કોરોનાકાળ બાદ લોકપ્રિયતાના શિખરે મોદી સરકાર

Wednesday 01st June 2022 06:22 EDT
 
 

નવી દિલ્હી: મોદી સરકારે દેશની શાસનધૂરા સંભાળ્યાને આઠ વર્ષ પૂરા કરીને નવમા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ સમયે જારી થયેલા એક સર્વેનું તારણ દર્શાવે છે કે કપરા કોરોનાકાળ બાદ મોદી સરકાર લોકપ્રિયતાના શિખરે પહોંચી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગેવાની હેઠળની એનડીએ સરકારનું એપ્રૂવલ રેટિંગ કોરોના રોગચાળા બાદ તેના સર્વોચ્ચ શિખરે પહોંચી ગયું છે. અલબત્ત, આવશ્યક વસ્તુઓની વધતી જતી કિંમત અને બેરોજગારી હજુ પણ ચિંતાનો વિષય છે એમ એક સર્વેમાં જણાવાયું છે. ભાજપ સરકારે 2014માં વિજય બાદ 2019માં જવલંત વિજય સાથે ફરી સત્તામાં આવી હતી. આ ઐતિહાસિક વિજયમાં વડા પ્રધાન મોદીની આગેવાનીમાં શરૂ કરવામાં આવેલી અનેક કલ્યાણકારી યોજનાઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. લોકલ સર્કલ તરફથી કરવામાં આવેલા સર્વેમાં 64 હજાર લોકોમાંથી 67 ટકા લોકોએ જણાવ્યું હતું કે મોદી સરકાર તેના બીજા કાર્યકાળમાં પણ અપેક્ષા પર ખરી ઉતરી હતી. સર્વેમાં સામેલ લોકોએ જણાવ્યું હતું કે મોદી સરકારે પ્રથમ ટર્મની સરખામણીએ બીજી ટર્મની સરખામણીએ બીજી ટર્મમાં વધારે સારો દેખાવ કર્યો છે.

2020માં જ્યારે કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યારે મોદી સરકારની લોકપ્રિયતા 51 ટકા પર હતી. જ્યારે કોરોનાના બીજા મોજા બાદ મોદી સરકારનું એપ્રૂવલ રેટિંગ ઉછળીને 62 ટકા પર પહોંચી ગયું છે. આ આંકડા આશ્ચર્યજનક છે કેમ કે કોરોનાના બીજા મોજા દરમિયન દેશમાં ઓક્સિજનના અભાવે મોટી સંખ્યામાં મોત થયા હોવાના અહેવાલ હતા.
સર્વેના મહત્ત્વના તારણ
• 73 ટકા લોકો અનુસાર તેઓ પોતાના અને પરિવારના ભવિષ્યને લઈને આશાવાદી છે. • 44 ટકા લોકોએ અનુસાર કેન્દ્ર સરકારે વાયુ ગુણવત્તા સુધારવા અને પ્રદૂષણ ઘટાડવા પૂરતા પગલાં ભર્યા નથી. • 60 ટકા લોકોના મતે સરકાર સાંપ્રદાયિક સદભાવમાં સુધારો કરવામાં સફળ રહી છે, જ્યારે 33 ટકા લોકો તેની સાથે અસહમત હતા. • 50 ટકાથી વધારે લોકોના મતે દેશમાં વ્યાપાર કરવો સરળ થઈ ગયો છે.
કોરોનાનો સામનો કરવા સરકાર સજ્જઃ જનમત
મોદી સરકાર દેશમાં કોરોનાના થર્ડ વેવનો સારી રીતે સામનો કરવા સજ્જ છે. લોકોને લાગ્યું છે કે કોરોના રોગચાળા છતાં પણ સરકારે અર્થતંત્રને સારી રીતે સંભાળ્યું છે. લોકોએ બેરોજગારીના મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં 47 ટકા લોકોએ જણાવ્યું હતું કે ભારત આ મુદ્દાને હલ કરવામાં સક્ષમ નથી. જોકે અગાઉની સાથે સરખામણી કરીએ તો આ મુદ્દે લોકોમાં સરકાર પ્રત્યેના વિશ્વમાં વધારો થયો છે. 2020માં 29 ટકા અને 2021માં 27 ટકા લોકોને બેરોજગારીનો મુદ્દો હલ થવાનો વિશ્વાસ હતો તે 2022માં વધીને 37 ટકા થયો છે.
ભારતીયોને પોતાની સરકાર પર વધુ ભરોસો
વિશ્વમાં હાલ એવો સમય ચાલી રહ્યો છે કે વિશ્વમાં મોટા ભાગના દેશોની જનતા પોતાની સરકારની સજ્જતા - ક્ષમતા પર સંદેહ કરી રહી છે ત્યારે ભારતીયોને પોતાની સરકારમાં પૂરો ભરોસો છે. અને આ મોરચે આપણે અમેરિકા, બ્રિટન, કેનેડા અને જાપાન જેવા વિકસિત દેશોને પણ ખૂબ પાછળ છોડી દીધા છે. આ દાવો કોઈ ભારતીય કંપનીએ નહીં પણ ફ્રાન્સની માર્કેટ રિસર્ચર અને કન્સલ્ટિંગ કંપની ઇપ્સોસે પોતાના રિલાયેબિલિટી મોનિટરિંગ રિપોર્ટમાં કર્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે સરકારમાં અવિશ્વાસ હોવો કોઈ નવી બાબત નથી.
વિશ્વસનીયાતના મોરચે ભારત
• 48 ટકા ભારતીય પોતાની સરકારને વિશ્વસનીય માને છે, જે વિશ્વમાં સૌથી વધારે છે. • વૈશ્વિક સરેરાશ 20 ટકાની નજીક છે, આમ અઢી ગણા કરતાં વધારે લોકોને વિશ્વાસ. • 47 ટકા ભારતીયોને મીડિયામાં વિશ્વાસ. આ મોરચે ચીન અને સાઉદી અરબ જ ભારત કરતાં આગળ. • 47 ટકા ભારતીયોએ ફાર્મા કંપનીઓને વિશ્વસનીય ગણાવી. • 42 ટકા ભારતીયોએ ઓઈલ અને ગેસ કંપનીઓને વિશ્વસનીય ગણાવી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter