કાશ્મીરમાં આત્મઘાતી આતંકી હુમલામાં ૪૦ જવાનો શહીદઃ ભારતભરમાં આક્રોશ

Friday 15th February 2019 03:54 EST
 
 

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં પેરા-મિલિટરી ફોર્સના કાફલા પર થયેલા આત્મઘાતી આતંકવાદી હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા છે જ્યારે ૨૦થી વધુને ગંભીર ઇજા થયા છે. કાશ્મીરમાં સુરક્ષા જવાનો ઉપર થયેલો અત્યાર સુધીનો આ સૌથી મોટો આતંકવાદી હુમલો છે. પુલવામાના અવંતીપોરા ખાતે ગોરીપારા વિસ્તારમાંથી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)નો કાફલો બસમાં પસાર થઇ રહ્યો હતો ત્યારે જૈશ-એ-મોહમ્મદના ફિદાઇન હુમલાખોરે વિસ્ફોટકો ભરેલી કાર અથડાવી દીધી હતી.

હુમલાની આ ઘટના બાદ દેશભરમાં પાકિસ્તાન સામે રોષનું મોજું ફરી વળ્યું છે. લોકોએ બુલંદ અવાજે માગણી કરી છે કે ભારત સરકારે પાકિસ્તાનને આકરા શબ્દોમાં પાઠ ભણાવવો જોઇએ. ભારત સરકારે આ હુમલામાં પાડોશી દેશ પાકિસ્તાનની સંડોવણી હોવાનો આરોપ મૂકીને તેને અપાયેલો મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન)નો દરજ્જો પાછો ખેંચી લીધો છે. સાથે સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે આ કાયર કૃત્યનો જડબાતોડ જવાબ અપાશે. તેમણે કહ્યું હતું કે ભારતીય સેનાને તેને યોગ્ય લાગે તે જરૂરી કાર્યવાહી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા અપાઇ છે.

પાક. હવે ‘મોસ્ટ ફેવર્ડ નેશન’ નહીં

આજે શુક્રવારે સવારે યોજાયેલી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (સીસીએસ)ની બેઠકમાં પાકિસ્તાનને અપાયેલો મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન)નો દરજ્જો પાછો ખેંચી લેવાયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદે યોજાયેલી આ બેઠકમાં ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ અને નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોભાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આતંકવાદી હુમલા સંદર્ભે ચર્ચા કરી હતી.

કાફલામાં ૨૫૦૦ જવાનો હતા

સીઆરપીએફનો ૨૫૦૦ જવાનોનો કાફલો ૫૦થી વધુ બસમાં શ્રીનગર જઇ રહ્યો જતો હતો. ત્યારે આત્મઘાતી આતંકીએ વિસ્ફોટકો ભરેલી કાર અથડાવી દેતાં બ્લાસ્ટ થયો હતો. આ સાથે જ આસપાસમાં સંતાયેલા આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કરતા ૪૦ જવાનો શહીદ થયા હતાં જ્યારે ૨૦ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. સુરક્ષા જવાનો દ્વારા આસપાસના ૧૫ ગામોને કોર્ડન કરી લઇને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
આ આતંકી હુમલામાં જૈશ-એ-મોહમ્મદની સંડોવણી છતી થઇ છે. જૈશ-એ-મોહમ્મદ પાકિસ્તાની જેહાદી સંગઠન છે. તેનો ઉદ્દેશ કાશ્મીરને ભારતથી અલગ કરવાનો છે. તેની સ્થપના મૌલાના મસૂદ અઝહરે કરી હતી. હાલમાં તેનો ભાઈ મૌલાના સઉફ અસગર જૈશનો વડો છે. ભારત, અમેરિકા અને બ્રિટન દ્વારા જારી કરાયેલી આતંકવાદીઓની યાદીમાં પણ જૈશને સમાવેશ કરવામાં આવ્યો છે.

પાકિસ્તાનથી આવ્યા આતંકી

આતંકવાદીઓએ જવાનોનાં બે વાહનોને નિશાન બનાવ્યા હતાં. પાકિસ્તાનમાં પાંચમી ફેબ્રુઆરીએ જૈશ-એ-મોહમ્મદની રેલી યોજાઈ હતી. આ રેલી બાદ આતંકવાદીઓની ૭ ટુકડી ભારતમાં આતંક ફેલાવવા માટે રવાના થઈ હતી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં કરાચી ખાતે જૈશ-એ-મોહમ્મદની રેલીમાં મૌલાના મસૂદ અઝહરનો નાના ભાઈ અને જૈશનો વડો મૌલાના અબ્દુલ રઉફ અસગરે ભારતના અનેક વિસ્તારોમાં આતંકવાદી હુમલ કરવાની જાહેરાત કરી હતી. રેલીને સંબોધિત કરતાં અસગરે જણાવ્યું હતું કે, આગામી વર્ષે ફરી એક વખત કાશ્મીર સોલિડારિટી ડે ઊજવવામાં આવશે અને ત્યારે દિલ્હીમાં કેર વર્તાઈ જશે.

તાલીબાનો જેવી મોડસ ઓપરેન્ડી

આ ઘટનામાં પણ જૈશ-એ-મોહમ્મદની સ્થાનિક યુવાનોને ઉશ્કેરીને આતંકના રસ્તે લઈ જવાની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. આતંકવાદીઓએ જે રીતે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલા કરવામાં આવતા હોય છે તે જ રીતે આ હુમલો કર્યો છે. કાશ્મીરમાં ઘણા સમય બાદ આતંકવાદીઓએ તાલિબાની રીતે હુમલો કર્યો છે.

અફઘાનિસ્તાનમાં તાલીમ

સૂત્રોના મતે આદિલને તાજેતરમાં જ અફઘાનિસ્તાનમાં તાલીમ આપવામાં આવી હતી. તેને અફઘાન મુજાહિદ જૈશના આતંકવાદી રસીદ ગાઝીએ તાલીમ આપી હતી. તેણે કાશ્મીરના સ્થાનિક યુવાનોને આતંકવાદના રસ્તે વાળવાની જવાબદારી સ્વીકારી છે. રાશિદ ગાઝી રિમોટ વડે ઓપરેટ થતા આઇઈડી વિસ્ફોટક બનાવવામાં એક્સપર્ટ છે.

આતંકીઓનાં મોતનો બદલો?

કાશ્મીર ખીણ પ્રદેશમાં છેલ્લાં કેટલાય સમયથી આતંકવાદીઓનો સફાયો કરવાનો સિલસિલો સેના દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. જૈશના આતંકવાદીઓ ઉસ્માન અને તલહા રશીદને સેનાએ ઠાર કર્યા બાદ આદિલ વધારે વ્યથિત થઈ ગયો હતો. ઉસ્માન અને તલહા રશિદ જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરના અનુક્રમે ભત્રીજો અને ભાણિયો હતા. તેમના મોતનો બદલો લેવા માટે જ મસૂદ ઘણા સમયથી ષડયંત્ર કરી રહ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter