ચંદ્રયાન-૨ઃ ઐતિહાસિક સફરનો આરંભ

Wednesday 24th July 2019 05:23 EDT
 
 

શ્રીહરિકોટાઃ અવકાશ વિજ્ઞાનમાં ભારતનું નામ અંકિત કરનાર ચંદ્રયાન-૨એ ચંદ્ર તરફની ઐતિહાસિક સફરનો આરંભ કર્યો છે. આ સાથે જ ભારતે ચંદ્રની સપાટી ઉપર ઉતરાણ કરવા માટે અવકાશમાં પહેલું પગલું માંડ્યું છે. સોમવારે બપોરે ૨.૪૭ કલાકે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટરથી જીએસએલવી માર્ક-૩ રોકેટ દ્વારા ચંદ્રયાન-૨ને અવકાશમાં લોન્ચ કરાયું હતું. રોકેટ લોન્ચ થયાની ૧૭મી મિનિટે જ ચંદ્રયાન-૨ પૃથ્વીની પહેલી ભ્રમણકક્ષામાં પહોંચી ગયું હતું. ઇન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના ચેરમેન કે. સિવાને આ સમાચાર આપતાં જ દેશભરમાંથી ટીમ ઇસરો પર અભિનંદનની વર્ષા થઇ હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ પણ ઇસરો અને દેશવાસીઓને આ ઐતિહાસિક અભિયાન બદલ અભિનંદન પાઠવ્યા હતા

ઉલ્લેખનીય છે કે, જીએસએલવી-એમકે ૩ રોકેટ ‘બાહુબલી’ દ્વારા ચંદ્રયાન-૨ને બપોરે ૨.૪૩ કલાકે અવકાશમાં મોકલાયું હતું, જે ૧૬.૨૩ મિનિટ બાદ ૧૮૨ કિ.મી. ઉપર પૃથ્વીની પ્રાથમિક ભ્રમણકક્ષામાં પહોંચી ગયું હતું. આ પછી જીએલએલવી માર્ક-૩ રોકેટથી અલગ પડીને પૃથ્વીની પરિક્રમા કરવા લાગ્યું હતું. તે આગામી ૨૩ દિવસ પૃથ્વીની ચાર પ્રદક્ષિણા કરીને ચંદ્ર તરફ આગળ વધશે. હવે તે ૪૮ દિવસ બાદ એટલે કે ૭મી સપ્ટેમ્બરે ચંદ્રની ધરતી ઉપર ઉતરાણ કરશે. તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર ઉતરાણ કરશે અને ચંદ્રના ૧ દિવસ (પૃથ્વીના ૧૪ દિવસ) સુધી ત્યાં વૈજ્ઞાનિક સંશોધન કરીને ધરતી ઉપર વિગતો મોકલાવશે. આ સાથે જ અવકાશ યુગમાં એક નવા અધ્યાયનો આરંભ થશે.
ચંદ્રની ધરતી પરના દક્ષિણ ધ્રુવ પર કોઈ અવકાશયાત્રી ઊભો રહે તો તેને સૂર્ય ક્ષિતિજ રેખા પર દેખાશે. તે ચંદ્રની સપાટીને સ્પર્શીને ચમકતો નજરે પડશે. સૂર્યના કિરણો દક્ષિણ ધ્રુવમાં ત્રાંસા પડે છે. પરિણામે અહીં તાપમાન ઓછું હોય છે. સ્પેસ ઇન્ડિયાના ટ્રેનિંગ ઇન્ચાર્જ તરુણ શર્માએ કહ્યું હતું કે ચંદ્રનો જે હિસ્સો સૂર્યની સાથે આવે છે ત્યાં તાપમાન ૧૩૦ ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી જાય છે. ચંદ્રના જે ભાગમાં સૂર્યપ્રકાશ નથી પડતો ત્યાં તાપમાન ૧૩૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે જતું રહે છે. આના કારણે ચંદ્રની ધરતી પર દરરોજ (એટલે કે પૃથ્વીના ૧૪ દિવસ બરાબર) તાપમાનમાં વધઘટ થાય છે, પણ દક્ષિણ ધ્રુવમાં કોઇ વધઘટ થતી નથી. આથી અહીં પાણી મળવાની સંભાવના સૌથી વધારે છે.

‘બાહુબલી’નું ટેસ્ટીંગ

સોમવારે બપોરે ચંદ્રાયન-૨ને ચંદ્ર ઉપર મોકલતા પહેલાં ઇસરો દ્વારા તેના લોન્ચિંગનું પ્રારંભિક રિહર્સલ પણ કરાયું હતું. સોમવારે તેમને ઇચ્છિત પરિણામ મળતા સમગ્ર ટીમમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અગાઉ ૧૫ જુલાઈએ ચંદ્રયાન-૨નું લોન્ચિંગ થવાનું હતું. પરંતુ ટેઇક-ઓફની ગણતરીની મિનિટો પૂર્વે જ ટેક્નિકલ ખામી ધ્યાને આવતાં લોન્ચિંગ રદ કરવું પડ્યું હતું. આ પછી સમસ્યા હલ કરવામાં આવી હતી અને જીએસએલવીને લોન્ચ માટે સંપૂર્ણ સજજ કરી દેવાયું હતું.

પૃથ્વીનું એક ચક્કર ઓછું

લોન્ચિંગની તારીખ એક અઠવાડિયું આગળ વધવા છતાં ચંદ્રયાન-૨ પોતાના નિયત સમય ૬ સપ્ટેમ્બરે જ ચંદ્ર ઉપર પહોંચશે. તેને સમયસર પહોંચાડવાનો એક જ આશય છે કે, લેન્ડર ‘વિક્રમ’ અને રોવર ‘પ્રજ્ઞાન’ને નક્કી સમય પ્રમાણે કામ શરૂ કરી શકે.
જોકે સમય બચાવવા માટે ચંદ્રયાન પૃથ્વીનું એક ચક્કર ઓછું કાપશે. પહેલાં તે પાંચ ચક્કર કાપવાનું હતું પણ હવે ૪ ચક્કર જ કાપશે. તેનું લેન્ડિંગ એવી જગ્યાએ કરવામાં આવશે જ્યાં સૂર્યનો પ્રકાશ સૌથી વધુ આવતો હોય. ૨૧ સપ્ટેમ્બર બાદ આ સ્થળે સૂર્યનો પ્રકાશ આવતો ઓછો થઈ જશે. તેને ત્યાં ૧૫ દિવસ કામ કરવાનું છે. તેથી સમયસર પહોંચવું આવશ્યક છે.

શું કરશે ચંદ્રયાન-૨?

રોવર પ્રતિ સેકન્ડ એક સેન્ટિમીટરની સ્પીડથી ૧૫ દિવસ સુધી ચંદ્રની ધરતી પર ફરીને ડેટા એકત્ર કરતું રહેશે અને ઓર્બિટરને પહોંચાડતું રહેશે. ઓર્બિટર આ ડેટા ઇસરોને પહોંચાડશે. રોવર ચંદ્રમાના પથ્થરોને જોઈને એમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ અને આયર્ન સહિત ખનિજોની શોધ કરશે. ત્યાં પાણી છે કે નહીં એ પણ તપાસ કરશે. ઓર્બિટર ચંદ્રમાના બહારના પડનું પણ પરીક્ષણ કરશે.

મિશન સામેના પડકારો

ધરતી ચંદ્રમાથી ૩.૮૪૪ લાખ કિલોમીટર દૂર છે તેથી મેસેજને અહીંથી ત્યાં પહોંચતાં કેટલીક મિનિટો લાગશે. સોલર રેડિયેશનની પણ ચંદ્રયાન-૨ પર અસર થઈ શકે છે. આથી સિગ્નલ કમજોર થઈ શકે છે. બેક ગ્રાઉન્ડનો શોર પણ કમ્યુનિકેશન પર અસર નાખી શકે છે.

આગામી ૪૮ દિવસમાં આવી સફર રહેશે

ચંદ્રયાન-૨ હવે પૃથ્વીની કક્ષામાં પહોંચી ગયું છે. શરૂઆતના ૨૩ દિવસ તે પૃથ્વીની કક્ષામાં જ ચક્કર મારશે ત્યાર પછી તેને ચંદ્રની ટ્રેજેક્ટરીમાં નંખાશે. આ અંતર પાંચ દિવસમાં કપાશે. ૩૦મા દિવસે ચંદ્રયાન-૨ ચંદ્રની કક્ષામાં સ્થળાંતરિત થશે. પછી ૧૩ દિવસ સુધી તે ચંદ્રની દિશામાં ૧૦૦ કિમીની ઊંચાઈવાળી કક્ષામાં ચક્કર લગાવશે. ૪૩મા દિવસે લેન્ડર ચંદ્રની ધરતી પર ઉતરવા માટે ઓર્બિટરથી અલગ થશે. જ્યારે ઓર્બિટર એ જ કક્ષામાં ચક્કર કાપતું રહેશે. ૪૪મા દિવસે લેન્ડરની ગતિ ઓછી કરાશે અને ૪૮મા દિવસે તે ચંદ્ર પર ઉતરાણ કરશે. લેન્ડર ૭ સપ્ટેમ્બરની આસપાસ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મેનજિનસ-સી અને સીમ્પેલિયસ-એન ક્રેટરો વચ્ચે ઉતરશે. ચંદ્રની સપાટી પર ઉતર્યા પછી રોવર ‘પ્રજ્ઞાન’ લેન્ડરથી અલગ થઈ જશે. તેનું વજન ૨૭ કિલો છે અને તેમાં છ પૈડા છે. આ લેન્ડર ૫૦૦ મીટરની ત્રિજ્યામાં ચક્કર લગાવી શકે છે. આ દરમિયાન તેની ગતિ પ્રતિ સેકન્ડ ૧ સેમીની હોય છે. તેના પર બે પેલોડ છે. એ એક ચંદ્ર દિવસ એટલે કે ૧૪ દિવસ કામ કરશે. ઓર્બિટર અને લેન્ડર ઇસરોના કન્ટ્રોલ રૂમથી સીધા સંપર્કમાં રહેશે. તેઓ અંદરોઅંદર કોમ્યુનિકેટ કરી શકશે. રોવર લેન્ડર સાથે કોમ્યુનિકેટ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter