કેન્યામાં કોલેજ પર ત્રાસવાદી હુમલોઃ ૧૪૮નાં મોત

Wednesday 08th April 2015 06:24 EDT
 
 

નૈરોબીઃ નોર્થ-ઇસ્ટ કેન્યામાં બીજી એપ્રિલે ચાર આતંકવાદીઓએ ગેરિસ્સા યુનિવર્સિટી કોલેજ કેમ્પસમાં ઘુસી જઇને કરેલા અંધાધૂંધ ગોળીબારમાં ૧૪૮ લોકો માર્યા ગયા હતા જ્યારે ૮૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. માર્યા ગયેલાઓમાં મોટા ભાગના યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હતા.
સતત ૧૨ કલાક સુધી ચાલેલી અથડામણના અંતે કેન્યાના સુરક્ષા દળોએ અલ કાયદા સાથે જોડાયેલા સંગઠ્ઠન અલ-શબાબના ચારેય ત્રાસવાદીઓને ઠાર કર્યા હતા. કોલેજ પર થયેલો આ હુમલો કેન્યામાં જ ૧૯૯૮માં અમેરિકી દૂતાવાસ પર થયેલા હુમલા પછીનો સૌથી ખતરનાક હુમલો મનાય છે.
આ હુમલા બાદ કેન્યાની સેનાએ પડોશી દેશ સોમાલિયામાં અલ-શબાબ આતંકવાદી સંગઠનનાં અડ્ડાઓ પર હવાઈ હુમલા શરૂ કરી દીધા હતા. રવિવારે મોડી રાતથી શરૂ કરાયેલા આ હુમલામાં કેટલા આતંકવાદીઓ માર્યા ગયા છે તે જાહેર કરવામાં આવ્યું નથી. કેન્યાની સેનાના પ્રવક્તાએ સોમવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ઉહુરુ કેન્યાટાનો આદેશ મળતાં જ યુદ્ધ વિમાનોએ સોમાલિયામાં ઘૂસીને હુમલા કર્યા હતા. આ વિસ્તારમાં થઈને જ આતંકીઓ કેન્યામાં ઘૂસ્યા હતા.
હુમલમાં બચી ગયેલી ૨૧ વર્ષની ઓગ્સ્ટીન અલાગ્ને નજરે નિહાળેલો ચિતાર વર્ણવતાં કહ્યું હતું કે, વહેલી સવારે તમામ લોકો સુતા હતા ત્યારે તેણે ડોરમેટ્રીઝની બહાર બંદુકની ગોળીઓનો અવાજ સાંભળ્યો હતો. ગોળીબારનો અવાજ વધતો જ ગયો હતો. આડેધડ થઇ રહેલા ગોળીબારના કારણે અનેક વિદ્યાર્થીઓ પોતાના રૂમની અંદર જ પુરાઇ રહ્યા હતા જ્યારે કેટલાક સ્થળ છોડીને નાસી જવામાં સફળ રહ્યા હતા.’ આ હુમલો થયો ત્યારે કોલેજની મસ્જીદમાં વહેલી સવારની નમાઝ ચાલી રહી હતી, પરંતુ ત્યાં કોઇની ઉપર ગોળીઓ છોડવામાં આવી નહોતી, એમ એણે કહ્યું હતું.
માસ્ક પહેરેલા ચાર બંદૂકધારીઓ રાત્રે વિદ્યાર્થીઓ સૂતા હતા ત્યારે ગેરિસ્સા યુનિર્વિસટીના કેમ્પસમાં ઘૂસી ગયા હતા અને રૂમે રૂમે ફરીને તેમણે ખ્રિસ્તીઓને શોધી-શોધીને ઠાર માર્યા હતા. એક વિદ્યાર્થીએ તેમને બારણાં ખોલીને અંદર સંતાઈ ગયેલાઓને એવું પૂછતાં સાંભળ્યા હતા કે તમે મુસલમાન છો કે ખ્રિસ્તી? તેણે જણાવ્યું હતું કે વિદ્યાર્થી ખ્રિસ્તી હોય તો તેને ત્યાં જ ઠાર કરવામાં આવતો હતો.
એક વિદ્યાર્થિની રૂમના કબાટમાં છુપાઇ જતાં બચી ગઇ હતી. તેણે કહ્યું હતું કે હુમલો થતાં જ નાસભાગ મચી ગઇ હતી. કેટલીક વિદ્યાર્થિનીઓ રૂમમાં પલંગ નીચે છુપાઇ ગઇ હતી તો કેટલીક બહાર દોડી ગઇ હતી. મને પણ મારી મિત્રોએ રૂમમાંથી બહાર નીકળી જવા બહુ કહ્યું હતું પરંતુ હું રૂમમાં જ છુપાઇ રહી હતી.
કલાકો સુધી રૂમના કબાટમાં છુપાઇ રહેલી આ વિદ્યાર્થિનીએ નજર સામે જ પોતાની મિત્રોને ઠાર મરાતાં જોઇને હતપ્રભ થઇ ગઇ છે.
હુમલાનો સૂત્રધાર કુનો
ગેરિસ્સા યુનિવર્સિટી કોલેજમાં ૧૪૮ ખ્રિસ્તી વિદ્યાર્થીઓનો જીવ લેનાર આતંકવાદી હુમલાથી સમગ્ર દેશમાં શોકની સાથેસાથે ભયનો માહોલ ફેલાયો છે. આ દરમિયાન હુમલાનો મુખ્ય સૂત્રધાર મનાતા ખૂંખાર આતંકવાદી મોહમ્મદ કુનોનો કાળજું કંપાવે તેવો આતંકી ઇતિહાસ પ્રકાશમાં આવ્યો છે. આતંકવાદી કુનો પર પહેલેથી જ ૧.૩૩ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરાયું હોવાનું ખૂલ્યું છે. સોમાલિયામાં અતિ કટ્ટરવાદી તરીકે ઓળખાતો આતંકવાદી કુનો સાઉથ ઝુબાલેન્ડ ક્ષેત્રમાં આતંકવાદી સંગઠન અલ-શબાબ માટે કામ કરે છે. કેન્યાના મદરેસામાં વર્ષ ૨૦૦૭ સુધી હેડ માસ્તર રહી ચૂકેલો કુનો સોમાલિયામાં સોમાલિયન ઇસ્લામિસ્ટ ગ્રૂપ યુનિયન ઓફ ઇસ્લામિક કોર્ટ્સમાં જોડાયો હતો.
‘કેન્યામાં લોહીની નદી વહાવશું’
આતંકવાદી હુમલામાં ૧૫૦ નિર્દોષ લોકોનો જીવ લેનાર અલ-શબાબ જૂથે કેન્યાની શેરીઓમાં લોહીની નદીઓ વહેડાવવા ધમકી ઉચ્ચારી છે. ગેરિસ્સા યુનિવર્સિટી કોલેજ પરનો હુમલો હવે પછીના હુમલામાંની શરૂઆત છે. અમારા ત્રાસને કોઇ અટકાવી શકશે નહિ તેમ ત્રાસવાદી જૂથ અલ-શબાબે જણાવ્યું હતું. ‘કોઈ પણ પ્રકારની સલામતી વ્યવસ્થા કે અગમચેતી તમારી સલામતીની ગેરન્ટી આપી શકશે નહીં. તમે બીજા હુમલા અને લોહીના ફુવારાને અટકાવી શકશો નહીં’ તેમ અલ-શબાબે એક નિવેદનમાં જણાવ્યું હતું.
અલ-કાયદા સાથે જોડાયેલાં આ જૂથે જણાવ્યું હતું કે આ હુમલો કેન્યાએ સોમાલિયામાં અમારા જૂથ સામે કરેલી કામગીરીનો વળતો જવાબ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter