જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે સરકાર એકત્ર કરશે રૂ. ૧ લાખ કરોડ

Tuesday 18th February 2020 09:48 EST
 
 

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના સર્વગ્રાહી વિકાસ માટે પ્રયત્નશીલ ભારત સરકારે હવે રાજ્યના ઔદ્યોગિક વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આ માટે સરકારે એક લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ એકત્રિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ લક્ષ્ય હાંસલ કરવા માટે એપ્રિલમાં જમ્મુ-કાશ્મીરમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ યોજાશે.
મોદી સરકારે જમ્મુ-કાશ્મીરના વિકાસના વાયદા સાથે કલમ ૩૭૦ હટાવી હતી એટલા માટે તે કોઈ કસર બાકી રાખવા માગતી નથી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ નિર્ધારિત લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સરકારે ૬૦૦૦ એકર જમીન પસંદ કરી છે અને ૧૪ મહત્ત્વપૂર્ણ સેક્ટર નક્કી કર્યા છે. રોકાણકારોને જમીન ખરીદી પર સ્ટેમ્પ ડ્યૂટી અને જમીન ઉપયોગ કરમાં ૧૦૦ ટકા મુક્તિ અપાશે. આ ઉપરાંત સરકારે તેમને અવરોધ વિનાની ઈન્ટરનેટ સેવા પણ ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી છે.
અલબત્ત, આ બધી વાતો હજુ પ્રારંભિક પ્રસ્તાવ છે. ગ્લોબલ સમિટમાં અન્ય સુવિધાઓ પર પર ચર્ચાવિચારણા થશે. જેમ કે, જે ક્ષેત્રમાં રોકાણકારો ઉદ્યોગ સ્થાપિત કરવા માગે છે ત્યાંની સ્થાનિક સ્થિતિના આધારે તેમને અન્ય છૂટ આપી શકાય છે. આ ઉપરાંત રાજ્યમાં ઉત્પાદિત ચીજવસ્તુઓ માટે બજાર પણ ઉપલબ્ધ કરાવાશે.

૧૪ સેક્ટરઃ પર્યટનથી લઈ ફિલ્મ ઉદ્યોગ

ભારત સરકારે રાજ્યના સર્વગ્રાહી વિકાસ માટે ૧૪ સેક્ટર પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જેમાં (૧) પર્યટન (૨) કૃષિ (૩) ફૂડ પ્રોસેસિંગ (૪) આઈટી (૫) સ્વાસ્થ્ય, દવાઓ (૬) સ્કિલ ડેવલપમેન્ટ (૭) દૂધ, પોલ્ટ્રી, પશુપાલન (૮) ઈન્ફ્રાસ્ટ્રક્ચર (૯) રિયલ એસ્ટેટ (૧૦) હર્બલ (૧૧) રિન્યુએબલ એનર્જી (૧૨) હસ્તકળા, હસ્તશિલ્પ (૧૩) બાગાયત અને (૧૪) ફિલ્મ ઉદ્યોગનો સમાવેશ થાય છે.

૧૩ સભ્યોની સમિતિ

સરકારે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના આયોજન માટે ૧૩ સભ્યોની સમિતિ બનાવી છે. તેના પ્રમુખપદે જમ્મુ-કાશ્મીરના ચીફ સેક્રેટરી છે. આ ઉપરાંત પાંચ સહાયક સમિતિઓ પણ છે. તેમાં અધિકાર પ્રાપ્ત સમિતિ, સ્વાગત સમિતિ, એક્ઝિબિશન મેનેજમેન્ટ સમિતિ, ટ્રાન્સપોર્ટેશન, સુરક્ષા અને પરિવહન સમિતિ, મીડિયા- પ્રચાર સમિતિ, ટેન્ડર સમિતિનો સમાવેશ થાય છે.
દેશભરમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના પ્રચાર માટે ૫૪ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. પ્રચારનો પ્રારંભ સોમવારે કોલકતાથી થયો છે. તેમાં જુદી જુદી કંપનીઓના ૧૪૦ પ્રતિનિધિ સામેલ થયા હતા. હવે મુંબઈ, હૈદરાબાદ, ચેન્નઈ અને અમદાવાદમાં પ્રચાર થશે.

સરકાર સામે પડકાર

કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વિવિધ ક્ષેત્રે કાર્યરત વેપારી સંગઠનોના જણાવ્યા અનુસાર કલમ ૩૭૦ની નાબૂદ થયા પછી ૧૨૦ દિવસમાં ક્ષેત્રના ઉદ્યોગોને ૧૭,૮૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તેમાં પર્યટન ઉદ્યોગને સૌથી વધુ ૯૧૯૧ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ મોટો પડકાર છે. સ્થાનિક સમુદાયનું માનવું છે કે રાજ્યમાં મોબાઇલ-ઇન્ટરનેટ પર પ્રતિબંધ સહિતના કેટલાક અંકુશાત્મક પગલાંને લીધે રાજ્યના વેપાર-વણજને ભારે નુકસાન થયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter