કોંગ્રેસમાં હોળી, ભાજપમાં દિવાળી

કોંગ્રેસ સાથે છેડો ફાડનાર સિંધિયા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

Tuesday 10th March 2020 16:26 EDT
 
 

ભોપાલઃ દેશવિદેશમાં વસતાં ભારતીયો મંગળવારે આનંદ-ઉલ્લાસભેર હોળી-ધુળેટીનું પર્વ ઉજવી રહ્યાા હતા ત્યારે ભાજપની નેતાગીરી માટે દિવાળી જેવા આનંદનો અવસર હતો. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સરકારના પતનનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે તો ભાજપ સરકારની રચનાના ઉજળા સંજોગો સર્જાયા છે. ઘણા સમયથી હાંસિયામાં ધકેલાઇ ગયેલા યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે ૨૧ સમર્થક ધારાસભ્યો સાથે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દેતા કમલ નાથ સરકારની વિદાય નિશ્ચિત છે. રાજીનામું આપનાર ધારાસભ્યોમાં કમલ નાથ સરકારના છ પ્રધાનોનો પણ સમાવેશ થાય છે. બુધવારે સિંધિયા તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા.

મધ્ય પ્રદેશ વિધાનસભામાં કુલ ૨૩૦ બેઠકો છે. બે સભ્યોના નિધનથી ખાલી પડેલી બેઠકોને બાદ કરતાં હાલ ૨૨૮ ધારાસભ્યો છે. આમાંથી કમલ નાથ સરકારને ૧૨૧ સભ્યોનું સમર્થન હતું. આમાં કોંગ્રેસના પોતાના ૧૧૪ ઉપરાંત ૪ અપક્ષ, બસપાના બે ધારાસભ્યો અને સમાજવાદી પાર્ટીના એક ધારાસભ્યનો સમાવેશ થાય છે. જ્યારે ભાજપ પાસે કુલ ૧૦૭ ધારાસભ્ય છે. હવે સિંધિયાએ ૨૨ ધારાસભ્યો સાથે કોંગ્રેસ સાથે છેડો ફાડતાં કમલ નાથ સરકાર મુશ્કેલીમાં મૂકાઇ ગઇ છે. ગૃહમાં બહુમતનો આંકડો ૧૧૬ છે, પરંતુ સિંધિયા સમર્થક ૨૧ ધારાસભ્યોએ ગૃહના અધ્યક્ષને રાજીનામા મોકલી આપતાં કમલ નાથ માટે બહુમતી પુરવાર કરવાનું મુશ્કેલ થઇ શકે છે. આમ હવે રાજકીય નિરીક્ષકો વિધાનસભા અધ્યક્ષ ભણી નજર માંડીને બેઠા છે.
બળવાખોર જ્યોતિરાદિત્ય સિંધિયાએ સોમવારે કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સાથે સાથે જ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું પણ આપી દીધું હતું.
બીજી તરફ, કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ તાત્કાલિક અસરથી જ્યોતિરાદિત્ય સિંધિયાને પાર્ટીમાંથી બરતરફ કર્યા છે. કોંગ્રેસના નેતા કે. સી. વેણુગોપાલે આ જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે સિંધિયા સાથે કોંગ્રેસ છોડી ગયેલા વિધાનસભ્યોમાં રાજ્યના પ્રધાન ઇમરતી દેવી, પ્રદ્યુમ્નસિંહ તોમર, મહેન્દ્રસિંહ સિસોદિયા, તુલસી સિલાવટ, પ્રભુરામ ચૌધરી, ગોવિંદસિંહ રાજપૂત વગેરેનો સમાવેશ થાય છે.

વિખવાદના મૂળમાં રાજ્યસભા ચૂંટણી

એક સમયે રાહુલ ગાંધીના નજીકના વર્તુળમાં સ્થાન ધરાવતા જ્યોતિરાદિત્ય સિંધિયા મુખ્ય પ્રધાન કમલ નાથના વલણથી લાંબા સમયથી નારાજ હતા. એક યા બીજા સમયે તેઓ તેમની નારાજગી જાહેરમાં પણ વ્યક્ત કરી ચૂક્યા હતા. અત્યાર સુધી તો મામલો હાઇ કમાન્ડના મનામણાથી સચવાઇ જતો હતો, પરંતુ આગામી દિવસોમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારીના મામલે વાત વણસી હતી. કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ જોતાં આગામી ચૂંટણીમાં પક્ષના બે ઉમેદવારનો વિજય નિશ્ચિત જણાતો હતો. સિંધિયા આમાંથી એક બેઠક પર ચૂંટણી લડીને રાજ્યસભામાં જવા ઇચ્છતા હતા.
જોકે પક્ષે આ બે સુરક્ષિત બેઠકોમાંથી એક પર પ્રિયંકા ગાંધીને ઉતારવાનું નક્કી કર્યું હતું, જ્યારે બીજી બેઠક વર્તમાન રાજ્યસભા સભ્ય દિગ્વિજય સિંહે છોડવા ઇન્કાર કર્યો હતો. આમ મુખ્ય પ્રધાન પદથી વંચિત રહી ગયેલા સિંધિયાને આ વખતે પણ ખાલી હાથ રહેવું પડે તેમ હતું. છેવટે તેમણે બળવો પોકાર્યો અને રવિવારે જ પોતાના સમર્થક ધારાસભ્યોને બેંગ્લૂરુ પહોંચાડી દીધા હતા.
મંગળવારે બપોરે આ ધારાસભ્યોએ પોતાના રાજીનામા પત્ર વિધાનસભા અધ્યક્ષને મોકલી આપ્યા છે.

બહુમત સાબિત કરશુંઃ કમલ નાથ

એક તરફ મધ્ય પ્રદેશ વિધાનસભામાં વિરોધ પક્ષ ભાજપના નેતા ૨૧ ધારાસભ્યોનાં રાજીનામાં સાથે અધ્યક્ષ એન. પી. પ્રજાપતિ પાસે પહોંચ્યા હતા તો બીજી તરફ મુખ્ય પ્રધાન કમલ નાથે ધારાસભ્યો સાથેની બેઠક પછી રાજીનામું આપવાનો ઇન્કાર કર્યો છે.
કમલ નાથે આત્મવિશ્વાસભેર દાવો કર્યો હતો કે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. અમે બહુમત સાબિત કરીશું અને અમારી સરકાર કાર્યકાળ પૂરો કરશે. મુખ્ય પ્રધાન કમલ નાથે કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે નારાજ ધારાસભ્યોને મનાવાશે અને મુખ્ય પ્રધાન રાજીનામું નહીં આપે. આ દરમિયાન સ્પીકર પ્રજાપતિએ કહ્યું છે કે તેઓ નિયમ અનુસાર કાર્યવાહી કરશે.

ધારાસભ્યો ગુજરાત પહોંચશે?

દરમિયાન મધ્ય પ્રદેશના ભાજપના ધારાસભ્યોની બેઠક ભોપાલમાં યોજાઈ હતી. બેઠક બાદ ચાર બસો ભરીને ધારાસભ્યો ભોપાલથી નીકળ્યા છે. ભાજપના ધારાસભ્યોનું કહેવું છે કે તેઓ દિલ્હી અથવા બેંગલુરુ જશે. એક શક્યતા એવી પણ છે કે આ ધારાસભ્યો ગુજરાત પહોંચી શકે છે. એક તો સડક માર્ગે ગુજરાત નજીક પણ છે, અને બીજું રાજ્યમાં ભાજપની જ સરકાર છે. આથી ધારાસભ્યોને સાચવવામાં પણ સરળતા રહે. ભાજપ નેતા કૈલાસ વિજયવર્ગીયે કહ્યું છે કે, આ તો હજી શરૂઆત છે. સિંધિયાજીની જેમ અન્ય પ્રદેશોમાં પણ આમ થશે.

ભાજપ વડા મથકે મોદી-શાહ

દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયા દિલ્હી પહોંચ્યા હતા. તેમણે દિલ્હી નિવાસસ્થાને પહોંચતા સમાચાર સંસ્થાને ‘હેપ્પી હોલી’ કહ્યું હતું. બીજી તરફ, દિલ્હી સ્થિતિ ભાજપની વડા મથકે પણ રાજકીય ચહલપહલ તેજ થઇ ગઇ છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં પણ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. દિલ્હી ભાજપની ઓફિસે તો અમિત શાહ અને પડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા. મોદી અને શાહની વડા મથકે હાજરી જોઇને સિંધિયાના આગમનની અટકળો વહેતી થઇ હતી. જોકે તેઓ મોડી રાત સુધી અહીં પહોંચ્યા નહોતા.

જ્યોતિરાદિત્યની ઘરવાપસીઃ યશોધરા

કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે દાવો કર્યો છે કે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોની હેરફેર માટે ભાજપ દ્વારા વિમાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. બીજી બાજુ, મધ્ય પ્રદેશની રાજકીય સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ઘરે ભાજપના દિગ્ગજ નેતાઓની બેઠક યોજાઈ હતી. જ્યોતિરાદિત્ય ભાજપમાં જોડાય છે એ વાત પર તેમના આન્ટી અને ભાજપ નેતા યશોધરા સિંધિયાએ કહ્યુ કે, ‘હું ખૂબ ખુશ છું અને તેમને અભિનંદન આપું છું. આ ઘરવાપસી છે. માધવરાવ સિંધિયાએ એમની પોલિટિકલ કરિયર જન સંઘથી જ શરૂ કરી હતી. જ્યોતિરાદિત્યની કોંગ્રેસમાં અવગણના થતી હતી.

કમલ નાથ દિલ્હી પહોંચ્યા

સિંધિયાના અભિગમથી પોતાની સરકાર પર ખતરો મંડરાતા મુખ્ય પ્રધાન કમલ નાથ દિલ્હી પહોંચી ગયા હતા અને હાઇ કમાન્ડ સાથે ચર્ચા કરીને આંતરિક વિખવાદનો સુખદ ઉકેલ લાવવા પ્રયાસ કર્યા હતા. જોકે આ દરમિયાન ભોપાલમાં મોટી ઉથલપાથલ થઇ ગઇ હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત ૧૭ કોંગ્રેસી વિધાનસભ્યો એકાએક ક્યાંક જતાં રહ્યાના સમાચાર આવ્યા હતા. બાદમાં સમાચાર આવ્યા હતા કે સિંધિયા જૂથના આ નેતાઓ બેંગ્લૂરુ પહોંચ્યા છે. સંપર્કવિહોણા ધારાસભ્યોમાં છ પ્રધાનોનો પણ સમાવેશ થતો હતો. બીજી તરફ સિંધિયા મોડી રાત્રે પોતાના નિવાસસ્થાને જોવા મળ્યા હતા.
મોડી રાત્રે ભોપાલમાં હાઇ વોલ્ટેજ રાજકીય ડ્રામા વચ્ચે કમલ નાથ કેબિનેટની મિટીંગ મળી હતી. જેમાં હાજર બધા પ્રધાનોના રાજીનામાં સ્વીકારી લેવાયા હતા. અસંતુષ્ટોને કેબિનેટમાં સમાવવા માટે નવેસરથી કેબિનેટ રચવા પ્રયાસ હાથ ધરાયા હતા, જોકે આ પહેલાં જ અસંતુષ્ટ ધારાસભ્યોના રાજીનામા આવી પડ્યા હતા.

ત્રણ માર્ચથી ચાલે છે રાજકીય નૌટંકી

મધ્ય પ્રદેશ રાજનીતિમાં આમ તો ત્રીજી માર્ચની મોડી રાતથી રાજકીય ખેલ શરૂ થયો છે. પહેલાં તો કોંગ્રેસ - બસપા અને સમાજવાદી પાર્ટીના કુલ નવ વિધાનસભ્યો અચાનક ગાયબ થઈ ગયા હતા. તેમાંથી પાંચ વિધાનસભ્યો બીજા દિવસે રાત્રે પાછા ભોપાલ આવી ગયા હતા. જ્યારે અપક્ષ વિધાનસભ્ય સુરેન્દ્ર સિંહ શેરા, કોંગ્રેસ વિધાનસભ્ય બિસાહૂ લાલ સિંહ અને રઘુરાજ સંકાના પણ પાછા આવ્યા હતા. પરંતુ એક કોંગ્રેસી વિધાનસભ્ય હરદીપસિંહ ડગે રાજીનામુ આપી દીધું હતું.
આ તમામ ધારાસભ્યો ગુરુગ્રામ જતા રહ્યા હતા પણ તેમને ભોપાલ પરત લાવવામાં આવ્યા હતા. આ ધારાસભ્યો ગુરુગ્રામ ગયા ત્યારે રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહે આરોપ લગાવ્યો હતો કે ભાજપ તેમના ધારાસભ્યનો લાંચ આપીને ખરીદવા પ્રયાસ કરી રહ્યો છે. દિગ્વિજય સિંહે આરોપ લગાવતા કહ્યું હતું કે પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ અને ભાજપના નેતા નરોત્તમ મિશ્રાએ ધારાસભ્યોને ૨૫થી ૩૫ કરોડ રૂપિયા આપવાનો પ્રસ્તાવ રાખ્યો છે.
ગત વર્ષે મધ્ય પ્રદેશ વિધાનસભામાં વિરોધ પક્ષ અને ભાજપના નેતા ગોપાલ ભાર્ગવે કમલ નાથ સરકાર પર વિધાનસભામાં પ્રહાર કરતા કહ્યું હતું કે જો તેમના પક્ષના શીર્ષ નેતૃત્વે એક પણ ઇશારો કર્યો તો રાજ્યમાં કોંગ્રેસની સરકાર ૨૪ કલાક પણ નહીં ટકે. ગત વર્ષે ૨૪ જુલાઈએ ગોપાલ ભાર્ગવે વિધાનસભામાં કહ્યું હતું, ‘અમારા ઉપરવાળા નંબર એક કે બેનો આદેશ આવ્યો તો ૨૪ કલાક પણ આપની સરકાર નહીં ચાલે.’

અપક્ષ ધારાસભ્યે ગૃહ ખાતું માંગ્યું

કમલ નાથ સરકારની મુશ્કેલીઓનો અંત આવે તેમ જણાતું નથી. એક તરફ કોંગ્રેસના અસંતુષ્ટ ધારાસભ્યોનો ક્યાંય સંપર્ક થતો નહોતો ત્યાં બીજી તરફ કોંગ્રેસને સમર્થન કરી રહેલા અપક્ષ ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ સેરાએ બંડ પોકાર્યો હતો.
સૂત્રોના મતે કેટલીક શરતોના આધારે સેરાએ કોંગ્રેસમાં પુનરાગમન કર્યું હતું. તેમને કેબિનેટ કક્ષાના પ્રધાન બનાવવામાં આવશે તેવી ચર્ચાઓ પણ ચાલી હતી. આ બધા વચ્ચે હવે તેમણે ગૃહ મંત્રાલયની માગ કરીને કમલ નાથને ફિક્સમાં જ મૂકી દીધા છે. સોમવારે પત્રકારો સાથે ચર્ચામાં તેમણે જણાવ્યું કે પોલીસને જનતાની મિત્ર બનાવવા ઉપર ફોકસ કરવું જોઈએ. હું આ કામ કરવા માટે સક્ષમ છું. શેરાની આડકતરી માગથી કમલ નાથની મુશ્કેલીઓ વધશે તે નક્કી છે.

કોંગ્રેસમાંથી આકરી પ્રતિક્રિયા

મધ્ય પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અરૂણ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે, જ્યોતિરાદિત્ય સિંઘિયા દ્વારા અપનાવવામાં આવેલા ચરિત્ર બાબતે મને કોઈ અફસોસ નથી. સિંધિયા ખાનદાને આઝાદીના આંદોલનમાં પણ અંગ્રેજ હકૂમત અને તેનો સાથ આપનારી વિચારાધારાની હરોળમાં ઊભા રહી એમની મદદ કરી હતી. આજે જ્યોતિરાદિત્ય ફરી એ જ ઘૃણાસ્પદ વિચારધારાની સાથે ઊભા રહીને પોતાના પૂર્વજોને સલામી આપી છે. અંગત સ્વાર્થ માટે કોંગ્રેસ પક્ષ અને કાર્યકરોના સંઘર્ષને આગમાં નાખનારા જયચંદો - મીર જાફરોને આવનારો સમય પાઠ ભણાવશે.
કોંગ્રેસના પ્રવક્તા શોભા ઓઝાએ ટ્વીટ કર્યું છે કે, ગ્વાલિયર-ચંબલ વિભાગના તમામ કાર્યકરોને આજે મળેલી સાચી આઝાદીની વધામણી. જેમના અધિકારોને મહેલ અને તેના ચાટુકારોના અંગત સ્વાર્થ માટે બલિ ચઢાવાતા હતા તેવા ચંબલના તમામ કોંગ્રેસીઓ માટે આજે મુક્તિનું પર્વ છે.
જ્યારે મધ્ય પ્રદેશ કોંગ્રેસ નેતા પી. સી. શર્માએ કહ્યું કે, હવે તમને કમલ નાથનો માસ્ટર સ્ટ્રોક જોવા મળશે. જોકે તેમણે આ મુદ્દે વધુ કંઇ બોલવાનું ટાળ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter