જીત પછી પણ જીદ જૈસે થેઃ ખેડૂતોએ આંદોલન સમેટવા સરકાર સામે ૬ માગણી મૂકી

Wednesday 24th November 2021 04:22 EST
 
 

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદાને પાછા ખેંચી લેવાની જાહેરાત કરીને માફી માગી હોવા છતાં દિલ્હીની બોર્ડર પર આશરે એક વર્ષથી આંદોલન કરી રહેલા ખેડૂતો નમતું જોખવા તૈયાર નથી અને વધુ માગણીઓ કરી રહ્યાં છે. આમ કૃષિ કાયદા પાછા ખેંચી લેવાના નિર્ણયની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત પછી પણ કિસાન આંદોલન સમેટાઇ જવાની શક્યતા નજીકના ભવિષ્યમાં તો દેખાતી નથી. આ આંદોલનની આગેવાની કરી રહેલા સંયુક્ત કિસાન મોરચાએ પોતાનું વલણ વધુ આક્રમક બનાવીને આંદોલન સમેટવા માટે વધુ છ શરતો મૂકી છે. તેણે એવી ચીમકી પણ ઉચ્ચારી છે કે જો સરકાર ખેડૂતો સાથે આ છ માગણીઓ અંગે ચર્ચા નહિ કરે તો આંદોલન ચાલુ રહેશે.
ખેડૂત મોરચાએ લખેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને લખેલા પત્રમાં કહેવાયું છે કે ‘તમે ખેડૂતોને અપીલ કરી છે કે હવે અમે ઘરે પાછા જઇએ. અમે તમને ભરોસો અપાવવા માગીએ છીએ કે અમને પણ માર્ગો પર બેસવાનો શોખ નથી. અમે પણ ઇચ્છીએ કે આ મુદાઓનો તત્કાળ ઉકેલ આવે અને અમે અમારા ઘરે પહોંચીએ. જો તમે પણ આ જ ઇચ્છો છો તો સરકાર તત્કાળ અમારી સાથે વાર્તા કરે અને તેનો ઉકેલ લાવે.’ મોરચાએ પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ મુદાઓનો ઉકેલ નહિ થાય ત્યાં સુધી આ આંદોલન આવી જ રીતે ચાલતું રહેશે.
અગાઉ રવિવારે સિંધુ બોર્ડર પર સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ)ની બેઠક યોજાઈ હતી અને તેમાં સંખ્યાબંધ નવા કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી હતો. જે અંતર્ગત સોમવારે લખનૌમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરાયું હતું. હવે ૨૪ નવેમ્બર - બુધવારે કિસાન મઝદૂર સંઘર્ષ દિવસ મનાવાશે. તો ૨૬ નવેમ્બર - શુક્રવારે દિલ્હી બોર્ડર પર માર્ચ કરવામાં આવશે અને ૨૮ નવેમ્બર - રવિવારે સંસદ તરફ કૂચ કરાશે. રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે કૃષિ પેદાશોના ટેકાના ભાવ અંગે કાયદો બનાવવાની અને વીજળી કાયદા પાછા ખેંચી લેવાની માગણી પેન્ડિંગ છે.
વડા પ્રધાન મોદીએ પોતાની જાહેરાતમાં આંદોલનકારી ખેડૂતોને આંદોલન સમેટીને ઘેર પરત જવાની અપીલ કરી હોવા છતાં ખેડૂતોએ દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું કે ત્રણ કૃષિ કાયદાને સત્તાવાર રીતે પાછા ખેંચવામાં ન આવે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. ટેકાના ભાવ અંગે કાયદો ઘડવા ઉપરાંત ખેડૂતોએ તેમની સામે થયેલા પોલીસ કેસો પાછા ખેંચવાની માગણી કરી છે.
ખેડૂત નેતાઓ વચ્ચે મતભેદ?
દરમિયાન અહેવાલો એવા પણ આવ્યા હતા કે દિલ્હી સરહદે અત્યાર સુધી ખડે પગે રહીને લડત આપી રહેલા ખેડૂતોની સંખ્યા વડા પ્રધાન મોદીની જાહેરાત પછી ઓછી થઈ ગઈ છે. ખેડૂત નેતાઓ હજુય લડી લેવાના મૂડમાં છે, પરંતુ ખેડૂતોએ વડા પ્રધાનના વાયદા પર વિશ્વાસ મૂકીને આંદોલન જાણે સમેટી લીધું હોય એવા દૃશ્યો દિલ્હી સરહદેથી આવ્યા હતા.
ખેડૂતોના ટેન્ટ ગાઝીપુરમાં લાગેલા છે, પરંતુ એમાંથી ખેડૂતો ઘટવા લાગ્યા છે. અહેવાલો તો એવા ય આવ્યા છે કે ખેડૂત નેતાઓમાં તડા પડયા છે. સંયુક્ત ખેડૂત સંઘના નેતાઓમાં મતભેદો વધ્યા છે. હરિયાણાના ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂ અને રાકેશ ટિકૈત વચ્ચે મતભેદો સપાટી ઉપર આવ્યા છે. એક બેઠકમાં રાકેશ ટિકૈત આવ્યા જ નહીં, તો ગુરનામ સિંહ પણ અધવચ્ચે બેઠક મૂકીને ચાલ્યા ગયા હોવાનો દાવો થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter