તો અમે રામમંદિર માટે ૧૯૯૨ જેવું આંદોલન કરીશુંઃ સંઘ

Saturday 10th November 2018 05:01 EST
 
 

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના સમયે જ રામ મંદિરનો મુદ્દો ફરી ચર્ચામાં છવાયો છે. આ વખતે ભાજપના જ સાથી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ મોરચો માંડ્યો છે અને ભારત સરકાર તેમજ સુપ્રીમ કોર્ટને નિશાન બનાવીને કેટલાક નિવેદન કર્યા છે.
સંઘનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટે રામ મંદિરનો મામલો પ્રાથમિક્તા ન હોવાનું કહીને સુનાવણી જાન્યુઆરીમાં મુલત્વી રાખીને હિંદુઓની ભાવનાનું અપમાન કર્યું છે. સાથે એવી પણ ચીમકી આપી હતી કે જો જરૂર પડશે તો અમે રામ મંદિર માટે ધરણા-પ્રદર્શન કરતાં પણ નહીં અચકાઇએ. જો આ મામલાનું નિરાકરણ ન આવ્યું તો અમે ૧૯૯૨ જેવું આંદોલન પણ કરીશું.
મહારાષ્ટ્રમાં સંઘની ત્રણ દિવસની બેઠક મળી હતી, જેના સમાપન દિવસે બીજી નવેમ્બરે સંગઠનના જનરલ સેક્રેટરી ભૈયાજી જોષીએ મોદી સરકારને ચીમકી આપી હતી કે રામ મંદિર માટે જરૂર પડ્યે અમે ઉગ્ર પ્રદર્શનો પણ કરીશું. જોકે સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે સંઘ સરકાર પર દબાણ નહોતું કર્યું કેમ કે અમને બંધારણ અને કાયદાનું માન છે અને તેથી જ વિલંબ થયો છે. જોષીએ સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે સંઘ પ્રમુખ મોહન ભાગવતની સાથે ભાજપ પ્રમુખ અમિત શાહે બેઠકમાં રામ મંદિર મુદ્દે ચર્ચા કરી હતી.

પત્રકાર પરિષદને સંબોધતી વેળાએ ભૈયાજી જોષીએ જણાવ્યું હતું કે અમે સુપ્રીમ કોર્ટનો આદર કરીએ છીએ, આટલા વર્ષથી આ કેસ પેન્ડિંગ હતો, અને એવી આશા હતી કે ૨૯મી ઓક્ટોબરે સુનાવણી હતી ત્યારે કોઇ નિકાલ આવશે. હિંદુઓ દિવાળી પર કોઇ સારા સમાચાર મેળવશે તેવી આશા હતી. જોકે સુપ્રીમ કોર્ટે આ મામલાને મહત્વ ન આપીને જાન્યુઆરીમાં સુનાવણીની તારીખ અને બેંચ નક્કી કરવાનું કહ્યું. અમે રામ મંદિર માટે ઉગ્ર દેખાવો કરતા પણ નહીં અચકાઈએ. જોકે આ મામલો સુપ્રીમ કોર્ટમાં હોવાથી હાલ કંઇ નથી કરી શકતા.
સાથે જોષીએ એમ પણ કહ્યું હતું કે આ મામલો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ કે કોઇ પણ મહિનામાં ધકેલવામાં આવે અમે અમારી રીતે પણ પગલા લેતા નહીં અચકાઇએ. અમને બહુ નિરાશા થઇ છે કે હિંદુઓની ભાવના સાથે જોડાયેલો મુદ્દો સુપ્રીમ કોર્ટ માટે પ્રાથમિક્તા નથી.
આ સાથે જ સંઘે કેરળમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશનો જે વિરોધ થઇ રહ્યો છે તેને પણ સમર્થન આપ્યું હતું. ભૈયાજી જોષીએ જણાવ્યું હતું કે સમાજ હંમેશા કાયદા પ્રમાણે નથી ચાલતો, ક્યારેક લોકોની ભાવના અને વિશ્વાસ પર પણ ચાલે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter