ચરણસિંહ - નરસિંહા રાવ - સ્વામીનાથન્ પણ હવે બન્યા ભારતરત્ન

Tuesday 13th February 2024 08:44 EST
 
 

નવી દિલ્હીઃ ભારતના ઈતિહાસમાં પ્રથમ વાર માત્ર 18 દિવસમાં પાંચ મહાનુભાવોને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારતરત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા છે. નવમી ફેબ્રુઆરીએ પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ, ‘હરિયાળી ક્રાંતિના જનક’ તરીકે જાણીતા ડો. એમ. એસ. સ્વામીનાથન્ અને પૂર્વ વડાપ્રધાન પી. વી. નરસિંહા રાવને ભારતરત્ન એનાયત કરવાની જાહેરાત કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા શુક્રવારે સોશિયલ મીડિયા પર આ અંગે જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગત ત્રીજી ફેબ્રુઆરીએ લાલ કૃષ્ણ અડવાણી અને 23 જાન્યુઆરીએ બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારતરત્ન સન્માન આપવાની જાહેરાત પણ કરાઈ હતી. પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને અપાયેલા ભારતરત્નની 40 બેઠક પર અસર જોવા મળી શકે છે. બિહારમાં ઓબીસીનો મોટો વર્ગ કર્પૂરી ઠાકુરને આદર્શ માને છે. અડવાણી મૂલ્યનિષ્ઠ રાજકારણ માટે તો જાણીતા છે જ, પરંતુ દેશમાં રામલહેર ઉભી કરવામાં તેમની સોમનાથથી અયોધ્યા રથયાત્રાનું આગવું યોગદાન છે. રામમંદિરનો પ્રાણપ્રતિષ્ઠા રંગેચંગે ઉજવાયો તેના ગણતરીના દિવસોમાં અડવાણીને ભારતરત્ન જાહેર થયો છે તે નોંધનીય છે.

લોકસભા ચૂંટણી આડેના ત્રણ મહિના પહેલાં વધુ ત્રણ ભારતરત્ન જાહેર કરીને મોદી સરકારે ખેડૂત, જાટ અને દક્ષિણ ભારતને સાધવાનો પ્રયાસ કર્યો હોવાનું રાજકીય નિષ્ણાતો માને છે. તેમના મતે, ચૌધરી ચરણસિંહ અને ડો. સ્વામીનાથનની છબિ ખેડૂતોના તારણહાર તરીકેની છે. બીજી તરફ નરસિંહ રાવ અને સ્વામીનાથનનું કનેક્શન દક્ષિણ ભારત સાથે પણ છે.

ભારતરત્નની જાહેરાત પાછળનું રાજકીય ગણિત
1) ચૌધરી ચરણસિંહઃ ઉત્તર પ્રદેશમાં 80 લોકસભા બેઠકો છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશની 27 બેઠક પર સીધો પ્રભાવ છે કારણ કે ખેડૂતોના બેલી કહેવાય છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ખૂબ જ લોકપ્રિયતા છે. આથી કહી શકાય કે ચૌધરી ચરણસિંહને મળેલા સન્માનથી ખેડૂતો અને જાટ વોટબેન્ક પર અસર પડશે.
2) એમ.એસ. સ્વામીનાથનઃ તામિલનાડુ, પંજાબ અને હરિયાણાની કુલ 62 બેઠક પર અસર કારણ કે ચેન્નઈમાં જન્મ થયો છે. હરિયાળી ક્રાંતિના જનક તરીકે જાણીતા અને વધુ ઊપજ આપનારી અનેક જાતો આપી ખેડૂતોમાં આગવી ઓળખ ઉભી કરી છે. તેમને જાહેર થયેલા ભારતરત્નથી ખેડૂતો અને વૈજ્ઞાનિક વર્ગ પર હકારાત્મક અસર જોવા મળશે.
3) પી.વી. નરસિંહ રાવઃ ભારતના આ પૂર્વ વડાપ્રધાનને ભારતરત્નનું સન્માન ત્રણ મોરચે અસર કરી શકે છે. કારણ કે આંધ્રમાં જન્મ થયો છે. હૈદરાબાદમાં અભ્યાસ કર્યો છે અને આંધ્રના મુખ્યમંત્રી પણ હતા. 1991માં દેશને આર્થિક સંકટમાંથી ઉગારવાનો શ્રેય તેમને જાય છે.

ભારતના સર્વોચ્ચ સન્માનની સાથે સાથે...
• 70 વર્ષમાં પહેલી વાર બહુ ટૂંકા ગાળામાં 5 હસ્તીઓને ભારતરત્ન જાહેર થયા છે. આ 5 છે - કર્પૂરી ઠાકુર, લાલ કૃષ્ણ અડવાણી, ચૌધરી ચરણસિંહ, પીવી નરસિંહ રાવ અને એમએસ સ્વામીનાથન્.
• 10 વર્ષમાં 10 ભારત રત્ન આપનાર નરેન્દ્ર મોદી પ્રથમ વડાપ્રધાન છે. મનમોહન સિંહે 10 વર્ષમાં ત્રણને ભારતરત્ન આપ્યા હતા. પંડિત નેહરુએ 17 વર્ષમાં 12 લોકોને ભારતરત્ન આપ્યો હતો. જ્યારે ઇન્દિરા ગાંધીએ 6, રાજીવ ગાંધીએ 2 લોકોને ભારતરત્નથી સન્માનિત કર્યા હતા.

• 25 વર્ષ પછી બહુ ટૂંકા ગાળામાં ચારથી વધુ લોકોને ભારતરત્ન જાહેર થયા છે. 1999માં પ્રો. અમર્ત્ય સેન, ગોપીનાથ બોરદોલાઈ, જયપ્રકાશ નારાયણ અને પં. રવિશંકરને આ સર્વોચ્ચ સન્માન મળ્યું હતું.
• અત્યાર સુધીમાં કુલ છઠ્ઠી વખત ત્રણથી વધારે લોકોને ભારતરત્ન અપાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter