બસ્તરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીનું પર્વ સુરક્ષા દળના જવાનો સાથે ઉજવ્યું હતું. આ વખતે તેમણે છત્તીસગઢના બસ્તરમાં સુરક્ષા દળના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. સાથે જ બસ્તરમાંથી નક્સલવાદના અંતના વખાણ પણ કર્યા હતા. મોદીએ જવાનો સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે દરેક જવાન મારા પરિવારનો હિસ્સો છે. ત્યાગ અને તપસ્યાથી નક્સલી આતંકનો અંત આવ્યો છે.
બસ્તરમાં સુરક્ષા દળના જવાનો જેવા પહેરવેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાનોને સંબોધ્યા હતા, મોદીએ કહ્યું હતું કે આજે દુનિયાના દરેક ખુણામાં કરોડો ભારતીયો પ્રકાશના પાવન પર્વની ઉજવણી કરી રહ્યા છે. દૂર દૂરથી લોકો પોતાના ઘરે પહોંચ્યા છે. પરિવારજનો સાથે હળવામળવાનો આ એક મોટો મહોત્સવ છે. હું પણ દિવાળીની ઉજવણી કરવા માટે તમારી (જવાનો) વચ્ચે આવ્યો છું. વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે સરહદે અને દેશની અંદર રાષ્ટ્રની સુરક્ષા કરનારા, રાષ્ટ્રના પ્રહરી, મા ભારતીના વીર, આપ તમામ લોકો મારા પરિવારજનો છો. તમે તમામ લોકો મારા પરિવારનો હિસ્સો છો.
મોદીએ કહ્યું હતું કે આ વખતે હું દિવાળી ઉજવવા માટે બસ્તરના જંગલોમાં આવ્યો છું. તમારી વચ્ચે આવ્યો છું. આ એ ભૂમિ છે જ્યાં એક સમયે નક્સલી આતંકનો કેર હતો, જવાનોના ત્યાગ-તપસ્યાના કારણે નક્સલી આતંકનો અંત આવ્યો અને વિકાસની શરૂઆત થઈ. જવાનોના વખાણ કરતા મોદીએ કહ્યું હતું કે આ એક અસાધારણ સફળતા છે. જેનો મોટો શ્રેય જવાનોને જાય છે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 2026ની દિવાળી વિશેષ છે કેમ કે નક્સલવાદ સામેની લડાઈમાં વિજય થયો છે. આ પ્રથમ દિવાળી છે કે જ્યાં દેશના દરેક જિલ્લામાં નક્સલવાદનો અંત આવ્યો છે. કરોડો દેશવાસીઓ નક્સલવાદના ભયને હરાવી ચુક્યા છે. હાલ જંગલોમાંથી તો નક્સલીઓનો સફાયો કરી નખાયો છે પરંતુ દિમાગી નક્સલો આપણી વચ્ચે છૂપાયેલા છે.
‘સમૃદ્વ-વિકસિત ભારતના નિર્માણ માટે આગળ વધીએ’
વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને મહાપર્વ દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા દરેક નાગરિકને સમૃદ્ધ અને વિકસીત ભારતના નિર્માણ માટે નવી ઉર્જા અને પ્રતિબદ્ધતાથી આગળ વધવાની હાકલ કરી હતી. સોશિયલ મીડિયા પરના એક વીડિયો મેસેજમાં વડાપ્રધાને મોદીએ જણાવ્યું હતું કે, દિવાળીની પૂર્વ સંધ્યાએ સમગ્ર દેશ રોશનીથી ઝગમગી ઉઠ્યો છે, જે અંધકાર સામે લડવાના દેશની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. હું તમામ દેશવાસીઓને હૃદયપૂર્વક દિવાળીની શુભેચ્છાઓ પાઠવું છું. આવનારા દિવસો આપ સૌના જીવનમાં શાંતિ, સમૃદ્ધિ તથા આનંદ લાવે તેવી પ્રાર્થના. હું પણ ઉત્સાહપૂર્વક દિવાળીની ઉજવણી કરીશ.
સરકારના જનસંપર્ક પોર્ટલ પર વડાપ્રધાને દિવાળીની ઉજવણીની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, દિવાળીએ અંધકાર પર પ્રકાશના, બુરાઈ પર અચ્છાઈ તથા નિરાશા પર આશાના વિજયનો તહેવાર છે. આ સાથે જ તેમણે આશા વ્યક્ત કરી હતી કે, તહેવારોની આ મોસમ લોકોને ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરવા માટે તથા એકબીજા પ્રત્યે દયાભાવ દાખવવા પ્રેરિત કરશે.


