને કટ્ટરવાદી બનાવવામાં આવ્યા હતા. ધરપકડ કરાયેલી મહિલા ડોક્ટર શાહીન વિદેશ ભાગવાની તૈયારીમાં હતી, પોલીસે તેના પાસપોર્ટ માટે વેરિફિકેશન પણ કર્યું હતું. આ દરમિયાન લેવાયેલી તેની તસવીર પણ સામે આવી છે. પાસપોર્ટ બનાવવા પાછળનો હેતુ શું હતો તેની પોલીસ તપાસ કરી રહી છે. દિલ્હીમાં જે આત્મઘાતી હુમલો કરાયો તેની તૈયારી ગયા વર્ષથી શરૂ કરી દેવાઇ હતી. આત્મઘાતી હુમલો કરનારો ઉમર હાર્ડકોર રેડિકલ એટલે કે અત્યંત કટ્ટરવાદી હતો. ડોક્ટરોનું એક જુથ ઉમર જેવા જ હાર્ડકોર રેડિકલ ડોક્ટરની એક વર્ષથી તપાસ કરી રહ્યું હતું. આ વ્હાઇટ કોલર ટેરર મોડયુલને શ્રીનગર પોલીસ દ્વારા ખુલ્લુ પડાયું છે. બીજી તરફ એવા અહેવાલો સામે આવ્યા છે કે જમ્મુ કાશ્મીરમાં હવે આતંકીઓ એવા લોકોની ભરતી કરે છે કે જેનો કોઇ જ ક્રિમિનલ રેકોર્ડ ના હોય કે આતંકી લિંક ના હોય. એટલે કે વ્હાઇટ કોલર અને સ્વચ્છ છાપ ધરાવતા કટ્ટરવાદીની ભરતી કરવા પ્રયાસો થઇ રહ્યા છે.


