નવી દિલ્હી: લદ્દાખમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (એલએસી) ખાતે સર્જાયેલા સરહદી વિવાદના ઉકેલ માટે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા પ્રયાસોની વધુ એક કડીમાં રશિયાના મોસ્કો ખાતે શાંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)ની સાથે સાથે ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકર અને ચીનના વિદેશપ્રધાન વાંગ યી વચ્ચે અઢી કલાક લાંબી મંત્રણા યોજાઈ હતી.
એલએસી પર એકબીજાના પ્રદેશમાં ઘૂસણખોરીના આરોપ-પ્રત્યારોપ મધ્યે બંને નેતાઓ તાજેતરમાં ઉગ્ર બનેલા સરહદી તણાવને ઘટાડવા પાંચ મુદ્દાની સમજૂતી કરાઈ હતી. મોસ્કોમાં વાંગ યી સાથે ૧૦ સપ્ટેમ્બરે યોજાયેલી આ મંત્રણામાં એસ. જયશંકરે એલએસી પર ચીન દ્વારા મોટી સંખ્યામાં ખડકાયેલી સેના અને મિલિટરી ઇક્વિપમેન્ટનો મુદ્દો ઉઠાવ્યો હતો.
ભારતીય પ્રતિનિધિ મંડળે ચીની નેતાને સ્પષ્ટ જણાવ્યું હતું કે, ચીને એલએસી પર મોટી સંખ્યામાં સેના ખડકીને ૧૯૯૩ અને ૧૯૯૬માં બંને દેશ વચ્ચે થયેલા કરારોનું ઉલ્લંઘન કરીને એલએસી પર અથડામણના સ્થળો ઊભા કર્યાં છે. એલએસી પર ચીની સેનાનું આક્રમક વલણ દ્વિપક્ષીય કરારો અને પ્રોટોકોલનું અપમાન કરી રહ્યું છે.
ચીની વિદેશ પ્રધાન વાંગ યીએ જણાવ્યું હતું કે, બંને દેશ દ્વારા અપાયેલા વચનોનું ઉલ્લંઘન કરતાં ફાયરિંગ અને અન્ય ભયજનક પગલાં દ્વારા થતી ઉશ્કેરણી તાત્કાલિક અટકાવવી જોઈએ. સરહદ પર ઘૂસણખોરી કરનારા તમામ સૈનિકો અને મિલિટરી ઇક્વિપમેન્ટ ભારતે હટાવી લેવાં જોઈએ અને બંને દેશની સેનાઓએ ઝડપથી પીછેહઠ કરવી જોઈએ.
ચીનની પૂછડી વાંકી તે વાંકી
જોકે મોસ્કોમાં શાંતિનો જાપ કરનારા ચીને લદ્દાખમાં યુદ્ધનો લલકાર જારી રાખ્યો છે. ભારત સરકારના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે, મોસ્કો ખાતે ઉચ્ચસ્તરીય રાજદ્વારી બેઠકમાં સેના પાછી ખેંચવાની ડાહી ડાહી વાતો કરનાર ચીનના વલણમાં કોઈ બદલાવ થયો નથી. ચીની સેનાએ ફિંગર ફોર ખાતે સૈનિકોનો મોટો જમાવડો કર્યો છે. ચીની સેનાનો ઇરાદો ફિંગર ફોરની પશ્ચિમમાં આગળ વધવાનો છે. ચીને આઠમી સપ્ટેમ્બરે મધરાત્રે ફિંગર ફોરની રિજલાઇનમાં બે હજારથી વધુ સૈનિક તહેનાત કર્યાં હતાં. ભારતે પણ ચીની સેનાના જમાવડાનો જવાબ આપતાં ફિંગર થ્રીની પહાડીઓ અને રિજલાઇન ખાતે મોટી સંખ્યામાં સૈનિક ટુકડીઓ અને મિલિટરી ઇક્વિપમેન્ટ તહેનાત કર્યાં છે. અત્યારે બંને દેશની સેનાઓ એકબીજાની શૂટિંગ રેન્જમાં ૫૦૦ મીટરના અંતરે એકબીજા સામે ગોઠવાયેલી છે. બંને તરફની સેના અત્યારે હાઇએલર્ટ પર એકબીજા પર ચાંપતી નજર રાખી રહી છે.
દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૧ સપ્ટેમ્બરે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, સેનાની ત્રણે પાંખના વડા અને ટોચના સંરક્ષણ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
ચુશુલમાં વાટાઘાટો અનિર્ણાયક
પૂર્વીય લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર સ્થિતિ વધુ તણાવપૂર્ણ બનતી અટકાવવા માટે ભારત અને ચીનના સૈન્ય વચ્ચે ૧૨ સપ્ટેમ્બરે ચુશુલમાં વધુ એક વખત બ્રિગેડિયર સ્તરની વાટાઘાટો થઈ હતી. બંને દેશના બ્રિગેડિયર કમાન્ડર્સ વચ્ચે સવારે ૧૧ વાગ્યે શરૂ થયેલી બેઠક બપોરે ૩.૦૦ વાગ્યે પૂરી થઈ હતી. પરંતુ તેમાં કોઈ નક્કર નિર્ણય લેવાયો નહોતો. બંને દેશોના સૈન્ય અધિકારીઓએ સલામતી દળોને વર્તમાન સ્થિતિએથી પાછા ખેંચવાનો આગ્રહ રાખ્યો હતો. ચીનના સૈન્યે એલએસી પર ભારતીય પ્રદેશમાંથી ભારતીય જવાનોને પાછા હટાવવા માટે સાતમી સપ્ટેમ્બરે ગોળીબાર કર્યા બાદથી બંને દેશના સૈન્ય વચ્ચે બ્રિગેડિયર સ્તરે સતત વાટાઘાટો ચાલી રહી છે. જોકે, આ વાટાઘાટો સતત નિષ્ફળ જઈ રહી છે. બંને દેશના સૈન્ય અધિકારીઓએ હવે આગામી દિવસોમાં ટોચના સ્તરે સૈન્ય વાટાઘાટોનો છઠ્ઠો રાઉન્ડ યોજવા નિર્ણય કર્યો છે. ૧૪મી કોર્પ્સના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હરિન્દરસિંહ અને દક્ષિણ જિઆંગ મિલિટરી ડિસ્ટ્રીક્ટના ચીફ મેજર જનરલ લિયુ લિન વચ્ચે સરહદે તણાવપૂર્ણ સ્થિતિ ઘટાડવા માટે બીજી ઓગસ્ટથી વાટાઘાટો થઈ રહી છે.