કોણ કેટલા પાણીમાં?

૨૬ બેઠકો માટે ૨૩ એપ્રિલે મતદાન

Wednesday 17th April 2019 06:05 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતમાં ૨૬ લોકસભા બેઠકો માટે મતદાનનો તખતો તૈયાર થઇ ગયો છે. રાજ્યની તમામ ૨૬ બેઠકો પર એક જ તબક્કામાં ૨૩ એપ્રિલે મતદાન થવાનું છે ત્યારે એક તરફ નેતાઓથી માંડીને કાર્યકરો વધુમાં વધુ મતદારોનો સંપર્ક સાધવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તો બીજી તરફ રાજકીય પક્ષોના મોવડીઓથી લઇને રાજકીય વિશ્લેષકો ક્યા પ્રદેશની કઇ બેઠક પર કોણ કેટલું સબળું છે અને કોણ કેટલું નબળું છે તેની ત્રિરાશી માંડીને જય-પરાજયનો તાગ મેળવવા મથી રહ્યા છે.
ગુજરાતમાં ભાજપે ૨૦૧૪માં તમામ ૨૬ બેઠક જીતી હતી. શું આ કમાલનું પુનરાવર્તન ૨૦૧૯માં પણ થશે? અત્યારે તો ભાજપને આ વાતમાં ભરોસો જણાતો નથી. ગુજરાત સરકાર, ઇન્ટેલિજન્સ બ્યૂરો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો આંતરિક રિપોર્ટ પણ ફરી એક વખત બધેબધી ૨૬ બેઠકો મળવા અંગે સંશયમાં છે. જોકે નરેન્દ્ર મોદી આજે પણ ગુજરાતીઓના લાડીલા અને માનીતા નેતા છે. ભાજપ માટે એકમાત્ર બ્રહ્માસ્ત્ર મોદી જ છે. ભાજપ મોદીને લઈને ફરી એક વાર ઇમોશનલ કાર્ડ રમવા માગે છે. આથી જ તેઓ ગુજરાતી વડા પ્રધાન, મજબૂત વડા પ્રધાન અને ગુજરાતી ગૌરવની વાતો સતત કરી રહ્યા છે.
ગુજરાત ભાજપના નેતાઓ કહે છે કે નરેન્દ્રભાઇના કારણે જ ગુજરાતનો વિકાસ થયો છે. જેઓ મોદીને હટાવવા માગે છે તેમને મોદીથી નહીં, ગુજરાતીઓથી નફરત છે.
જ્યારે કોંગ્રેસ સવાલ ઉઠાવે છે કે મોદીએ પોતાના માર્કેટિંગ સિવાય ગુજરાત માટે શું કર્યું છે? ખેડૂતો મરી રહ્યા છે. નોકરીઓ છે નહીં. વિકાસ ખોટો છે. કોંગ્રેસ પાટીદારોના આક્રોશનો ફરી લાભ લેવા તો માગે છે, પરંતુ એક સમયના પાટીદાર આંદોલનના જાણીતા ચહેરાઓ ભાજપ અને કોંગ્રેસના ચહેરા બની ચૂક્યા છે. આર્થિક નબળા સવર્ણોને અનામત આપીને ભાજપે નારાજ પાટીદાર સમાજ સહિત તમામ વર્ગને ઘણી હદ સુધી મનાવી લીધા છે.
૨૦૧૪ની ચૂંટણી માત્ર મોદીની હતી. તે સમયે મુદ્દા, જ્ઞાતિઓ કે ચહેરામાંથી કંઈ જ જોવાયું નહોતું. તે સમયે દરેક બેઠક પર માત્ર મોદી અને મોદી જ ઉમેદવાર હતા. આ વખતે એવું નથી. શહેરોમાં ભાજપ બહુ મજબૂત છે, પણ ગામડાંમાં કોંગ્રેસ શ્વાસ લેતી દેખાઈ રહી છે. શહેરી વિસ્તારોમાં લોકસભાની કુલ આઠ બેઠક છે. અમદાવાદની બે બેઠક, ગાંધીનગર, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ અને જામનગર. બાકીની ૧૮ બેઠક ગ્રામીણ વિસ્તારોમાં છે.
સત્તાવિરોધી લહેર કે પાટીદારોના આક્રોશ છતાં ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી ભાજપે જીતી તેનું કારણ પણ શહેરી વિસ્તારોની બેઠકો હતી. આથી કોંગ્રેસ પણ ગામડાં પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. કોંગ્રેસના નેતાઓની નજરે સૌરાષ્ટ્ર સોફ્ટ ટાર્ગેટ છે. ૭ લોકસભા બેઠક ધરાવતા સૌરાષ્ટ્ર-કચ્છમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ૪૯માંથી ૨૬ બેઠક જીતી હતી. પટેલ સમાજ અને ખેડૂતોના સહારે કોંગ્રેસ અહીં ચમત્કાર સર્જવાની કલ્પના કરી રહી છે. ખાસ કરીને અમરેલી, પોરબંદર, જૂનાગઢમાં તે સૌથી વધુ આશા રાખીને બેઠી છે.
સમગ્ર રાજ્યની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારો ધરાવતી ૧૦થી ૧૫ બેઠક પર કોંગ્રેસ વધુ જોર લગાવી રહી છે. તેનો પ્રયાસ ૮થી ૧૦ બેઠક ભાજપ પાસેથી ખૂંચવી લેવાનો છે.

આશ્ચર્યજનક ચહેરા

લોકસભા બેઠકના સમીકરણમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓને પણ બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને છેલ્લી ઘડીએ ગણતરીમાં ન હોય તેવા ચહેરાને ઉતારવા પડ્યા છે. ભાજપે ગુજરાતમાં ૨૬માંથી ૨૬ બેઠક જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે. ત્યારે કોઈ રાષ્ટ્રીય નેતાને ગુજરાતમાં ચૂંટણી લડાવીને અન્ય બેઠકોને પણ પ્રભાવિત કરવા માહોલ સર્જવાનું કારણ છે. ઉપરાંત અમિત શાહની કેન્દ્ર સરકારમાં ભવિષ્યની ભૂમિકાને ધ્યાનમાં રાખીને ગાંધીનગરથી લોકસભા લડાવવાનું નક્કી કર્યું છે. આ જ રીતે કોંગ્રેસે પણ અમરેલી લોકસભા બેઠક પર દાવેદાર ધારાસભ્યો વચ્ચે સહમતિ ન સધાતા પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. આમ, ભાજપે ૬ અને કોંગ્રેસે ૪ ઉમેદવારોને મતદારોની ગણતરીમાં ન હોય તેવા ચહેરા મેદાનમાં ઉતાર્યા છે.
ભાજપના આવા ઉમેદવારોમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ (ગાંધીનગર), પરબત પટેલ (બનાસકાંઠા), રમેશ ધડૂક (પોરબંદર), રતનસિંહ રાઠોડ (પંચમહાલ), ગીતા રાઠવા (છોટા ઉદેપુર), શારદા પટેલ (મહેસાણા)નો સમાવેશ થાય છે. જ્યારે કોંગ્રેસના આશ્ચર્યજનક ઉમેદવારોમાં પરેશ ધાનાણી (અમરેલી), મૂળુ કંડોરિયા (જામનગર), પરથી ભટોળ (બનાસકાંઠા) અને ગીતા પટેલ (અમદાવાદ-પૂર્વ) સામેલ છે.

૧૪ બેઠક ઉપર રસાકસી

ગત લોકસભા ચૂંટણીની માફક આ વખતેય તમામ બેઠકો કબજે કરવા ભાજપે રણશિંગું તો ફૂંક્યું છે, પણ બધી બેઠકો ઉપર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો નક્કી નિશ્ચિત થઈ ગયા બાદ ૧૪ બેઠકોનો ચૂંટણી જંગ રસાકસીભર્યો રહેવાનો વર્તારો છે. આવી બેઠકોમાં કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, આણંદ, દાહોદ, છોટાઉદેપુર, બારડોલી અને વલસાડ સામેલ છે.
કોંગ્રેસના સૂત્રો કબૂલે છે કે, ગાંધીનગર, અમદાવાદ-પૂર્વ, અમદાવાદ-પશ્ચિમ, રાજકોટ, જામનગર, ભાવનગર, ખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત અને નવસારી એમ ૧૨ બેઠકો ઉપર એકતરફી જંગ જોવા મળશે, જેમાં ભાજપનું પ્રભુત્વ છે. આમ આ બેઠકોમાં કોંગ્રેસને કોઈ આશા નથી. સંભવિત ફાઈટની આશાવાળી ૧૪ બેઠકો પૈકી રસપ્રદ એ છે કે, ૧૦ બેઠકો ઉપર એક જ જ્ઞાતિના ઉમેદવારો ભાજપ-કોંગ્રેસે ઊભા રાખ્યા છે.
બનાસકાંઠામાં આંજણા ચૌધરી પટેલો વચ્ચે જંગ છે, તો પાટણ અને સાબરકાંઠામાં ઠાકોર સમાજના ઉમેદવારો સામસામા છે. મહેસાણા, અમરેલી અને પોરબંદર બેઠકો ઉપર બંને મુખ્ય પ્રતિસ્પર્ધી પક્ષોએ પાટીદાર ઉમેદવારો ખડા કર્યા છે. જ્યારે સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં ફરી એકના એક જ કોળી ઉમેદવારો આમનેસામને છે.
ચાર અનુસૂચિત જનજાતિની બેઠકો દાહોદ, છોટાઉદેપુર, બારડોલી અને વલસાડમાં તથા અનુસૂચિત જાતિની અનામત બેઠક કચ્છમાં સ્થાનિક નેતાઓના વર્ચસ વચ્ચે ટક્કર દેખા દેવાની છે. ફાઈટની શક્યતા ધરાવતી ૧૪ બેઠકો પૈકી એક માત્ર આણંદ બેઠક ઉપર જ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો અલગ અલગ જ્ઞાતિ સમાજના છે. ભાજપે ઉમેદવાર બદલી ફરી ૨૨ ગામ પાટીદાર સમાજના નવા ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે, તો સામે કોંગ્રેસના જૂના જોગી બક્ષીપંચ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે.

૨૭ ધારાસભ્ય માટે લિટમસ ટેસ્ટ

વિધાનસભામાં ચૂંટાયેલા કોઇ પણ નેતા માટે લોકસભાની ચૂંટણી પારાશીશીરૂપ હોય છે. કારણ કે, લોકસભા ચૂંટણીમાં જ પોતાના મતક્ષેત્રમાં વધતી કે ઘટતી લીડને આધારે વર્તમાન ધારાસભ્યની કારકિર્દી લગભગ નક્કી થતી હોય છે. ૨૦૧૭માં પાટીદાર, ઓબીસી, દલિત આંદોલનોના ઓછાયામાં વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણી જીતીને જે ધારાસભ્યો ગાંધીનગર પહોંચ્યા છે એ તમામનું પાણી આ વખતની લોકસભા ચૂંટણીમાં મપાઇ જશે! જો તેમની બેઠકમાં વર્ષ ૨૦૧૭ કરતા લીડ ઘટી તો તેમના માટે પક્ષમાં પ્રભાવ ટકાવવાનું મુશ્કેલ બનશે તે નક્કી છે.
લોકસભાની ચૂંટણી વેળા જે વિધાનસભા મતક્ષેત્રમાં લીડ ઘટે ત્યાં વર્તમાન ધારાસભ્ય સામે પોતાના જ પક્ષનું વિરોધી જૂથ મજબૂત બનતું હોય છે. ભવિષ્યમાં આવા જૂથમાંથી જ ટિકિટના દાવેદારો, ઉમેદવારો ઊભા થતા હોય છે. આથી, લોકસભાની ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષમાં સીધી રીતે જે ઉમેદવાર નથી તેવા ધારાસભ્યો માટે, સંગઠનાત્મક સ્તરે અત્યંત મહત્વની સાબિત થાય છે.
ગત વિધાનસભા ચૂંટણી રાજ્યમાં બે-અઢી વર્ષથી ચાલેલા અનામત, જ્ઞાતિવાદી આંદોલનોની પૃષ્ઠભૂમિમાં યોજાઈ હતી. આ કારણોસર ઓગસ્ટ ૨૦૧૭માં ૪૪ ધારાસભ્યો ધરાવતો કોંગ્રેસ પક્ષ ૧૨૫ દિવસમાં જ ડિસેમ્બર ૨૦૧૭માં ૭૭એ પહોંચી ગયો હતો. આ ૭૭ પૈકી ૨૭ ધારાસભ્યો તો જ્ઞાતિવાદી આંદોલનથી જીત્યા હતા. એ વખતે પાટીદારો માટે અનામત, ઓબીસી માટે વ્યવસ્થા, પ્રતિનિધિત્વ, દારૂબંધી અને દલિતોને થતા અન્યાયને મુદ્દે આંદોલનો કરનારા પાટીદાર આંદોલન સમિતિ (પાસ), ઠાકોર સેના, ઓબીસી, એસસી, એસટી એકતા મંચ જેવા સંગઠનોમાંથી બહાર આવેલા નેતાઓ પાસે હવે એ મુદ્દા રહ્યા નથી. ભારત સરકારે ૧૦ ટકા આર્થિક અનામત અમલમા મૂકી દીધું છે. જ્ઞાતિવાદી નેતાઓ વિધાનસભામાં પહોંચ્યા પછી સમાજને બદલે સ્વકેન્દ્રિત રાજનીતિ કરી રહ્યા છે. આ સંજોગોમાં આંદોલનને વાયરે જેમના ફૂદા ફરક્યા હતા તે ધારાસભ્યો ખરેખર કેટલા પાણીમાં છે તેનું માપ લોકસભા ચૂંટણીમાં જ મતદારો કાઢશે તે નક્કી છે.
એક લોકસભા મતક્ષેત્ર છથી સાત વિધાનસભા બેઠકોને આવરી લેતો હોય છે. આથી લોકસભા ચૂંટણીમાં વિધાનસભા મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય પોતાને મળેલા મતો જાળવી ન શકે તો મતદારો તેમનાથી પણ નારાજ છે એમ સ્પષ્ટ થતું હોય છે. આથી ધારાસભ્યોને લોકસભા ચૂંટણી દરમિયાન તેમના મતક્ષેત્રમાં લીડ જાળવવી મહત્ત્વપૂર્ણ છે. લોકસભા ચૂંટણીમાં જે ધારાસભ્યના મતક્ષેત્રમાં લીડ ઘટશે તેને ૨૦૨૨ની ચૂંટણીમાં રિપિટ કરવા કે નહીં તે નક્કી થશે. આમ, લોકસભા ચૂંટણીમાં ધારાસભ્ય પોતે ઉમેદવાર ન હોવા છતાં તેના અસ્તિત્વ સામે પણ જોખમ તો રહેલું જ છે.

કોંગ્રેસનું સપનું સાકાર થશે ખરું?

કોંગ્રેસે ૨૦૧૯ની લોકસભામાં ૨૬માંથી ૮ બેઠકો તો મળી જ જશે તેવા સપનાં જોયા છે. કારણ કે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, આણંદ એમ લોકસભા હેઠળની વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો જંગી લીડથી જીત્યા હતા. જોકે આ ગણિતને ખોરવી નાખવા ભાજપે કૂટનીતિથી કોંગ્રેસના ધારાસભ્યોને રાજીનામા અપાવી કેસરિયા પહેરાવવાનું શરૂ કર્યું. ઊંઝાથી ડો. આશા પટેલ, ધ્રાંગ્રધ્રાથી પરસોત્તમ સાબરિયા, માણાવદરના જવાહર ચાવડા, જામનગર-ગ્રામ્યથી વલ્લભ ધારવિયા એમ ચાર ધારાસભ્યને આ રણનીતિના ભાગરૂપે ભાજપે પક્ષપલટો કરાવ્યો છે.

ભાજપમાં ૬ મહિલાને ટિકિટ, કોંગ્રેસમાં એકને

કોંગ્રેસની તુલનામાં ભાજપે સૌથી વધુ ૬ મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે જેની સામે કોંગ્રેસે માત્ર એક મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે. બંને પક્ષોએ વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરનાર નેતાઓને લોકસભા માટે પણ મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે તેના ૯ વર્તમાન ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપી છે. જ્યારે ભાજપે ત્રણ સિટિંગ ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે. મતલબ કે એટલે કે ૧૫ મહિના પહેલાં ચૂંટણી જીતેલા ઉમેદવારો હવે ફરી ચૂંટણી લડશે. જો તેઓ જીતી જશે તો વિધાનસભાની ખાલી સીટ ભરવા માટે ફરી ચૂંટણી થશે. આ વખતે ૧૦ લાખથી વધુ યુવાનો પહેલી વાર મત આપશે પણ ભાજપ અને કોંગ્રેસે ૪૦ વર્ષથી ઓછી વયના માત્ર ત્રણ યુવા ઉમેદવારોને ટિકિટ આપી છે.

૨૬ ‘કન્યા’, ૩૭૧ ‘મુરતિયા’

૧૭મી લોકસભાની રચના માટે ગુજરાતની ૨૬ બેઠકો ઉપર કુલ ૫૭૨ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. ગત સપ્તાહે ચકાસણી દરમિયાન તેમાંથી ૧૨૦ ફોર્મ રદ્દ કર્યા બાદ ચૂંટણી પંચે ૪૫૨ ઉમેદવારોને ચૂંટણી લડવા માટે માન્ય ઠેરવ્યા હતા. ફોર્મ પાછુ ખેંચવાની અવધિ દરમિયાન ૮૧ ઉમેદવારો પાણીમાં બેસી જતાં હવે ૨૬ બેઠકો ઉપર ભાજપ-કોંગ્રેસની સાથે ૩૭૧ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં બચ્યા છે. રાજ્યની ૨૬ બેઠકો ઉપર મુખ્ય સ્પર્ધા તો શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે જ છે.
ગુજરાતના શાણા મતદારો અન્ય પક્ષના ઉમેદવારોને ખાસ ભાવ આપતા નથી. આમ છતાં બહુજન સમાજવાદી પાર્ટી (બસપા), એનસીપી સહિત અનેક પક્ષોએ ઉમેદવારો ઊભા રાખ્યા છે. આમાં સૌથી વધુ ૩૧ ઉમેદવારો સુરેન્દ્રનગરમાં ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં કોંગ્રેસના કદ્દાવર કોળી નેતા સોમાભાઈ ગાંડાભાઈ પટેલ મેદાને છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter