કોંગ્રેસના કારમા પરાજયના પગલે ‘ઇન્ડિયા’ ગઠબંધન મુશ્કેલીમાં

Tuesday 05th December 2023 09:35 EST
 
 

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભવ્ય જીત સાથે ભાજપે 2024 માટે પોતાનો રસ્તો વધુ મજબૂત કરી લીધો છે. 65 લોકસભા બેઠકો આવરી લેતાં આ રાજ્યોમાં કોંગ્રેસની ટક્કર સીધી ભાજપ સાથે હતી, જ્યાં તેને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસ એકમાત્ર રાજ્ય તેલંગણમાં સરકાર બનાવી રહી છે, ત્યાં લડાઈ પ્રાદેશિક પક્ષ બીઆરએસ સાથે હતી. જોકે પ્રાદેશિક પક્ષોના ભોગે કોંગ્રેસનો ઉદય વિપક્ષી ગઠબંધનનો માર્ગ વધુ મુશ્કેલ બનાવશે. ગઠબંધનમાં સામેલ પક્ષોમાંથી 5ની પોતપોતાના રાજ્યોમાં સરકાર છે. આ પરિણામોથી નબળી પડી ગયેલી કોંગ્રેસ ત્યાં તેની માંગણી રજૂ કરી શકશે નહીં. એવા રાજ્યોમાં પણ મુશ્કેલી વધી શકે છે જ્યાં વિરોધ પક્ષોની તાકાત મુસ્લિમ વોટબેન્ક છે. વાસ્તવમાં કર્ણાટક બાદ તેલંગણમાં પણ કોંગ્રેસની જીતનું મુખ્ય કારણ મુસ્લિમ વોટબેન્ક છે.

બીજી તરફ, ભાજપે ન માત્ર પોતાનો જ ગઢ મજબૂત બનાવ્યો બલ્કે મોદીવિરોધી એકતા, જાતિની વસ્તી ગણતરી, ગેરંટી અને ઓપીએસ જેવા મુદ્દાઓ પર ઈન્ડિયા ચૂંટણી લડવાનું હતું તે મુદ્દાઓને પણ ઉખાડી ફેંક્યા છે. પરિણામો આવતાંની સાથે જ ‘ઈન્ડિયા’ સહયોગી પક્ષોએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે..

‘ઇંડિયા’માં ભાગીદાર એવા પ.બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીે કોંગ્રેસના પરાજયના ઘા પર મીઠું ભભરાવતા જણાવ્યું છે કે આ પરાજય પ્રજાનો નથી, કોંગ્રેસનો છે. ‘ઇન્ડિયા’ જોડાણના દળો સાથે બેઠક વહેંચણીની વ્યવસ્થામાં કમીના લીધે કોંગ્રેસે પરાજય સહન કરવો પડયો. કોંગ્રેસે તેલંગણ જીતી લીધું, પરંતુ મધ્ય પ્રદેશ, રાજસ્થાને અને છત્તીસગઢ ગુમાવ્યા.

મોટા રાજ્યમાં કોંગ્રેસનો રસ્તો વધુ મુશ્કેલ
• ઉત્તર પ્રદેશઃ અખિલેશ યાદવે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની નજર સપાની મુસ્લિમ વોટબેન્ક પર છે ત્યારે સપાને અલગ રસ્તો પસંદ કરવામાં ફાયદો દેખાશે તો તે વિલંબ કરશે નહીં.
• બિહાર: વિપક્ષી એકતાના નેતા નીતિશ કુમારે કોંગ્રેસ સામે મહાગઠબંધનની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપ બિહારમાં જેડીયુને સતત નબળી બનાવવા પ્રયત્નશીલ છે.
• ૫શ્ચિમ બંગાળ: બેઠક વહેંચણી પર સૌથી વધુ લડાઈ અહીં છે. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપને 42માંથી 18 બેઠકો મળી હતી. ત્રણેય સાથે રહેશે તો ભાજપને ફાયદો થશે.
• દિલ્હી-પંજાબ: ઇડીની તપાસનો સામનો કરી રહેલા અરવિંદ કેજરીવાલ કોંગ્રેસને સમર્થન આપવાને બદલે તેનાથી દૂર થઈ શકે છે.
• ઝારખંડ: કોંગ્રેસ હેમંત સોરેનની સરકારમાં સામેલ છે. બંને પક્ષોની વોટબેન્ક સમાન છે. છત્તીસગઢ બાદ સોરેન સામે એસટી વોટ બચાવવાનો પડકાર છે. બીજો મોટો પડકાર એ છે કે સોરેન સામે પણ ઈડીની તપાસ ચાલી રહી છે.

ભાજપે દક્ષિણનો ગઢ તોડવો પડશે
દક્ષિણ ભારતના પાંચ રાજ્યોમાં 130 લોકસભા બેઠકો છે. જેમાંથી હાલમાં ભાજપ પાસે 29 અને કોંગ્રેસ પાસે 27 છે. ઓડિશાની 21 બેઠકોમાંથી 12 બીજેડી પાસે, 8 ભાજપ પાસે અને 1 કોંગ્રેસ પાસે છે. આંધ્રમાં 25માંથી 22 બેઠકો વાયઆરએસસીપી પાસે અને 3 ટીડીપી પાસે છે. વાસ્તવમાં 14 રાજ્યો એવા છે જ્યાં ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ સીટો જીતી છે. ભાજપે ગુજરાત (26), રાજસ્થાન (25), દિલ્હી (7), ઉત્તરાખંડ (5), હિમાચલ (4), ત્રિપુરા (2) અને હરિયાણા (10)ની તમામ બેઠકો જીતી હતી. તે જ સમયે કર્ણાટકમાં 28માંથી 25, મધ્ય પ્રદેશમાં 29માંથી 28, બિહારમાં જેડીયુ-એલજેપી સાથે 40માંથી 39, મહારાષ્ટ્રમાં શિવ સેના સાથે 48માંથી 41, ઉત્તર પ્રદેશમાં 80માંથી 64, ઝારખંડમાં 14માંથી 12 અને છત્તીસગઢમાં 11માંથી 9 બેઠકો જીતી.
ભાજપને ઉત્તરથી દક્ષિણમાં નવા સહયોગી મળશે
અકાલી દળ સહિત ઉત્તરમાં કેટલાક જૂના સાથી પક્ષો અને દક્ષિણમાં નવા પક્ષો ભાજપ સાથે હાથ મિલાવી શકે છે. કર્ણાટકની હાર બાદ ભાજપે જેડીએસ સાથે હાથ મિલાવ્યા છે. આંધ્રમાં ચંદ્રબાબુ નાયડુ અથવા જગન મોહન રેડ્ડીમાંથી એક પસંદ કરવાનો વિકલ્પ છે. બીજી તરફ તેલંગણ, તમિલનાડુ અને કેરળમાં પાર્ટી કેટલાંક નાના પક્ષોને જોડીને પોતાની જમીન મજબૂત કરી શકે છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, હવે ઈન્ડિયા ગઠબંધનમોં વિરોધાભાસ ઉભરી આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter