ટુ-જી કેસઃ કૌભાંડ રૂ. ૧.૭૬ લાખ કરોડનું, દોષિત એક પણ નહીં!

Friday 22nd December 2017 04:06 EST
 
 

નવી દિલ્હીઃ ભારતભરમાં ગાજેલા ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં ચુકાદો આપતાં સીબીઆઇની વિશેષ કોર્ટે ડીએમકેના એ. રાજા અને કનીમોઝી સહિત તમામ ૧૯ આરોપી-કંપનીને નિર્દોષ જાહેર કર્યા છે. છ વર્ષ પહેલાં ભારતીય રાજકારણમાં તખ્તાપલટ માટે નિમિત્ત બનનારા ટુ-જી સ્પેકટ્રમ કૌભાંડમાં કોઈ ‘કૌભાંડ’ જ ન થયું હોવાનું કહીને કોર્ટે તમામ આરોપીઓને છોડી મૂક્યા છે.
૨૦૧૦માં તત્કાલીન કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (‘કેગ’) વિનોદ રાયે જેને ૧.૭૬ લાખ કરોડ રૂપિયાનું ‘મહાકૌભાંડ’ ગણાવ્યું હતું તેમાં તમામ આરોપીઓને છોડી મૂકાતાં યુપીએ સરકારના સાથી પક્ષોમાં ખુશી છવાઈ ગઈ છે. જ્યારે ભ્રષ્ટાચારવિરોધી લડતનો કોલ આપીને સત્તામાં આવનારી ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર બેકફૂટ પર આવી ગઈ છે. ન્યાયાધીશ ઓ. પી. સૈનીની સીબીઆઈ સ્પેશ્યલ કોર્ટે મનમોહન સિંહ સરકારમાં ટુ-જી સ્પેકટ્રમની વહેંચણીમાં ગોટાળો ન થયાનું ૨૧ ડિસેમ્બરે - ગુરુવારે પોતાના આદેશમાં કહ્યું હતું. આ કૌભાંડમાં તત્કાલીન ટેલિકોમ પ્રધાન એ. રાજા અને ડીએમકેના સાંસદ કનીમોઝી સહિત ઉપરાંત ૧૭ આરોપીઓ તેમજ કંપનીઓ સામે છ વર્ષ પહેલાં ચાર્જશીટ ઘડવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે ‘કેગ’ વિનોદ રાયના અહેવાલ પછી ભાજપના નેતા સુબ્રમણ્યમ્ સ્વામીએ કરેલી અરજીના આધારે તમામ ટુ-જી લાઈસન્સ રદ કરી નાખ્યાં હતાં. આરોપીઓ સામે સીબીઆઇ સાથે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ પણ કેસ દાખલ કર્યો હતો. સીબીઆઇએ ૨૦૧૧માં કનીમોઝી અને રાજા સાથે ૧૯ જણ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. સીબીઆઇ અને ઇડીએ તેના આરોપનામામાં કહ્યું હતું કે, ટુ-જી સ્પેક્ટ્રમમાં છેતરપિંડી કરવામાં આવી છે. ૧૨૨ લાઇસન્સ જારી કરવામાં સરકારને રૂપિયા ૩૦,૯૮૪ કરોડનું નુકસાન થયું હતું. સુપ્રીમ કોર્ટે બીજી ફેબ્રુઆરી ૨૦૧૨ના રોજ તમામ લાઇસન્સ રદ કરી દીધાં હતાં.
જોકે, સીબીઆઇ કોર્ટના જજ સૈનીએ ગુરુવારે ચુકાદો આપતાં સીબીઆઇની આકરી ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે, તપાસ એજન્સીએ કેસમાં ખોટું તથ્ય જોયું છે. ‘આરોપીઓ કોઈ અપરાધ કર્યો હોય તેવા કોઈ પુરાવા તપાસ એજન્સી આપી શકી નથી. સીબીઆઇએ જે ચાર્જશીટ મુકી છે તેમાં તથ્ય નથી. રાજાને સંડોવતા કોઈ પુરાવા પણ તપાસ એજન્સી આપી શકી નથી.’ તેમ કહીને જજે કહ્યું કે, ‘કોઈ પણ મુદ્દાને સમજી ન શકવાની ક્ષમતાને કારણે જેમાં કશું હતું નહીં તેને મહાકૌભાંડ માની લેવામાં આવ્યું છે.’

કોણ અપરાધી હતું, કોણ નિર્દોષ છૂટ્યું?

ટુ-જી સ્કેમ કેસમાં જેમને નિર્દોષ જાહેર કરાયા છે તેમાં પૂર્વ પ્રધાન એ. રાજા અને ડીએમકેના સાંસદ કનીમોઝી ઉપરાંત તત્કાલીન ટેલિકોમ સેક્રેટરી સિદ્ધાર્થ બેહુરા, રાજાના પૂર્વ પ્રાઈવેટ સેક્રેટરી આર. કે. ચાંદોલિયા, સ્વાન ટેલિકોમના પ્રમોટર્સ ઉસ્માન બલવા અને વિનોદ ગોએન્કા, યુનિટેક લિમિટેડના એમ.ડી. સંજય ચંદ્રા અને રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી (RADAG)ના ટોચના એક્ઝિક્યુટિવ ગૌતમ દોશી, સુરેન્દ્ર પીપારા અને હરિ નાયરનો સમાવેશ થાય છે. ક્યુસેગાંવ ફ્રુટ્સ એન્ડ વેજિટેબલ્સ પ્રાઈવેટ લિ.ના આસિફ બલવા અને રાજીવ અગ્રવાલ. કલાઈગ્નાર ટીવીના ડિરેક્ટર શરદ કુમાર અને બોલિવૂડના પ્રોડ્યુસર કરીમ મોરાનીને પણ આ કેસમાં નિર્દોષ છોડાયા છે. આ ઉપરાંત, ત્રણ ટેલિકોમ કંપની સ્વાન ટેલિકોમ પ્રાઈવેટ લિમિટેડ, રિલાયન્સ ટેલિકોમ લિમિટેડ અને યુનિટેક વાયરલેસ (તામિલનાડુ) લિમિટેડને પણ ક્લીન ચિટ મળી છે.

સાત વર્ષ રાહ જોઇ પણ...

સીબીઆઈ જજ સૈનીએ ૧૫૫૨ પાનાના ચુકાદામાં કહ્યું હતું કે, હું સાત વર્ષથી એક પણ રજા લીધા વિના સવારે દસથી સાંજે પાંચ સુધી કેસની સુનાવણી હાથ ધરતો હતો. શનિ-રવિવારે રજાના દિવસોમાં પણ કોર્ટ ચાલુ રાખી હતી. છતાં એક પણ વ્યક્તિ કેસના સંદર્ભમાં કોઇ પુરાવો લઈને મારી પાસે આવી નથી. કોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે, બધાએ હોહા મચાવી, પણ ફરિયાદીના વકીલ આરોપીઓ સામેના કોઈ પણ આરોપોને સાબિત કરવામાં નિષ્ફ્ળ ગયા છે. મને એમ હતું કે કોઈ પુરાવા લઈને મારી પાસે આવશે પણ તમામ લોકો અફવા, વાતચીત અને અટકળો દ્વારા સર્જાયેલી જાહેર વાતો અને ટિપ્પણીઓને ધ્યાનમાં લઈને જ ચાલી રહ્યાં હતાં. આવી ધડમાથા વિનાની દલીલો કોર્ટમાં ટકી શકે નહીં.
સૈનીએ કહ્યું કે, તત્કાલીન ટેલિકોમપ્રધાન રાજાએ તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહને ગેરમાર્ગે દોર્યા હોવાના કોઈ નક્કર પુરાવા રજૂ કરાયા નથી. વડા પ્રધાન કાર્યાલયની કોઈ વ્યક્તિને કોર્ટમાં સાક્ષી તરીકે રજૂ કરાઈ નથી કે કોર્ટમાં કોઈ પ્રોસેસિંગ નોટ રજૂ કરાઈ નથી. આ પછી એવું કેવી રીતે કહી શકાય કે તત્કાલીન વડા પ્રધાનને ગેરમાર્ગે દોરાયા હતા કે ખોટી હકીકતો છુપાવાઇ હતી.

ગોટાળા માટે અધિકારીઓ જવાબદાર

કોર્ટનું તારણ હતું કે આ સમગ્ર ગોટાળા માટે ટેલિકોમ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જવાબદાર છે, જ્યારે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જ ખાતાની ગાઇડલાઇન્સને સમજી શક્યા નથી અને આડેધડ નિર્ણયો લે છે ત્યારે તમે ગાઇડલાઇન્સનો ભંગ કરવા માટે કંપનીઓ કે અન્યો પર કેવી રીતે આક્ષેપો કરી શકો?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter