ચંદ્રયાન-3નું હવે ચંદ્રની ભ્રમણકક્ષા તરફ પ્રયાણ

Tuesday 01st August 2023 16:13 EDT
 
 

બેંગલુરુ: ભારતનાં મહત્ત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-3નો ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશવાનો મહત્ત્વનો તબક્કો આવી ગયો છે. સોમવારે મધરાત્રે ચંદ્રયાન-3ને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી ચંદ્રની ભ્રમણકક્ષા તરફ ધકેલવામાં આવ્યું હતું. આ માટે થ્રસ્ટર્સનો ઉપયોગ કરાયો હતો. ચંદ્રયાન અત્યાર સુધી પૃથ્વીની અંડાકાર કક્ષામાં ફરી રહ્યું હતું. છેલ્લે તે પૃથ્વીથી નજીકમાં નજીક 236 કિમી અને દૂરમાં દૂર 1,27,609 કિમી હતું. હવે તેને થ્રસ્ટર્સ દ્વારા ચંદ્ર તરફ ધકેલવામાં આવ્યું છે.
ચંદ્રયાન-3નો માર્ગ અને દિશા બદલવામાં આવ્યા બાદ હવે તે પાંચમી ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશશે અને 23 કે 24 ઓગસ્ટે તેનું લેન્ડર મોડ્યુલ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. ચંદ્રયાનને ચંદ્રની ભ્રમણકક્ષામાં ધકેલવાની આખી પ્રોસેસને ટ્રાન્સલુનાર ઈન્જેક્શન તરીકે ઓળખવામાં આવે છે. ‘ઈસરો’એ જણાવ્યું હતું કે આ ખૂબ જ મહત્ત્વની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. હવે ચંદ્રયાન-3એ પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને ચંદ્ર તરફ પ્રયાણ કર્યું છે. ચંદ્રયાનને ચંદ્રની તરફ ધકેલવા માટે ‘ઇસરો’નાં વૈજ્ઞાનિકો દ્વારા થોડા સમય માટે એન્જિનને ચાલુ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3 ભારતના મૂન મિશનનું ત્રીજું અવકાશયાન છે. આ મિશનમાં ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરવામાં આવશે. અગાઉ રશિયા, અમેરિકા અને ચીન એમ ત્રણ જ દેશ આવી સિદ્ધિ મેળવી શક્યા છે.
ભારત અને ચંદ્રયાન મિશન
ચંદ્રયાન-3 ‘ઇસરો’નું ઇન્ડિયન લ્યુનર એક્સપ્લોરેશન પ્રોગ્રામ એટલે કે મૂન રિસર્ચ પ્રોગ્રામનું ત્રીજું મિશન છે. ભારતે 2008માં ચંદ્રયાન-1 મોકલ્યું હતું અને એ સાથે મૂન મિશન પર ગયેલા દેશમાં ભારતનો સમાવેશ થયો હતો.
ચંદ્રયાન-1 મિશને ચંદ્રની સપાટી પર પાણીના અણુઓનું અસ્તિત્વ શોધવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 10 વર્ષ પછી 2019ની 22 જુલાઈએ ચંદ્રયાન-2 અવકાશમાં રવાના કરવામાં આવ્યું હતું. એ મિશનમાં ઓર્બિટરની સાથે વિક્રમ નામનું લેન્ડર ચંદ્ર પર ઉતારવાનું અને પ્રજ્ઞાન રોવર દ્વારા ચંદ્રની સપાટીના અભ્યાસનું આયોજન હતું, પરંતુ 2019ની 6 સપ્ટેમ્બરે ચંદ્ર પર ઉતરાણનો પ્રયાસ કરતી વખતે વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
વિક્રમ લેન્ડર નિષ્ફળ રહ્યું હતું, પરંતુ ઓર્બિટરે તેનું કામ સારી રીતે કર્યું હતું. તેનાથી ચંદ્ર અને તેના વાતાવરણ વિશે નવી વૈજ્ઞાનિક માહિતી મળી હતી. અને ઓર્બિટર આજે પણ ગોળ ચક્કર લગાવી રહ્યું છે અને ચંદ્રનો અભ્યાસ કરી રહ્યું છે, પરંતુ વિક્રમ લેન્ડર સોફ્ટ લેન્ડિંગ સમયે ક્રેશ થઈ ગયું હતું. ચંદ્રયાન-1ના પ્રોજેક્ટ ડાયરેક્ટર અન્નાદુરાઈ કહે છે કે, ‘છેલ્લી ઘડીએ બ્રેકિંગ સિસ્ટમમાં ખામી આવી એ ક્રેશ થવાનું મુખ્ય કારણ હતું.
‘ઇસરો’ના વડા એસ. સોમનાથે જણાવ્યું હતું કે તેમણે ખૂબ જ કાળજીપૂર્વક ચંદ્રયાન-2ના ક્રેશને લગતા ડેટાની ચકાસણી કરી છે અને એ વેળાની ખામીને ટાળવા સિમ્યુલેશનની પ્રક્રિયા પણ લાગુ કરી છે.
લેન્ડર ‘વિક્રમ’ અને રોવર ‘પ્રજ્ઞાન’
ચંદ્રયાન-3નું વજન 3900 કિલો છે અને તેનું બજેટ રૂ. 615 કરોડ છે. તેનું લક્ષ્ય ચંદ્રયાન-2નું જે લક્ષ્ય હતું એ જ છે, જેમાં ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગનો સમાવેશ થાય છે.
લેન્ડરને ‘વિક્રમ’ નામ ‘ઇસરો’ના સંસ્થાપક વિક્રમ સારાભાઇની યાદમાં અપાયું છે. તેનું વજન 1500 કિલો છે અને તેની સાથે ટ્રાવેલ કરનાર રોવરનું વજન 26 કિલો છે. ગ્રહની સપાટી પર સંચાર કરનાર યાન રોવરને સંસ્કૃત નામ ‘પ્રજ્ઞાન’ અપાયું છે, જેનો મતલબ જ્ઞાન થાય છે.
વૈજ્ઞાનિકો અમુક અઠવાડિયાં બાદ ચંદ્રની ભ્રમણકક્ષા તરફ આગળ ધપી રહેલા રોકેટની ઝડપ ઘટાડશે, જે તેને નિર્ધારિત પોઇન્ટ કે જ્યાં ‘વિક્રમ’નું સોફ્ટ લેન્ડિંગ કરવાનું છે ત્યાં લઈ જશે. જો બધું જ યોજના પ્રમાણે રહ્યું તો છ પૈડાંવાળું રોવર ત્યારબાદ બહાર આવશે અને ચંદ્ર પરના ખડકો અને પથ્થરોની આસપાસ ફરશે, જેમાં તે અગત્યના ડેટા અને તસવીરો એકત્ર કરશે અને પૃથ્વી પર અવલોકન માટે મોકલશે.
સોમનાથે કહ્યું હતું કે, ‘રોવર પાંચ યંત્રો તેની સાથે રાખશે, જે ચંદ્રની સપાટીની ભૌતિક લાક્ષણિકતા, સપાટી નજીકનું તાપમાન અને રચનાત્મક એક્ટિવિટીનો અભ્યાસ કરશે કે સપાટી નીચે શું છે. હું આશા રાખું છું કે આપણને કંશુક નવું મળશે.’

ચંદ્રયાન-3 મિશનનું મહત્ત્વ શા માટે?

ચંદ્ર પરના દક્ષિણ ધ્રુવને લઈને ખાસ સંશોધન થયાં નથી. આ એવી જગ્યા છે જે પડછાયામાં છે અને તે ચંદ્રના ઉત્તર ધ્રુવ કરતા વિશાળ છે. તેનો અર્થ એ કે ત્યાં પાણીની શક્યતા પણ રહેલી છે કે જે કાયમ પડછાયાથી ઘેરાયેલી છે.
ચંદ્રયાન-1 પહેલું યાન હતું જેણે વર્ષ 2008માં ચંદ્ર ઉપર પાણીની ખોજ કરી હતી અને એ જગ્યા દક્ષિણ ધ્રુવની નજીક હતી. સોમનાથ કહે છે કે, ‘અમને વૈજ્ઞાનિક દૃષ્ટિએ આ જગ્યામાં વધુ રસ છે. જો મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક શોધ કરવી હશે તો નવા વિસ્તારમાં જવું જ પડશે, જેમ કે દક્ષિણ ધ્રુવ.’ ભારતના અવકાશ કાર્યક્રમનો મુખ્ય હેતુ, ‘વિજ્ઞાનને આવરી લેવાનો, ટેક્નોલોજી અને માનવતાના ભવિષ્ય’ને ધ્યાનમાં રાખવાનો છે. ચંદ્ર પર માત્ર ભારતની જ નજર છે એવું નથી, વૈશ્વિક રસ પણ વધી રહ્યો છે. વૈજ્ઞાનિકો કહે છે કે ચંદ્ર વિશે હજુ ઘણું જાણવાનું બાકી છે કે જે અંતરિક્ષમાં વધુ ડૂબકી લગાવવા મદદરૂપ માનવામાં આવે છે. અને ચંદ્રયાન-3ની સફળતા એ દિશામાં એક ખૂબ જ મહત્ત્વનું પગલું બની રહેશે.

‘નાસા’ને 4 દિવસ તો ‘ઇસરો’ને 40 દિવસ કેમ?

‘ઇસરો’ના ચંદ્રયાન-3ને ચંદ્ર પર પહોંચતાં 40 દિવસ થશે. આથી વિપરિત ‘નાસા’એ 1969માં મોકલેલું એપોલો-11 ક્રૂ સ્પેસક્રાફ્ટ ચાર દિવસમાં ગંતવ્યસ્થાને પહોંચી ગયું હતું અને ચંદ્ર પર ઉતરાણ કર્યું હતું. ‘નાસા’ 50 વર્ષ પહેલાં આટલી ઝડપથી પહોંચી શકતું હતું તો ‘ઇસરો’ને આજે આટલો સમય કેમ લાગે છે? ચંદ્ર પર પહોંચવા 40 દિવસના પ્રવાસ પાછળ મોટી કથા છે. ‘નાસા’ દ્વારા 1969માં લોન્ચ એપોલો-11 રોકેટનું વજન ઇંધણ સહિત લગભગ 2,800 ટન હતું, પરંતુ ‘ઇસરો’એ લોન્ચ કરેલા જીએસએલવી એમકે-3 રોકેટનું વજન ઇંધણ સાથે માત્ર 640 ટન છે. જીએસએલવી એમકે-3 ભારત પાસેનું સૌથી મોટું રોકેટ છે. તેથી ઓછામાં ઓછા ઇંધણ સાથે ચંદ્ર પહોંચવાનો નવીન વિચાર ‘ઇસરો’એ અજમાવ્યો છે.
જૂના જમાનામાં લોકો ગોફણની મદદથી ખેતરોમાં પાક ચણી જતાં પક્ષીઓને ઉડાડતા હતા. ગોફણ વચ્ચેના ભાગમાં એક નાનો પથ્થર મૂકાય છે અને દોરડાના બન્ને છેડા વડે તેને થોડી વાર ફેરવીને ગોફણમાંનો પથ્થર મહત્તમ ગતિએ છોડાય છે. તેનાથી પથ્થર ઓછી મહેનતે મહત્તમ અંતર સુધી ફેંકાય છે. આને સ્લિંગ શોટ થિયરી કહેવામાં આવે છે.
‘ઇસરો’ આ જ થિયરીનો ઉપયોગ કરીને, ઓછામાં ઓછા ઇંધણ સાથે, પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો ઉપયોગ કરીને ચંદ્ર પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ અભિગમને લીધે રોકેટ સીધું ચંદ્ર પર જવાને બદલે ધીમે ધીમે ઊંચામાં ઊંચા બિંદુ પર પહોંચીને પૃથ્વીની આસપાસ લંબગોળ ભ્રમણકક્ષામાં પહોંચ્યું. હવે તેણે પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને ચંદ્ર તરફ પ્રયાણ કર્યું છે અને તે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. તેને લૂનર ઓર્બિટ ઇન્સર્શન કહેવામાં આવે છે. એ પછી તે સમાન ભ્રમણકક્ષામાં ચંદ્રની આસપાસ ભ્રમણ કરશે. ધીમે ધીમે નીચું આવશે અને ચંદ્રની નજીક સરકશે અને તેની સપાટી પર ઉતરાણ કરશે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થવામાં 40 દિવસ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter