ચંદ્રયાન-3 મિશન મહત્વનું શા માટે?

Thursday 13th July 2023 17:20 EDT
 
 

ચંદ્રયાન-3 ભારત માટે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ વિજ્ઞાન માટે મહત્વપૂર્ણ છે. આ મિશનમાં લેન્ડરને ચંદ્રની સપાટી પર એવી જગ્યાએ ઉતારવામાં આવશે, જ્યાં પહેલાં કોઈ પહોંચ્યું ન હોય. એ ઉપરાંત આ અવકાશયાન અગાઉના ચંદ્ર મિશનમાંથી મળેલા જ્ઞાનમાં ઉમેરો કરી શકે છે. તે ભવિષ્યના ચંદ્ર મિશન માટે માનવ ક્ષમતાનો વધુ વિકાસ કરી શકે છે.
ચંદ્રયાન-3 ઇસરોનું ઇન્ડિયન લ્યુનર એક્સપ્લોરેશન પ્રોગ્રામ એટલે કે ચંદ્ર સંશોધન કાર્યક્રમનું ત્રીજું મિશન છે. ભારતે 2008માં ચંદ્રયાન-1 મોકલ્યું હતું અને એ સાથે ચંદ્ર મિશન પર ગયેલા દેશોમાં ભારતનો સમાવેશ થયો હતો. ચંદ્રયાન-1 મિશનમાં એક ઓર્બિટર એટલે કે ભ્રમણકક્ષામાં ફરનાર એક કૃત્રિમ ઉપગ્રહ અને ઇમ્પેક્ટર એટલે કે ચંદ્રની સપાટી પર ટકરાનાર નાનાં અવકાશયાનનો સમાવેશ થતો હતો. તે ઈમ્પેક્ટર ચંદ્ર પરના શેકટલન ક્રેટર સાથે અથડાયું ત્યારે ભારત ચંદ્ર પર ઝંડો ફરકાવનારો ચોથો દેશ બન્યો હતો. 312 દિવસ પછી ઓગસ્ટ, 2009માં ચંદ્રયાન-1 સાથેનો સંપર્ક તૂટી ગયો હતો, પરંતુ ‘ઇસરો’એ જાહેર કર્યું હતું કે મિશનનો 95 ટકા ઉદ્દેશ સફળ થઈ ગયો છે.
જોકે, ભારત માટે આ મિશ્ર સફળતા એક મોટી છલાંગ હતી. ચંદ્રયાન-1 મિશને ચંદ્રની સપાટી પર પાણીના અણુઓનું અસ્તિત્વ શોધવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
10 વર્ષ પછી 2019ની 22 જુલાઈએ ચંદ્રયાન-2 અવકાશમાં રવાના કરવામાં આવ્યું હતું. એ મિશનમાં ઓર્બિટરની સાથે વિક્રમ નામનું લેન્ડર ચંદ્ર પર ઉતારવાનું અને પ્રજ્ઞાન રોવર દ્વારા ચંદ્રની સપાટીના અભ્યાસનું આયોજન હતું, પરંતુ 2019ની 6 સપ્ટેમ્બરે ચંદ્ર પર ઉતરાણનો પ્રયાસ કરતી વખતે વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. તેનાં અવશેષ ત્રણ મહિના પછી મળી આવ્યાની જાહેરાત અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા નાસાએ કરી હતી. વિક્રમ લેન્ડર નિષ્ફળ રહ્યું હતું, પરંતુ ઓર્બિટરે તેનું કામ સારી રીતે કર્યું હતું. તેનાથી ચંદ્ર અને તેના વાતાવરણ વિશે નવી વૈજ્ઞાનિક માહિતી મળી હતી. હવે ચંદ્રયાન-3 મિશન સફળ થવાની આશા ભારતીય ખગોળપ્રેમીઓને છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter