કાશ્મીરમાં G-20 સમિટઃ ચીન-પાક.ના નાપાક ઇરાદા પર પાણી ફરી વળ્યું

Tuesday 23rd May 2023 05:52 EDT
 
 

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે જી-20 ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની મહત્ત્વની બેઠક યોજાઇ રહી છે. રવિવારથી શરૂ થયેલી આ બેઠકનું બુધવારે સમાપન થશે. જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ આ પ્રથમ મોટો આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ થઈ રહ્યો છે, જેમાં જી-20 દેશોના 60થી વધુ પ્રતિનિધિએ હાજરી આપી હતી. જોકે જી-20ના સભ્ય દેશોમાંથી ચાર દેશો - ચીન, સાઉદી અરબ, તુર્કીયે અને ઇન્ડોનેશિયાએ કાશ્મીરને વિવાદાસ્પદ પ્રદેશ ગણાવીને આ બેઠકમાં હાજરી આપવાનો ઇન્કાર કર્યો હતો. શ્રીનગરમાં જી-20 બેઠક પહેલાં આંતરરાષ્ટ્રીય સીમા પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી, તો શ્રીનગર અને કાશ્મીરનાં મહત્ત્વનાં સ્થળો પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
સેનાની ત્રણેય પાંખનો બંદોબસ્ત
જી-20ની બેઠક અને કાશ્મીરની સંવેદનશીલતાને ધ્યાને લેતાં સેનાની ત્રણેય પાંખ દ્વારા સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એનએસજી અને માર્કોસ કમાન્ડો તહેનાત કરવામાં આવ્યા હતા, તો નેવીના મરીન કમાન્ડોએ ડલ લેક પર તહેનાત રહ્યા હતા. તો શ્રીનગરના આકાશમાં પણ દેખરેખ રખાઈ હતી.
પાકિસ્તાનની નાપાક હરકત
જી-20ની બેઠક શરૂ થયા પહેલાં પાકિસ્તાન તરફથી કાશ્મીરમાં 100થી વધુ નકલી હેશટેગ સક્રિય કરવામાં આવ્યા હતા, જેનું કામ જી-20 વિરોધી દુષ્પ્રચાર ફેલાવવાનું હતું. આ અંગે પ્રશાસન દ્વારા આશરે 500 સંદિગ્ધ મોબાઇલ નંબરની ઓળખ કરવામાં આવી છે, જેના દ્વારા પાકિસ્તાન દ્વારા આ પ્રોપેગેન્ડા ફેલાવવામાં આવ્યો હતો. જેના દ્વારા લોકોને વ્હોટ્સએપ મેસેજ અને ગુમનામ કોલ કરવામાં આવ્યા હતા. આ સિવાય પાકિસ્તાન દ્વારા સ્થાનિકોને ભડકાવવા અને અફવા ફેલાવવાના પણ ભરપુર પ્રયાસ કરાયા હતા.
ભારતનો ચીનને જડબાતોડ જવાબ
જમ્મુ-કાશ્મીરના ઉનાળુ પાટનગર શ્રીનગરમાં ભારતના અધ્યક્ષપદે યોજાયેલી G-20 ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની ત્રીજી બેઠકમાં ચીને હાજરી આપવાનું ટાળ્યું હતું. ચીનનું કહેવું છે કે તે ‘વિવાદિત પ્રદેશ’માં આવી કોઈ બેઠક યોજવાનો વિરોધ કરે છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેન્જિનને એક પ્રેસ કોન્ફરન્સમાં જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી G-20 બેઠક સંદર્ભે કર્યું હતું કે ચીન ‘વિવાદિત પ્રદેશ'માં G-20ની કોઈ પણ પ્રકારની બેઠક યોજવાનો સખત વિરોધ કરે છે. અમે આવી કોઈ બેઠકમાં હાજરી નહીં આપીએ. ઉલ્લેખનીય છે કે ભારત-ચીન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પૂર્વ લદાખમાં સરહદે સ્થિતિ તંગ છે. જૂન, 2020માં પૂર્વ લદાખની ગાલવાન ખીણમાં બંને દેશોના જવાનો વચ્ચે ભીષણ ઝપાઝપી બાદ દ્વિપક્ષી સંબંધો ઘણા તંગ બન્યા હતા. ભારતનું કહેવું છે કે, સરહદી ક્ષેત્રમાં શાંતિ ન સ્થપાય ત્યાં સુધી દ્વિપક્ષી સંબંધો સામાન્ય રહી શકે તેમ નથી.
26/11 જેવા હુમલાના ષડયંત્રનો પર્દાફાશ
G-20 ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની ત્રણ દિવસની બેઠક પૂર્વે છેલ્લી ઘડીએ ફેરફાર કરાયો છે. આતંકી સંગઠનોએ આઇએસઆઇના ઇશારે ગુલમર્ગમાં વિદેશી મહેમાનો જ્યાં રોકાવાના હતા તે હોટેલમાં 26/11 જેવા હુમલાને અંજામ આપવાનું કાવતરું ઘડ્યું હતું. હોટેલનો ડ્રાઇવર પકડાયા બાદ સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો હતો. બારામુલ્લાના હૈગામ સોપોરનો ફારુક અહેમદ વાની ગુલમર્ગની ફાઇવ સ્ટાર હોટેલમાં ડ્રાઇવર તરીકે કામ કરતો હતો અને આઇએસઆઇના અધિકારીઓ સાથે સીધો સંપર્કમાં હતો. આ પર્દાફાશ પછી વિદેશી મહેમાનોને ગુલમર્ગની મુલાકાતે નહીં લઇ જવા નિર્ણય થયો હતો. શ્રીનગરમાં ડલ લેકના કાંઠે શેર-એ-કશ્મીર કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલી બેઠકમાં G-20 ગ્રૂપના અંદાજે 63 પ્રતિનિધિએ ભાગ લીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter