ઘર ફૂટે ઘર જાય

અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેની યાદવાસ્થળીથી કોંગ્રેસ સરકાર પર ખતરો

Wednesday 15th July 2020 05:27 EDT
 
 

જયપુર - નવી દિલ્હીઃ રાજસ્થાનમાં દોઢ વર્ષ પહેલાં રંગેચંગે શાસનધૂરા સંભાળનાર કોંગ્રેસ સરકારના અસ્તિત્વ પર પોતાના જ બે કદાવર નેતાઓની ખેંચતાણને કારણે સંકટ સર્જાયું છે. સરકારની રચના વેળા જ મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલટ વચ્ચેના રોપાયેલા મતભેદના બીજ રવિવારે જ્વાળામુખી બનીને ફાટ્યા છે. ગેહલોતની નેતાગીરી સામે ખુલ્લેઆમ બળવો પોકારનાર સચિન પાયલટ અને તેમના બે સાથી પ્રધાનોની સરકારમાંથી હકાલપટ્ટી કરાઇ છે. સાથોસાથ અસંતુષ્ટ યુવા નેતા પાસેથી રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસનું પ્રમુખપદ પણ છીનવી લેવાયું છે.
મુખ્ય પ્રધાન ગેહલોત ગળુ ખોંખારીને કહે છે કે મને ૧૦૯ ધારાસભ્યોનું સમર્થન છે અને મારી સરકારને કોઇ ખતરો નથી. તો બીજી તરફ, સચિન પાયલટનો દાવો છે કે તેમને ૩૦ ધારાસભ્યોનું સમર્થન છે. ગેહલોત સરકારે તેની બહુમતી વિધાનસભા ગૃહમાં સાબિત કરવી જોઇએ. મુખ્ય વિરોધ પક્ષ ભાજપે પાયલટની માગને સમર્થન આપ્યું છે.
ગેહલોત - પાયલટના આ હાકલા-પડકારા દર્શાવે છે કે કોંગ્રેસ સરકાર અત્યારે ભલે બચી ગઇ હોય, પરંતુ તેના પરથી ખતરો ટળ્યો નથી. હવે બધાની નજર પાયલટના વળતા પગલાં પર છે. કોંગ્રેસ હાઇ કમાન્ડના આકરા પગલાંથી એટલું તો સ્પષ્ટ છે કે પાયલટ માટે હવે પક્ષ સાથે છેડો ફાડ્યા વગર કોઇ આરોવારો બચ્યો નથી. આ સંજોગોમાં તેઓ પોતાના સમર્થક ધારાસભ્યો સાથે અલગ મોરચો માંડે છે કે પછી ભાજપમાં જોડાય છે તેના પર બધાની નજર છે.

પોલીસ સમન્સે પલિતો ચાંપ્યો

ગેહલોત અને પાયલટ વચ્ચે ગજગ્રાહ હોવાની વાત આમ તો જગજાહેર છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોની રાજકીય હલચલે ગેહલોત જૂથમાં ચિંતાનું મોજું ફેલાવ્યું હતું. ગેહલોત જૂથને આશંકા હતી કે નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલટ અને તેના સમર્થક ધારાસભ્યો ભાજપ સાથે મળીને સરકારને અસ્થિર કરવા કાવાદાવા રચી રહ્યા છે. આથી સરકારે તપાસ શરૂ કરાવી હતી. પોલીસને ધારાસભ્યો સાથે સોદાબાજીના પ્રયાસો થઇ રહ્યા હોવાની જાણકારી મળતાં સચિન પાયલટને સમન્સ પાઠવીને આ મામલે નિવેદન નોંધાવવા બોલાવ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના મામલામાં એસઓજી દ્વારા સચિન પાયલટને નોટિસ મોકલાવીને ગેહલોતે તમામ મર્યાદાઓ વટાવી દીધી હતી. પાયલટને સમર્થન કરી રહેલા ધારાસભ્યોએ જણાવ્યું હતું કે, તેઓ અશોક ગેહલોતના નેતૃત્વમાં કામ કરવા ઇચ્છતા નથી.

પાયલટ ટસના મસ ન થયા

પોલીસ સમન્સથી રોષે ભરાયેલા પાયલટ તેમના ૨૩ જેટલા વફાદાર ધારાસભ્યો સાથે દિલ્હી હાઇકમાન્ડ પાસે પહોંચી ગયા હતા. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એહમદ પટેલને મળીને સચિન પાયલટે જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાન અશોક ગેહલોત મને હાંસિયામાં ધકેલી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે. પટેલે સચિન પાયલટને આશ્વાસન આપ્યું હતું કે, તમને અન્યાય થવા દેવાશે નહીં. આ પછી સચિન પાયલટને જયપુર પાછા ફરવાનો આદેશ અપાયો હતો.
આ પછી કોંગ્રેસ દ્વારા મોકલાયેલા નિરીક્ષકે સોમવારે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં ગેહલોત અને પાયલટ વચ્ચેના મતભેદ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પાયલટ તેમની માગમાંથી ટસના મસ થયા નહોતા. તેમણે માગ કરી હતી કે પોતાના સમર્થકોને ગૃહ વિભાગ અને નાણાં મંત્રાલયનો હવાલો મળવો જોઇએ. પાયલટ કે તેમના સમર્થક ધારાસભ્યોએ સોમવાર અને મંગળવારે યોજાયેલી પક્ષના વિધાનસભ્યોની બેઠકમાં પણ હાજરી આપી નહોતી.

સચિન ભાજપના સંપર્કમાં?

સૂત્રોના જણાવ્યા અનુસાર સચિન પાયલટ ભાજપના સંપર્કમાં છે. તેમની પાસે કોંગ્રેસના ૩૦ અને ૩ અપક્ષ ધારાસભ્યોનો ટેકો છે. ભાજપ અને સચિન પાયલટ વચ્ચે દેશમાં લોકડાઉન લાગુ કરાયું તે પહેલાંથી આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. રાજસ્થાન પોલીસની ટીમ દ્વારા સચિન પાયલટને સમન્સ પાઠવાયા બાદ સ્થિતિ વણસી ગઇ હતી. હાલ પાયલટ સમર્થક ધારાસભ્યો દિલ્હી અને હરિયાણાની હોટેલોમાં રોકાયા હોવાના અહેવાલો છે.

સચિન - સિંધિયા વચ્ચે મુલાકાત

સચિન પાયલટ અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે દિલ્હીમાં સૂચક મુલાકાત યોજાઇ હતી. પક્ષના હાઇકમાન્ડ સમક્ષ ગેહલોત વિરુદ્ધ રજૂઆત કરવા દિલ્હી પહોંચેલા સચિન પાયલટ અને તાજેતરમાં કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાનાર જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે લગભગ પોણો કલાકની મુલાકાત યોજાતાં કોંગ્રેસમાં ખળબળાટ મચી ગયો હતો. સિંધિયાના દિલ્હીસ્થિત નિવાસસ્થાને આ મુલાકાત યોજાઇ હતી. એમ લાગી રહ્યું છે કે સચિન પાયલટ પણ સિંધિયાના માર્ગે ચાલી નીકળ્યાં છે.

કોંગ્રેસમાં કાર્યક્ષમતા-ટેલેન્ટને ઓછું મહત્ત્વઃ સિંધિયા

થોડાક સમય પહેલાં જ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં સામેલ થયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે, રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત દ્વારા જે રીતે મારા જૂના સહયોગી સચિન પાયલટને હાંસિયામાં ધકેલીને સતાવવામાં આવી રહ્યા છે તે જોઇને ઘણો દુઃખી છું. આ દર્શાવે છે કે કોંગ્રેસમાં કાર્ય કરવાની ક્ષમતા અને ટેલેન્ટની કોઇ કિંમત કે સ્થાન નથી.
બીજી બાજુ ભાજપે રવિવારે જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં કોંગ્રેસની કટોકટી તેની પોતાની ઊભી કરેલી છે. કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર શેખાવતે જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં ભાજપ ધારાસભ્યો ખરીદી રહ્યો છે તેવા આરોપો ઉપજાવી કાઢેલા છે.

સિબ્બલની ચિંતા, ભાજપનો કટાક્ષ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે રાજસ્થાનના રાજકીય ઘટનાક્રમ અંગે જણાવ્યું હતું કે, હું પાર્ટી માટે ઘણો ચિંતિત છું. રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય કટોકટીનો ઉલ્લેખ કરતાં કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, જો કોંગ્રેસ જાગશે નહીં તો ઘણું મોડું થઇ જશે. શું આપણે ઘોડા નાસી જાય પછી જ તબેલાને તાળાં મારીશું? સિબ્બલે કરેલા ટ્વિટનો જવાબ આપતાં ભાજપે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં ઘોડા છે જ ક્યાં? કોંગ્રેસમાં તો બધા ગધેડા છે.
બીજી બાજુ, રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર પર સંકટના વાદળો છવાતાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોંગ્રેસના ૩ નેતા અજય માકન, રણદીપ સૂરજેવાલા અને અવિનાશ પાંડેને જયપુર મોકલ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter