નવી દિલ્હી: ગુજરાતના જ નહીં, દેશના ટોચના ઉદ્યોગગૃહ અદાણી ગ્રૂપના સર્વેસર્વા ગૌતમ અદાણી 92.6 બિલિયન ડોલરની સંપત્તિ સાથે ફરી એક વખત એશિયામાં સૌથી ધનવાન બન્યા છે. સંપત્તિ સર્જનમાં તેઓ રિલાયન્સ ગ્રૂપના મોભી મુકેશ અંબાણી કરતાં પણ અગ્રેસર રહ્યા છે. અદાણી ગ્રૂપની કંપનીઓનાં શેરોમાં તાજેતરમાં જોવા મળેલી તેજીને કારણે ગૌતમ અદાણીની સંપત્તિમાં વધારો જોવા મળ્યો છે.
બ્લૂમબર્ગનાં બિલિયોનેર્સ રેટિંગ મુજબ ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 92.6 બિલિયન ડોલર (આશરે રૂ. 8.59 લાખ કરોડ) થાય છે જ્યારે રિલાયન્સનાં મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 90.8 બિલિયન ડોલર (આશરે રૂ. 8.42 લાખ કરોડ) છે. હાલ બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સમાં ગૌતમ અદાણી 19મા સ્થાને છે જયારે અંબાણી વિશ્વમાં 20મા સ્થાને છે. આ ઈન્ડેક્સ વિશ્વનાં 500 ધનિક લોકોની સંપત્તિ પર નજર રાખીને તેને સતત અપડેટ કરે છે.
અદાણીની સંપત્તિમાં એક જ વર્ષમાં કુલ 8.1 બિલિયન ડોલરનો વધારો નોંધાયો છે. 2026ની શરૂથી અત્યાર સુધી બંને ઉદ્યોગપતિઓ અદાણી અને અંબાણીની સંપત્તિમાં વિપરીત વલણ જોવા મળ્યું છે. અદાણી ગ્રૂપના સર્વેસર્વાની સંપત્તિમાં આ વર્ષે 8.1 બિલિયન ડોલર એટલે કે રૂ. 75.11 હજાર કરોડનો વધારો થયો છે. અદાણીના શેરોમાં આવેલી તેજીએ તેમની નેટવર્થને મોટો બૂસ્ટ આપ્યો છે.
રિલાયન્સ ગ્રૂપના સર્વેસર્વા મુકેશ અંબાણીની સંપત્તિમાં આ વર્ષે 16.9 બિલિયન ડોલર એટલે કે 1.57 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં ઉતાર-ચઢાવ તેનું મુખ્ય કારણ રહ્યું.
અદાણીની સંપત્તિમાં એક જ દિવસમાં...
કુલ 3.56 બિલિયન ડોલરનો વધારો નોંધાયો છે. મુંબઇ શેરબજારના 16 એપ્રિલના સત્રમાં સેન્સેક્સમાં 123 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો ત્યારે બીજી તરફ અદાણી ગ્રૂપના શેરો વધ્યા હતા. આમ, માત્ર એક દિવસમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં 3.56 બિલિયન ડોલરનો તોતિંગ વધારો થયો.
સંપત્તિમાં જોવા મળેલા આ જ ઉછાળાએ અદાણીને અંબાણીથી આગળ નીકળવામાં મદદ કરી. બીજી તરફ, અંબાણીની સંપત્તિમાં પણ 7.67 કરોડ ડોલરનો વધારો તો થયો, પરંતુ તે અદાણીની ગતિ સામે ઓછો રહ્યો.
જોકે સૌથી મહત્ત્વની વાત તો એ છે કે વૈશ્વિક અમીરોની યાદીમાં ટોપ-20માં ભારતના બે ઉદ્યોગપતિઓનું હોવું એ દેશની મજબૂત આર્થિક સ્થિતિ દર્શાવે છે. અદાણી અને અંબાણી વચ્ચે આ ‘નંબર વન’ની ખેંચતાણ ઘણા સમયથી ચાલી રહી છે, જે શેરબજારના ઉતાર-ચઢાવ સાથે બદલાતી રહે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી અને પોર્ટ સેક્ટરમાં અદાણી ગ્રૂપના વિસ્તરણે તેમનું રેન્કિંગ સુધારવામાં મોટી ભૂમિકા ભજવી છે.
બિલિયોનેર્સ લિસ્ટમાં મસ્ક સર્વોચ્ચ
બિલિયોનેર્સ રેન્કિંગમાં સૌથી પહેલા નંબરે એલન મસ્ક છે. તેઓ વિશ્વની સૌથી કિંમતી કાર ટેસ્લા બનાવતી કંપનીનાં માલિક છે. રોકેટ બનાવતી કંપની સ્પેસએક્સનાં મુખ્ય કાર્યકારી અધિકારી છે. તેમની સંપત્તિ 656 બિલિયન ડોલર છે, જે તેમની સૌથી નિકટની હરીફ કંપની લેરી પેજની સંપત્તિ કરતા બે ગણી વધારે છે. લેરી પેજ કે જેઓ ગૂગલની હોલ્ડિંગ કંપની આલ્ફાબેટનાં સહસ્થાપક છે જેમની કુલ સંપત્તિ 286 બિલિયન ડોલર છે.
ધનાઢયોની આ યાદીમાં એમેઝોનનાં સ્થાપક જેફ બેઝોસ 269 બિલિયન ડોલરની કુલ સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે. તે પછી સર્ગેઈ બિન, માર્ક ઝકરબર્ગ, લેરી એલિસન, માઈકલ ડેલ, જેન્સન હુઆંગ, બર્નાર્ડ આર્નોલ્ટ અને જિમ વોલ્ટનનો સમાવેશ થાય છે.
ટોચનાં 50 ધનિકોની યાદીમાં ફક્ત અદાણી અને અંબાણી જેવા ધનિક ભારતીયોનો જ સમાવેશ થાય છે. અદાણીની કંપનીનાં શેરનાં ભાવમાં જબરો ઉછાળો આવ્યો તે પહેલા અંબાણી છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી સતત ભારતનાં સૌથી ધનિક વ્યક્તિ હતા. ફેબ્રુઆરી 2022માં ભાવ ઉછળ્યા પછી અદાણી ટોચ પર પહોંચ્યા હતા. જોકે અમેરિકાની શોર્ટ સેલર કંપની હિંડનબર્ગનાં રિપોર્ટ પછી અદાણી ગ્રૂપનાં શેરોનાં ભાવ ગગડ્યા હતા. તે વખતે અદાણી ગ્રૂપની કંપનીઓની માર્કેટ વેલ્યૂમાં 100 બિલિયન ડોલરનો તોતિંગ ઘટાડો થતા અંબાણી ફરી ટોચ પર પહોંચી ગયા હતા.
વિશ્વના ટોપ-20 બિલિયોનેર્સ
1 એલન મસ્ક 656
2 લેરી પેજ 286
3 જેફ બેઝોસ 269
4 સર્ગેઈ બ્રિન 268
5 માર્ક ઝુકરબર્ગ 239
6 લેરી એલિસન 230
7 માઈકલ ડેલ 170
8 જેન્સન હુઆંગ 164
9 બર્નાર્ડ આર્નોલ્ટ 164
10 જિમ વૉલ્ટન 150
11 સ્ટીવ બાલ્મેર 148
12 રૉબ વૉલ્ટન 147
13 એલિસ વૉલ્ટન 146
14 વૉરન બફેટ 142
15 કાર્લોસ સ્લીમ 130
16 એમેન્સિઓ ઓર્ટેગા 130
17 બિલ ગેટ્સ 104
18 થોમસ પીટર્ફી 63.8
19 ગૌતમ અદાણી 92.6
20 મુકેશ અંબાણી 80.8
(*સંપત્તિના આંકડા બિલિયન ડોલરમાં)


