કૃષિ કાયદાના અમલ સામે સ્ટેઃ અભ્યાસ માટે ૪ સભ્યોની સમિતિ

Wednesday 13th January 2021 04:37 EST
 
 

નવી દિલ્હીઃ ભારતની સર્વોચ્ચ અદાલતે બહુચર્ચિત કૃષિ કાયદાના અમલ સામે નવો આદેશ ન થાય ત્યાં સુધી સ્ટે ફરમાવ્યો છે. સાથે સાથે જ કોર્ટે ત્રણેય કૃષિ કાયદા સંદર્ભે ખેડૂત વર્ગની સમસ્યાઓનો અભ્યાસ કરવા માટે ચાર સભ્યોની સમિતિ રચવાનો પણ નિર્ણય કર્યો છે. સમિતિના સભ્યોમાં ઇન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રમોદ કુમાર જોશી, કૃષિ વૈજ્ઞાનિક અશોક ગુલાટી તેમજ શેતકરી સંગઠનના અનિલ ધનવંત અને બી. એસ. માનનો સમાવેશ થાય છે. આ કાયદાઓની તરફેણમાં અને વિરોધમાં અરજીઓ થઇ છે ત્યારે સુપ્રીમ કોર્ટે આ સમિતિને કૃષિ કાયદાનો વિગતવાર અભ્યાસ કરીને બે માસમાં રિપોર્ટ રજૂ કરવા સૂચવ્યું છે.
બીજી તરફ, આંદોલનકારી ખેડૂત સંગઠનોએ સમિતિ રચવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. સરકારે કૃષિ સુધારાઓ રદ જ કરવા જોઇએ તેવી માગ કરી રહેલા આંદોલનકારીઓના એક જૂથે આ સમિતિના સભ્યોને સરકાર-તરફી ગણાવ્યા છે. જ્યારે કેન્દ્ર સરકારે સમિતિ રચવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકારતા જણાવ્યું છે કે આ સમિતિ નિષ્પક્ષ છે.
ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદામાં સુધારાના મામલે આંદોલનકારી ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે કોકડું ગૂંચવાયું છે. ખેડૂત સંગઠનો અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે મંત્રણાના અનેક રાઉન્ડ યોજાઇ ચૂક્યા છે. આમ છતાં કોઇ સમાધાનકારી માર્ગ મળ્યો નથી. કોકડું વણઉકેલ જ રહેતા સુપ્રીમ કોર્ટે સોમવારે આ આંદોલન સંબંધિત અરજીઓની સુનાવણી દરમિયાન નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે આટલા વિરોધ છતાં પણ જો સરકાર કૃષિ કાયદાનો અમલ મુલત્વી રાખવા તૈયાર ન હોય તો તે કાયદાનો અમલ મુલત્વી રાખવાનો આદેશ આપી શકે છે. અને મંગળવારે આવું જ બન્યું છે.
મંગળવારે સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ એમ. એલ. શર્માએ દલીલ કરી હતી કે ઘણા ખેડૂતો સાથે તેમની વાતચીત થઈ હતી. તેમનું કહેવું છે કે અમે ફરિયાદ માટે કોઈ પણ સમિતિ પાસે જવાના નથી. અમે તો શાંતિથી પ્રદર્શન કરી રહ્યા છીએ. શર્માએ એવું પણ કહ્યું કે ખેડૂતો તેમના હક માટે શાંતિથી પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.

શર્માની દલીલ સાંભળીને ચીફ જસ્ટિસે કહ્યું હતું કે અમને ખેડૂતોના જીવની ચિંતા છે. આ સાથે જ ચીફ જસ્ટિસે મંગળવારે જ આદેશ આપવાની ખાતરી આપી હતી. ચીફ જસ્ટિસે શર્માને કહ્યું હતું કે ન્યાયિક પ્રક્રિયામાં વિશ્વાસ રાખવો જોઈએ. આ રાજકારણ નથી. નકારાત્મક વાતો ટાળો અને અમને સહયોગ કરો.
અમે વાસ્તવિક્તા જાણવા માગીએ છીએ અને આ મુદ્દાનો ઉકેલ લાવવા માગીએ છીએ. આ મુદ્દે અમારી સમક્ષ ઘણા જ અભિપ્રાય આવી રહ્યા છે, જેથી ચિત્ર થોડું સ્પષ્ટ બને. આ તબક્કે શર્માએ એવી દલીલ કરી હતી કે ખેડૂતોનું કહેવું છે આ મુદ્દે તેમને ઘણા લોકો સાથે વાતચીત કરવા બોલાવવામાં આવે છે, પરંતુ વડા પ્રધાન એક વખત પણ ના આવ્યા.
આ અંગે ચીફ જસ્ટિસે કહ્યું હતું કે અમે વડા પ્રધાનને ના કહી શકીએ કે તમે મળવા જાઓ, તેઓ કેસમાં પક્ષકાર નથી. ચીફ જસ્ટિસે ખેડૂત સંગઠનને કહ્યું હતું કે દુનિયામાં કોઈ એવી તાકત નથી જે અમને સ્વતંત્ર સમિતિની રચના કરવાથી રોકી શકે. અમે આ મુદ્દાને ઉકેલવા માગીએ છીએ.

આંદોલનમાં ખાલિસ્તાનીઃ સરકારનો દાવો

સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાઓ સ્ટે ભલે લગાવી દીધો હોય, પરંતુ તેણે એ પણ સ્પષ્ટતા કરી છે કે આ આદેશ અનિશ્ચિત મુદત માટે નથી અને અમારો હેતુ હકારાત્મક માહોલ બનાવવાનો છે. કેસમાં સરકાર તરફથી દલીલ કરી રહેલા એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલને સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે બેન્ચ સામે એક નિવેદન આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રતિબંધિત સમૂહ આ પ્રદર્શનમાં મદદ કરી રહ્યું છે શું આપ આ વાતને માનો છો કે રદિયો આપો છો. આના જવાબમાં વેણુગોપાલે કહ્યું હતું કે, આંદોલનમાં ખાલિસ્તાની ઘૂસી આવ્યા છે.

કૃષિ કાયદા અનેક પિટિશન

કૃષિ કાયદાઓ સામે દાખલ કરાયેલી એક કરતા વધુ પિટિશન અંગે સુપ્રીમ કોર્ટ મંગળવારે ચુકાદો આપવાની હતી. આ પૂર્વે સોમવારે સુનાવણી બાદ કેન્દ્ર સરકાર દ્વારા ઉતાવળે એક એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે હાલની એફિડેવિટ જરૂરી છે જેથી વિરોધ કરી રહેલા વ્યક્તિઓ કેન્દ્ર સરકાર સામે જે ખોટી વાતો ફેલાવી છે, તેને દૂર કરી શકાય.
નોંધનીય છે કે વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોનો એક આરોપ એવો છે કે કાયદાઓ પસાર કરતા પહેલાં કેન્દ્ર સરકાર અથવા સંસદ દ્વારા ક્યારેય કોઈ સમિતિ પાસે કાયદાઓ વિશે સલાહ લેવાઇ નથી કે કાયદા સાથે સંકળાયેલા મુદ્દાઓ અંગે કોઈ ચર્ચા કરાઇ નથી.
એફિડેવિટમાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે ખેડૂતોને તેમની ખેત પેદાશની સારી કિંમત મળે તે માટે સુલભ અને અવરોધમુક્ત બજાર સિસ્ટમ સ્થાપવા હેતુસર ભારત સરકાર બે દાયકાથી રાજ્ય સરકારો સાથે સક્રિયતાથી કામ કરી રહી છે.
પરંતુ રાજ્ય સરકારો સુધારાઓને સ્વીકારવા માટે રાજી નથી અથવા તો નામ પૂરતા સુધારા કર્યા છે. કૃષિ કાયદા ઉતાવળે નથી ઘડાયા, પરંતુ બે દાયકાના વિચારવિનિમય બાદ ઘડાયા છે. દેશના ખેડૂતો ખુશ છે કારણ કે તેમને હાલના વિકલ્પ ઉપરાંત વધારાનો વિકલ્પ મળે છે અને તેથી કોઈનો હક છીનવી લેવાયો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter