છત્તીસગઢમાં નક્સલી હુમલોઃ ૨૪ જવાન શહીદ

Wednesday 07th April 2021 06:33 EDT
 
 

બિજાપુરઃ છત્તીસગઢનાં બિજાપુરમાં નક્સલી દ્વારા સુરક્ષા દળના જવાનો પર કરાયેલા હુમલામાં કુલ ૨૪ જવાનો શહીદ થયા છે. બિજાપુરના તર્રેમ ખાતે જોનાગુડા પર્વતોની વચ્ચે ૪૦૦થી વધુ નક્સલીઓ દ્વારા ગેરિલા પદ્ધતિથી જવાનોને ટાર્ગેટ કરીને હુમલો કરવામાં આવ્યો હતો. જવાનો ઉપર રોકેટ લોન્ચર, યુજીએનએલ, ઈન્સાસ અને એકે-૪૭ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્રણ કલાક સુધી જવાનો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલ્યું હતું. આ દરમિયાન પાંચ જવાનો શહીદ થયા હતા અને ઘણાને ઈજા થઈ હતી. આ પછી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જવાનોની મદદ માટે રેસ્ક્યૂ ટીમ અને ફોર્સ મોકલવામાં આવી હતી.
ગયા શનિવારે થયેલા આ હુમલામાં કોબરા બટાલિયનના ૯, ડીઆરજીના ૮, એસટીએફના ૬ અને બસ્તરીયા બટાલિયનનો ૧ જવાન શહીદ થયો છે. બીજી તરફ ૩૦ જવાનોને ઈજા થઈ છે. સ્થાનિક સૂત્રોના મતે હજી ૨૧ જવાનો લાપતા હોવાના અહેવાલો છે.
ગેરિલા પદ્ધતિ દ્વારા યુ શેપમાં હુમલો
જોનાગુડા વિસ્તારના જાણકારોએ જણાવ્યું કે, આ વિસ્તાર પહેલેથી જ ગેરિલા વોર ઝોન તરીકે ઓળખાય છે. નક્સલીઓએ જ સ્થાનિકોની મદદથી નક્સલીઓ એક જગ્યાએ જમા થયા હોવાના મેસેજ ફરતા કરીને જવાનોને ગેરમાર્ગે દોર્યા અને પછી હુમલો કરી દીધો. આ વિસ્તારની આસપાસ સર્ચ કરતી બટાલિયનોને ત્યાં જવા આદેશ મળતા બધા ત્યાં પહોંચી ગયા અને યૂ શેપમાં ગોઠવાયેલા નક્સલીઓએ ગેરિલા પદ્ધતિ દ્વારા જવાનો ઉપર હુમલો શરૂ કરી દીધો. ગાઢ જંગલ, પર્વતો અને આસપાસના ગામડાંની સરહદો વચ્ચે જવાનો અટવાયા અને મોટી સંખ્યામાં જાનહાનિ થઈ.
જવાનોનાં કપડાં, હથિયારો, પર્સ પણ નક્સલી લઈ ગયાં
૨૦૦૦થી વધુ જવાનો નક્સલીઓને શોધવા અને ઠાર કરવા નીકળ્યા હતા. સ્થાનિક સૂત્રોના મતે નક્સલીઓએ જવાનોના ગાઢ જંગલમાં પ્રવેશના રસ્તે જ ઘાત લગાવી હતી. જવાનો અંદર આવ્યા એટલે ફાયરિંગ શરૂ કરી દેવાયું. જવાનો ગામ તરફ ગયા તો ત્યાં પણ સંતાયેલા નક્સલીઓએ હુમલો કરી દીધો. આધુનિક હથિયારોને કારણે નક્સલીઓએ ૧૦૦-૧૫૦ મીટર દૂરથી જવાનોને નિશાન બનાવ્યા હતા. નક્સલીઓ દ્વારા સૌથી વધારે બર્બરતા એ પણ કરવામાં આવી કે, કેટલાક કિસ્સામાં જવાનોનાં કપડાં, હથિયારો, જૂતાં અને પર્સ પણ નક્સલીઓ લઈ ગયા છે.
જવાનોએ નક્સલીઓનો ચક્રવ્યૂહ તોડ્યો પણ...
સેટેલાઈટ ઈમેજ દ્વારા આ વિસ્તારમાં હિલચાલ જોવા મળી હતી. જોનાગુડાની આસપાસ સર્ચિંગ કરી રહેલી ટુકડીને તાકીદે જોનાગુડાના પર્વતીય વિસ્તાર તરફ આગળ વધવાના આદેશ અપાયા. જવાનો ત્યાં પહોંચ્યા અને તરત જ તેમની ઉપર મોટાપાયે હુમલો કરવામાં આવ્યો હતો. જવાનોએ નક્સલીઓનું ચક્રવ્યૂહ તોડી કાઢયું પણ ત્રણ કલાકના એન્કાઉન્ટરમાં સુરક્ષા જવાનોને મોટાપાયે નુકસાન ગયું હતું. સ્થાનિકો મુજબ નક્સલીઓ પણ બે ટ્રેક્ટર ભરીને તેમના સાથીઓના મૃતદેહો લઈ ગયા છે.
હુમલા પાછળ મુખ્ય ભેજું હિડમા
કેન્દ્રીય અને રાજ્યની વધારાની ફોર્સ દ્વારા બચાવ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જે ઝીરમ હુમલાના માસ્ટરમાઇન્ડ હિડમાનાં ગામમાં થયો છે. હુમલો કરનારા નક્સલીઓ તેની ટીમના સભ્યો છે. આ ગામમાં ઘણા સમયથી નક્સલીઓ એકઠા થઈ રહ્યા હતા તેની બાતમીને આધારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જે વિસ્તારોમાં જવાનો ઉપર હુમલો થયો તે વિસ્તાર નક્સલીઓનો ગઢ ગણાય છે. આ વિસ્તારનું સુકાન મહિલા નક્સલી સુજાતા પાસે છે. તે ઉપરાંત તેની ઉપર મોટો નક્સલી મિલિટરી કમાન્ડર છે હિડમા. હિડમા આ વિસ્તારના ગેરિલા નક્સલી હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. તે બધા હુમલા ઓપરેટ કરે છે. હિડમા ૪૦ વર્ષનો છે અને ૯૦ના દાયકાથી નક્સલી ગતિવિધિઓમાં જોડાયેલો છે. હિડમાની ટુકડીના નક્સલીઓ પાસે સૌથી ઘાતક હથિયારો છે. તેની ટુકડીમાં ૮૦૦થી વધારે નક્સલીઓ હોય છે. હિડમા ક્યારેક છત્તીસગઢ તો ક્યારેક આંધ્ર તો ક્યારેક તેલંગણામાં ફરતો હોય છે. તેના ઉપર ૪૦ લાખનું ઈનામ પણ જાહેર કરવામાં આવેલું છે.

લાપતા કોબરા કમાન્ડો પોતાના કબજામાં હોવાનો નક્સલીઓનો દાવો

બીજાપુરનાં તર્રેમ વિસ્તારમાં આવેલા જંગલમાં અથડામણ પછી લાપતા થયેલો CRPFનો કમાન્ડો જવાન નક્સલીઓના કબજામાં હોવાનો અજાણ્યા ફોન કોલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. નક્સલીઓએ કેટલાક મીડિયા કર્મચારીઓ અને પત્રકારોને વોટસએપ કોલ કરીને આ માહિતી આપી હતી. ફોન કરનારે તેનું નામ આપવા ઈનકાર કર્યો હતો. નક્સલીઓએ કહ્યું હતું કે લાપતા જવાન અમારા કબજામાં છે. તેને કોઈ પ્રકારનું નુકસાન પહોંચાડવામાં આવશે નહીં. તેને છોડવા અમારી શરતો માનવી પડશે. કોબરા બટાલિયનના આ લાપતા જવાનનું નામ રાકેશ્વરસિંહ મનહાસ છે. કોબરા કમાન્ડો રાકેશ્વરસિંહની પત્ની મીનુએ કહ્યું હતું કે છત્તીસગઢ સરકારે નક્સલીઓની જે કોઈ માગણી છે તે પૂરી કરવી જોઈએ અને મારા પતિને નક્સલીઓના કબજામાંથી છોડાવવા જોઈએ. પીએમ મોદી જે રીતે પાકિસ્તાનના કબજામાંથી અભિનંદનને છોડાવીને લાવ્યા હતા તેવી રીતે સરકાર મારા પતિને નક્સલીઓના કબજામાંથી છોડાવીને લાવે.

દેશમાંથી નક્સલવાદને જડમૂળથી ખતમ કરવામાં આવશે : ગૃહપ્રધાન

બીજાપુરઃ છત્તીસગઢનાં બીજાપુરમાં નક્સલીઓ સાથેનાં એન્કાઉન્ટરમાં ૨૪ જવાનો શહીદ થયાં પછી કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે જવાનોએ આપેલું બલિદાન સર્વોચ્ચ છે તે એળે જશે નહીં. જદગલપુર પહોંચેલા શાહે હાકલ કરી હતી કે દેશમાંથી નક્સલવાદને જડમૂળથી ખતમ કરવામાં આવશે. જવાનોએ દર્શાવેલી શૂરવીરતાને કારણે નક્સલીઓ અને માઓવાદીઓ સાથેની લડાઈ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. આપણે હવે તેને આખરી અંજામ સુધી લઈ જઈશું. શાહે જદગલપુરમાં જવાનોને શ્રદ્ધાંજલિ આપ્યા પછી બીજાપુરનાં બાસાગુડામાં સીઆરપીએફ કેમ્પની મુલાકાત લઈને જવાનો સાથે વાતચીત કરી હતી. શાહે કહ્યું કે જવાનોની શહાદત એળે જશે નહીં. આખો દેશ અને સરકાર જવાનોની સાથે છે. શાહે કેમ્પમાં જવાનો સાથે ભોજન લીધું હતું. તેમણે જવાનોનો જુસ્સો વધાર્યો હતો. શાહે રાયપુરમાં ૪ હોસ્પિટલોની મુલાકાત લીધી હતી અને સારવાર લઈ રહેલા ૩૦ જવાનોને મળ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter