ચીન હૈ કી માનતા નહીં... હવે તિબેટ સરહદે સૈન્ય ખડક્યું

Wednesday 29th July 2020 06:28 EDT
 
 

નવી દિલ્હીઃ ચીન સરહદે ઘણા દિવસોથી તણાવ પ્રવર્તી રહ્યો છે. આ માહોલમાં ચીનની વધુ એક લુચ્ચાઇ ખુલ્લી પડી છે. ભારતીય સેટેલાઇટે ઝડપેલી તસવીરમાં ચીનની સેનાએ તિબેટ સરહદે સૈન્ય ખડક્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ભારતનો સેટેલાઇટ ચીને કબ્જે કરેલા તિબેટ પરથી પસાર થયો હતો, જેમાં અરૂણાચલ પ્રદેશની સરહદ નજીક ચીને મોટી સંખ્યામાં સૈનિકોનો જમાવડો કર્યો હોવાનું જણાયું છે. બીજી તરફ, ભારતીય સેટેલાઇટ ચીને કબ્જે કરી લીધેલા તિબેટ પરથી પસાર થતાં ચીની સૈન્યમાં હલચલ મચી ગઇ છે. એક રિપોર્ટ અનુસાર, ભારતનો જાસુસી માટેનો એક સેટેલાઇટ હાલમાં જ તિબેટ પરથી પસાર થયો હતો. જેણે ચીની સૈન્યની ગોઠવણ અંગે ઘણી જાણકારી એકઠી કરી લીધી છે. આ સેટેલાઇટે ચીની સૈનિકોની પોઝિશનથી માંડીને સરહદની બીજી તરફ શું ચાલી રહ્યું છે તેની સંપૂર્ણ જાણકારી મેળવી લીધી હોવાના અહેવાલો છે.
ભારતે પોતાના સૈન્ય જમાવડાની માહિતી મેળવી લીધી હોવાનું બહાર આવતાં જ ચીન હચમચી ગયું છે. હવે ચીને આ ભારતીય સેટેલાઇટ કેવી રીતે કામ કરે છે તેમજ તેણે શું શું માહિતી તેણે એકઠી કરી લીધી છે તે અંગેની જાણકારી મેળવવા મથામણ શરૂ કરી છે.

‘કૌટિલ્ય’ની કમાલ
ભારતના આ સ્પાય સેટેલાઇટને ‘કૌટિલ્ય’ નામથી પણ ઓળખવામાં આવે છે. ભારતના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) સંચાલિત આ સેટેલાઇટનું ટેક્નિકલ નામ ઇએમઆઇએસએટી એટલે કે ‘એમીસેટ’ છે જે ઇન્ટેલિજન્સ ઇનપુટ મેળવવાનું કામ કરે છે. સેટેલાઇટ ‘એલિટ’ એટલે કે ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ સિસ્ટમથી સજ્જ છે. જેની ખાસિયત એ છે કે તે સંરક્ષણ ક્ષેત્રની મહત્વની જાણકારી એકઠી કરે છે.
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ સેટેલાઇટ હાલમાં અરૂણાચલ પ્રદેશ સ્થિત તિબેટના એ હિસ્સા પરથી પસાર થયો હતો કે જ્યાં પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)નો જમાવડો છે.
આ સેટેલાઇટની અન્ય ખૂબી એ છે કે આ સેટેલાઇટ ટ્રાંસમિશન માટે ઉપયોગમાં લેવાતા રેડિયો સિગ્નલને પણ વાંચી લે છે. આ અંગેની જાણકારી ચીનને થતાં તેણે પોતાના સૈન્ય અને વૈજ્ઞાનિકોને દોડતા કરી દીધા છે.
અહેવાલો તો એવા પણ છે કે ચીને દેપ્સાંગ સેક્ટરમાં પણ પોતાના સૈનિકોને એકઠા કરી લીધા છે. ચીની સૈનિકોને લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (એલએસી) પાસે ખાડા ખોદતા પણ જોવામાં આવ્યા હતા. આ પહેલા ચીની સૈનિકોએ ૨૦૧૩માં આ જ વિસ્તારમાં ઘુસણખોરી કરી હતી.
આ પહેલા ‘કૌટિલ્ય’એ પાકિસ્તાન નેવીના ઓર્મારા બેઝ ઉપર પણ ચક્કર લગાવ્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે પાકિસ્તાને આ વિસ્તારમાં ચીનના સહિયોગથી સબમરીન પણ તૈનાત રાખી છે.

ત્યાં સુધી ભારતીય સેના રહેશે

પૂર્વ લદાખમાં ચીનની દગાબાજીને જોતાં ભારતીય સેનાએ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે તણાવગ્રસ્ત વિસ્તારોમાં ચીનના સૈનિકો સંખ્યા જેટલા જ ભારતીય સૈનિકો તહેનાત રહેશે. સેના હવે લાંબા સમય સુધી ત્યાં ટકી રહેવાની તૈયારીમાં છે.
સૈનિકોને રાશન અને સામાનના સપ્લાય માટે મોટા પાયે કવાયત શરૂ કરી દેવાઇ છે. સાથે જ ચીનની માગ પર એલએસીના ૩ કિમીના વિસ્તારમાં બફર ઝોન બનાવવાનો પણ ભારતે ઇનકાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે ચીનના સૈનિકો ૧૪ જુલાઇએ કોર કમાન્ડરની બેઠકમાં નક્કી રોડમેપ અનુસાર પીછેહઠ નથી કરી રહ્યા. સૈન્ય સૂત્રોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી ચીનની સેના વાસ્તવિક રીતે પીછેહઠ કરવાના મજબૂત પુરાવા નહીં આપે ત્યાં સુધી આપણા સૈનિકોને પાછા બોલાવવાનો સવાલ જ નથી. ચીનના અક્કડ વલણનો મુદ્દો રાજદ્વારી સ્તરે પણ ઉઠાવાશે. આ માટે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજિત ડોભાલ તેમના ચીનના સમકક્ષ વાંગ યી સાથે ટુંક સમયમાં આ મુદ્દે મંત્રણા કરી શકે છે.

ચીનનો અડિયલ અભિગમ

લદ્દાખમાં તણાવ વચ્ચે ભારત અને ચીન વચ્ચે અલગ અલગ સ્તરે મંત્રણા ચાલી રહી છે. પૈંગોંગ અને દેપસાંગ એ બે વિસ્તાર એવા છે કે જ્યાં બંને દેશનું સૈન્ય હજુ પણ આમને સામને છે. સેટેલાઇટ દ્વારા ઝડપાયેલી તસ્વીર પરથી જણાય છે કે ચીન પૈંગોંગ સરોવરના મોટા હિસ્સા પર કબજો કરવાની તૈયારી સાથે જ આવ્યું હતું. તસ્વીરોમાં ચીનની લશ્કરી તૈયારી પણ દેખાઇ આવે છે. એ જ કારણ છે કે કેટલાય તબક્કાની મંત્રણા બાદ પણ ચીન આ વિસ્તારમાંથી પીછેહઠ કરવા તૈયાર નથી. ઓપન સોર્સ ઇન્ટલિજન્સ એનાલિસ્ટ ડેટ્રેસ્ફની સેટેલાઇટ તસ્વીર અનુસાર ચીને પૈંગોંગ સરોવર વિસ્તારમાં ૧૮ પેટ્રોલ બોટ તહેનાત કરી છે. હાઇસ્પીડ પેટ્રોલ બોટ ફ્ક્ત ચોકીપહેરા માટે જ ઉપયોગી છે તેવું નથી. તેમાં ટૂંકા કે મધ્યમ અંતરે હુમલો કરી શકાય તેવા શસ્ત્રો પણ છે. જોકે એ બોટ હજુ એલએસીના ચીનના વિસ્તારમાં જ છે.

પૂર્વ લદ્દાખમાં સૈનિકો સામસામે

હાલ પૂર્વ લદ્દાખમાં તણાવગ્રસ્ત જગ્યાઓ પર બંને દેશના આશરે ૪૦-૪૦ હજાર સૈનિકો તહેનાત છે. અનેક દાયકાથી ચીન એલએસી ક્ષેત્રમાં બફર ઝોન પર ભાર મૂકી રહ્યું છે. ચીનની સેના અનેક દાયકાથી એલએસી પર તણાવવાળા વિસ્તારમાં ૩ કિમીનું બફર ઝોન બનાવવા પર ભાર મુકી રહી છે. મતલબ કે બંનેમાંથી કોઇ દેશની સેના એ વિસ્તારમાં પેટ્રોલિંગ નહી કરે. ભારતને ચીનની આ માગણી મંજૂર નથી.

ભારતે ટી-૯૦ ટેન્કો ગોઠવી

ચીનની હલચલને ધ્યાનમાં રાખીને ભારતે સૌથી છેલ્લે આવેલી દૌલત બેગ ઓલ્ડી પોસ્ટ ખાતે ટી-૯૦ ટેન્કની સ્કવોડ્રન (૧૨ ટેન્ક) ગોઠવી છે. ટી-૯૦એ ભારતની મેઈન બેટલ ટેન્ક (એમબીટી) છે, જે મિસાઈલ પણ ફાયર કરી શકે છે. આમ આ વિસ્તારમાં ભારતની પ્રહારશક્તિ ખાસ્સી વધી ગઈ છે. ટેન્ક ઉપરાંત ભારતે ૧૬ હજાર ફીટ ઊંચાઈએ આવેલા દૌલત બેગ ઓલ્ડી પોસ્ટ ખાતે ૪ હજાર જવાનોની બ્રિગેડ પણ ગોઠવી છે.
ચીને અક્સાઈ ચીનમાં (એટલે કે તેના કબ્જા હેઠળના લદ્દાખમાં) ૫૦ હજાર જેટલા સૈનિકો ગોઠવી રાખ્યા છે. વાટાઘાટો છતાં ચીની સૈનિકો પીછેહઠ કરતાં ન હોવાથી ભારત ગફલતમાં રહેવા માગતું નથી.
ભારતે ૪૬ ટન વજન ધરાવતી ટેન્કો હિમાલયની ઊંચાઈએ પહોંચાડી દીધી છે. ટેન્ક ઉપરાંત એમ-૭૭૭ પ્રકારની હોવિત્ઝર, ૧૩૦ એમએમની ગન અને અન્ય લશ્કરી સામગ્રી દૌલત બેગ ઓલ્ડી પહોંચાડી દેવાયા છે. રશિયન બનાવટની ટી-૯૦ ટેન્કનો ભારત છેલ્લા બે દાયકાથી ઉપયોગ કરે છે. ભારતે મહાભારતના યોદ્ધા પરથી ટી-૯૦ને ‘ભીષ્મ’ નામ આપ્યું છે. આ ટેન્ક વજનદાર હોવાથી બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના કેટલાક પુલ પાર કરી શકે કે કેમ એ શંકા હતી. આથી આવી ટેન્કો ઈન્ડિયન આર્મીએ ખાસ પ્રકારના ઈક્વિપમેન્ટ વાપરીને કારાકોરમ પાસની પેલે પાર આવેલી ચેકપોસ્ટ સુધી પહોંચાડી હતી.

ફાઇટર પ્લેનથી ચાંપતી નજર

આ સાથે જ ભારતીય નૌસેનાએ પૂર્વીય લદાખમાં નિરીક્ષણ માટે પી-૮આઇ અને મિગ-૨૯કે યુદ્ધવિમાનો તહેનાત કર્યા છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના આયોજન પ્રમાણે નૌસેના દ્વારા ચીનના કોઈ પણ દુસાહસને જવાબ આપવા અલગ અલગ બેઝ ઉપર ફાઈટર પ્લેન સજ્જ કર્યા છે. સીડીએસ દ્વારા ઇસ્ટર્ન અને વેસ્ટર્ન સરહદી ક્ષેત્રમાં એરફોર્સની સાથે નૌસેનાના ફાઈટર પ્લેન સજ્જ રાખવા આદેશ અપાયા છે. નેવીના મિગ-૨૯કે ફાઈટર એરક્રાફ્ટને નોર્ધન સેક્ટરના એરફોર્સ બેઝ ઉપર તહેનાત કરાયા છે. એલએસી ઉપર ચીની વિમાનોની ઊડાઊડ અંકુશમાં રાખવા ભારતે આ પગલું ભર્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter