ખાસ મુલાકાતઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીઃ રામમંદિર મુદ્દે કોર્ટના ચુકાદા પછી જ વટહુકમનો વિચાર

Thursday 03rd January 2019 05:44 EST
 
 

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી માંડીને સાધુ-સંતોના અખાડાઓ ભલે બુલંદ અવાજે માગ કરી રહ્યા હોય કે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે સરકારે વટહુકમ લાવવો જોઇએ, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઝૂકવાના મૂડમાં જણાતા નથી. તેમણે સ્પષ્ટ કર્યું છે કે રામમંદિર મુદ્દે લાગણીઓથી નિર્ણય લઈ શકાય તેમ નથી. સુપ્રીમ કોર્ટ આ મુદ્દે ચોક્કસ નિર્ણય લેશે ત્યાર બાદ જ વટહુકમ લાવવો કે નહીં તે અંગે સરકાર દ્વારા વિચારણા કરાશે.
નૂતન વર્ષના પ્રથમ દિવસે ન્યૂઝ એજન્સી એએનઆઇના પત્રકાર સ્મિતા પ્રકાશને આપેલી ખાસ મુલાકાતમાં વડા પ્રધાને રામમંદિરથી માંડીને રફાલ ફાઇટર જેટ સોદા સહિતના મુદ્દે દેશમાં ઉઠેલા વિવાદના વંટોળ સંદર્ભે સવાલોના જવાબ આપ્યા હતા. તો સાથે સાથે જ વિપક્ષો પર પસ્તાળ પાડી હતી.
૯૫ મિનિટના ઇન્ટરવ્યૂમાં વડા પ્રધાને જણાવ્યું કે, રામમંદિર દેશની લાગણીઓ સાથે સંકળાયેલો મુદ્દો છે. સર્વોચ્ચ અદાલત દ્વારા આ મુદ્દે કોઇ ચોક્કસ નિર્ણય લેવામાં આવશે ત્યાર બાદ જ વટહુકમ લાવવો કે નહીં તે અંગે સરકાર દ્વારા વિચારણા કરવામાં આવશે.
આ ઇન્ટરવ્યૂમાં વડા પ્રધાને દિલ ખોલીને તમામ સવાલોના જવાબો તો આપ્યા હતા, પરંતુ પરાજયની જવાબદારી ટોચના નેતૃત્વની હોય છે તેવા સવાલથી બચતા તેમણે કહ્યું કે ‘ભાજપ અમિત શાહ અને નરેન્દ્ર મોદીના કારણે ચાલે છે તેમ કહેવું ખોટું છે. અમારી પાર્ટી બૂથ લેવલ સુધીના કાર્યકરોથી ચાલે છે.’
કોંગ્રેસમુક્ત ભારત મામલે વડા પ્રધાન મોદીએ કહ્યું કે હું અગાઉ પણ બોલ્યો છું કે કોંગ્રેસ એક વિચાર છે અને એક કલ્ચર છે. હિન્દુસ્તાનના રાજકીય જીવનનું તે કલ્ચર છે. જે ભ્રષ્ટાચાર, વંશવાદ અને જાતિવાદ છે. હું કોંગ્રેસમુક્ત ભારતની વાત કરું છું તો તેમાં એ દૂષણોથી મુક્તિની જ ચર્ચા છે. દેશમાં મજબૂત વિપક્ષનો અભાવ છે, કોંગ્રેસ આ કામમાં પણ નિષ્ફળ રહી છે.
એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, વીતેલા વર્ષમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં એક જ રાજ્યમાં ભાજપનો પરાજય થયો છે. બાકીના બે રાજ્યોમાં ત્રિશંકુ ગૃહ છે. આવા એકાદ પરાજયથી જનતાનો મૂડ બદલાઈ જાય તેમ નથી. લોકસભાની ૨૦૧૯ની આગામી ચૂંટણી જનતા વિરુદ્ધ મહાગઠબંધનની રહેશે. ચૂંટણી ટાણે તકસાધુ બનીને ફરતા મહાગઠબંધનોને આ વખતે જનતાની સામે લડવાનું આવશે.

ચૂંટણીના મુદ્દા તો જનતા નક્કી કરશે

આગામી લોકસભામાં કેવા મુદ્દા રહેશે અને કોણ બાજી મારશે તેવા પ્રશ્નના જવાબમાં વડા પ્રધાને જણાવ્યું હતું કે, આ બાબત જનતા નક્કી કરશે. દેશની જનતા ચૂંટણીની દિશા નિર્ધારિત કરશે, દેશની જનતા ચૂંટણીના મુદ્દા નક્કી કરશે. લોકોની અપેક્ષાઓ સાથે કોણ છે અને તેનાથી વિરુદ્ધ કોણ છે એ તો સમય બતાવશે. રાજ્યને લૂંટનારા અને દેશને લૂંટનારા ભેગા થઈ રહ્યા છે. આ વખતે ચૂંટણીમાં જનતા વિરુદ્ધ મહાગઠબંધન થવાનું છે. નરેન્દ્ર મોદી તો જનતાનો પ્રતિનિધિ છે. જનતા જ નિર્ણાયક સાબિત થશે. મોદી દેશની જનતાના પ્રેમ અને આશીર્વાદનું પ્રતીક છે. દેશહિતના કામ માટે કોઈ ગઠબંધન થતા નથી. નેતાઓ પોતાના રક્ષણ માટે જોડાય છે તેનો અર્થ એ નથી કે લોકો તેમની સાથે જોડાય છે.

મારા કામમાં સત્યતા છે, હું દેશનો સેવક છું

વડા પ્રધાને જણાવ્યું કે, દેશ ઉપર ચાર પેઢીથી રાજ કરનારો અને પોતાને દેશનો પ્રથમ પરિવાર ગણાવનારો ગાંધી પરિવાર આજે જામીન ઉપર બહાર છે. તેઓ જામીન મેળવીને કાયદાથી દૂર રહીને ફરી રહ્યા છે. તેમના ઉપર ગમેત્યારે સકંજો કસાવાનો છે. તમે જ વિચારો કે આ દેશના એક સમયના પૂર્વ નાણાંપ્રધાન આજે અદાલતના ધક્કા ખાય છે. આ પ્રામાણિકતા અને ન્યાયતંત્રનો સૌથી મોટો વિજય છે. કાયદો મોદીને સજા કરશે તો તેને પણ સજા થાય તેવી કામગીરી માટે ભાજપ સરકાર પ્રતિબદ્ધ છે. ભાજપ સરકારનો એક જ ઉદ્દેશ છે કે, અદાલત જે ચુકાદા આપે તેના આધારે આગળ વધવું. મારા દરેક કામમાં સત્યતા, પવિત્રતા, આનંદ છે, હું દેશનો સેવક છું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના અંશોઃ

• પ્રગતિશીલ વિચારધારા હેઠળ મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવવા ત્રણ તલાક બિલ લાવો છો, પણ સબરીમાલામાં આ પ્રગતિશીલ વિચારધારા પરંપરામાં જાય છે. એક સમુદાય માટે પરંપરા અને બીજા માટે પ્રગતિશીલ વિચારધારા કેમ?
ત્રણ તલાક સંપ્રદાય કે આસ્થાનો મુદ્દો નથી. જો હોત તો વિશ્વના તમામ ઇસ્લામિક દેશોમાં લાગુ હોત પણ પાકિસ્તાન સહિત ઘણા ઇસ્લામિક દેશોએ ત્રણ તલાક પર પ્રતિબંધ લાદેલો છે. આ જાતિ સમાનતા અને સામાજિક ન્યાયનો મુદ્દો છે. સૌને સમાન હકની વાત કરવી ભારતનો મૂળ સ્વભાવ છે. માન્યતાના કારણે પુરુષો પણ કેટલાંક મંદિરોમાં નથી જતા. સબરીમાલા મુદ્દે સુપ્રીમ કોર્ટનાં મહિલા જજનો ચુકાદો પણ ઝીણવટથી વાંચવો જોઇએ. તેમણે ઘણા મહત્વનાં સૂચનો કર્યાં છે.
• કોંગ્રેસ સહિત વિપક્ષો આક્ષેપ કરે છે કે ભાજપ સરકારે સંસ્થાનોને કમજોર કર્યા છે. આરોપ છે કે સરકાર રિઝર્વ બેન્કનો ખજાનો ખાલી કરવા માગે છે...
કોંગ્રેસને આવું કહેવાનો કોઇ હક નથી. એનએસી બનાવીને તેમણે ક્યાં પીએમઓ (વડા પ્રધાન કાર્યાલય)ની તાકાતને મહત્વ આપ્યું હતું? કેબિનેટે નિર્ણય કર્યો અને પક્ષના નેતાએ પ્રેસ કોન્ફરન્સમાં તેના ટુકડા કરી નાંખ્યા. ન્યાયતંત્રને તમે ખૂલીને કહ્યું કે જજોની નિમણૂક વરિષ્ઠતા નહીં, પણ વિચારધારા પ્રમાણે કરીશું. ઘણી વાર રિઝર્વ બેન્કના ગવર્નરને સમયથી વહેલા હટાવાયા. આયોજન પંચને જોકરોની ટોળી કહેવાયું. તેથી આવી વાતો આ લોકોના મોઢે શોભતી નથી. સીબીઆઇમાં જ્યારે આંતરિક વ્યક્તિગત વિવાદો સામે આવ્યા તો સંબંધિત લોકોને રજા પર મોકલી દેવાયા. ઊર્જિત પટેલે અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. તેઓ સતત ૬-૭ મહિનાથી કહેતા હતા. લેખિતમાં પણ કહ્યું હતું. રાજકીય દબાણનો કોઇ સવાલ જ નથી.
• કોંગ્રેસે ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ને એમ્બ્રેસમેન્ટ ડિઝાસ્ટર કહ્યું છે. કહેવાય છે કે બદલાની ભાવનાથી દરોડા પડાય છે?
સોહરાબુદ્દીન કેસમાં કોર્ટનો ચુકાદો વાંચો, ખબર પડી જશે કે એજન્સીઓનો દુરુપયોગ કેવી રીતે થયો. ઇડી પ્રોફેશનલ રીતે કામ કરે છે. વિદેશમાંથી વચેટિયો મિશેલ ભારતના કબજામાં આવ્યો તો કોંગ્રેસનો વકીલ તેના બચાવમાં કોર્ટમાં પહોંચી ગયો. એ ચિંતાજનક છે. મિસિસ ગાંધી અને ઇટાલિયન પુત્રનો ઉલ્લેખ માત્ર મીડિયાના રિપોર્ટમાં વાંચ્યો છે.
• રાફેલ ડીલ અંગે રાહુલ ગાંધી તમારા પર ભ્રષ્ટાચાર અને ક્રોની કેપિટાલિઝમનો આરોપ લગાવે છે. તેમનો દાવો છે કે તમે અનિલ અંબાણીને ઓફસેટ કોન્ટ્રાક્ટ અપાવવા દબાણ કર્યું. તમે તે જવાબ કેમ આપતા નથી?
તેમના આરોપ મારા પર અંગત નથી, સરકાર પર છે. જો વ્યક્તિગત આરોપ હોય તો સામે મૂકો કે કોણે શું ક્યાં કર્યું? સંસદમાં મેં વિસ્તારથી જવાબ આપી દીધો છે. સુપ્રીમ કોર્ટમાં મામલો સ્પષ્ટ થઇ ગયો છે. ફ્રાન્સના પ્રમુખ અને ભારતના વડા પ્રધાનનું નિવેદન આવી ગયું છે. ક્યારેક તમે આરોપ મૂકનારાને પણ તે પુરવાર કરવા કહો. તેઓ માત્ર કાદવ ઉછાળીને ભાગી ન શકે. ક્યાંક તો જણાવે કે અહીંનું લિન્ક અહીં મળે છે. તેઓ કાંઇ જણાવી શકતા નથી, માત્ર બોલી રહ્યા છે. તેમને બોલવાની બીમારી છે તો શું હું વારંવાર બોલું? દેશમાં ચર્ચા એ થવી જોઇએ કે આઝાદી પછી ડિફેન્સ ડીલો સતત વિવાદોમાં કેમ રહી? આ અંગે વિવાદ ભડકાવી સેનાને નબળી પાડવાનું ષડ્યંત્ર કોનું હતું? દલાલોની જરૂર શું હતી? મેક ઇન ઇન્ડિયા ૭૦ વર્ષ પહેલાં શરૂ થયું હોત તો બહારથી મલાઇ ખાવાનો માર્ગ બંધ થઇ ગયો હોત. મારો ગુનો એ છે કે મેં મેક ઇન ઇન્ડિયા શરૂ કર્યું. મારો વાંક એ કે સેનાની જરૂરિયાતનો સામાન ભારતમાં જ તૈયાર થાય, જેથી બહારની સોદાબાજી બંધ થાય. હું ટેક્નોલોજી ટ્રાન્સફરના પ્રયાસોમાં લાગેલો છું. હું સેનાને નબળી બનાવી આરોપ લગાવનારાની ચિંતા કરું કે સેનાની જરૂરિયાતો પૂરી કરું. હું ગાળો ખાઇશ અને આરોપ સહીશ, પરંતુ પ્રામાણિક્તાના માર્ગે ચાલી રાષ્ટ્રનું રક્ષણ કરીશ. જવાનોને તેમના ભાગ્ય પર છોડીશ નહીં.
• ગાય માટે લિન્ચિંગ થઇ રહ્યું છે. કહેવાય છે કે મુસ્લિમો પોતાને સુરક્ષિત નથી સમજતા. આવું કેમ છે?
એવી ઘટનાઓ ટીકાપાત્ર છે. તેના પક્ષમાં અવાજ ઊઠવો જોઇએ નહીં. પરંતુ શું આ બધું ૨૦૧૪ પછી શરૂ થયું? આ સમાજમાં આવેલી નબળાઇનું પરિણામ છે. સ્થિતિ સુધારવા માટે આપણે બધાએ મળીને પ્રયાસ કરવા જોઇએ. બીજાની લાગણીઓનો આદર કરવા સૌએ જવાબદારી નિભાવવી જોઇએ.
• લોકો કહે છે કે સરકારે ખેડૂતો માટે કશું કર્યું નથી. રાહુલ આરોપ મૂકે છે કે ખેડૂતોનું દેવુ માફ નથી કરાઈ રહ્યું અને બેંકોની લોન લૂંટીને ભાગનારા મઝા કરી રહ્યા છે.
દેવા માફી અંગે ખોટું બોલાઇ રહ્યું છે. બહુ ઓછા ખેડૂતો બેંકોમાંથી લોન લે છે. મોટાભાગના શાહુકારો પાસેથી લોન લે છે. પરંતુ તે સરકારી યોજનાના દાયરામાં નથી. આત્મહત્યા કરનારા ખેડૂત આ વ્યવસ્થાથી બહાર છે. એવામાં લોન માફી માત્ર ચૂંટણી સ્ટંટ છે. બીજી બાજુ, અમે બેંકોના રૂપિયા લૂંટીને મોજ કરનારાવાળા પર કડકાઈ કરી ત્રણ લાખ કરોડ રૂપિયા પાછા લાવ્યા છીએ. બંને બાબતોની સરખામણી કરીને લોકોને ઉશ્કેરવા યોગ્ય નથી. દેવા માફી અનેક વખત થઈ છે, પરંતુ ચૂંટણી આવતા સુધી ખેડૂત ફરી દેવાદાર બની જાય છે. વાસ્તવિક ઉપાય છે ખેડૂતોને મજબૂત કરવા. બીજથી બજાર સુધી સુવિધાઓ આપવી. અમે લાખો કરોડ રૂપિયા ખર્ચીને સિંચાઈ સાથે સંકળાયેલી યોજનાઓ પૂરી કરી, જે વર્ષોથી લટકી રહી હતી. કોંગ્રેસે જો ૨૦૦૭માં સ્વામીનાથન પંચની ભલામણ લાગુ કરી હોત તો અત્યાર સુધીમાં ખેડૂતોની સમૃદ્ધિની વ્યવસ્થા બની ચૂકી હોત.
• ૨૦૧૮ની ચૂંટણીમાં ભાજપના પરાજય માટે નોટબંધી અને જીએસટીનો અયોગ્ય અમલ કારણભૂત મનાય છે. શું નોટબંધીનો ફટકો જરૂરી હતો?
નોટબંધી ફટકો નથી. એક વર્ષ પહેલાથી કહેવાતું હતું કે કાળા નાંણાંનો ખુલાસો કરી દો. બહુ ઓછા લોકો આગળ આવ્યા. વારંવાર ચેતવણી આપવામાં આવી કે સ્થિતિ સુધારવા માટે કડક પગલા ઉઠાવવા પડશે. દેશમાં કાળા નાંણાંનું સમાનાંતર અર્થતંત્ર હતું તે બાબતનો કોઈ ઈનકાર કરી શકે તેમ નથી. ઉદ્યોગપતિઓ, વેપારીઓ, અધિકારીઓના ઘરોમાંથી કોથળા ભરીને નોટો મળતી હતી. સમાંતર અર્થતંત્ર દેશને ખોખલું કરી રહ્યું હતું. નોટબંધી દેશને આર્થિક મજબૂતી આપશે. કોથળામાં ભરેલી નોટો બેન્કિંગ સિસ્ટમમાં આવી છે. ઈમાનદારીનું વાતાવરણ બન્યું છે. ટેક્સના દાયરામાં આવનારા લોકો વધ્યા છે. દેશમાં જીડીપીની સરખામણીમાં કરન્સી ઓછી થવી શુભ સંકેત છે.
• શું તમે માનો છો કે જીએસટી લાગુ કરવો ભૂલો હતી?
જીએસટીનો અમલ બધા પક્ષોની સંમતિથી થયો હતો. આ પહેલા અનેક વસ્તુઓ પર ૩૦-૪૦ ટકા સુધી ટેક્સ હતો. ૫૦૦થી વધુ વસ્તુઓ એક સમયે ઊંચા ટેક્સમાં હતી, પરંતુ આજે તેના પર શૂન્ય ટેક્સ છે. બધા નિર્ણયો જીએસટી કાઉન્સિલમાં થાય છે. ત્યાં પુડ્ડુચેરી સરકાર અને કેન્દ્ર એક સમાન છે. બધા નિર્ણયોમાં કોંગ્રેસની સંમતિ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter