નવી દિલ્હી, વોશિંગ્ટનઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ‘મિત્ર દેશ’ ભારત પર 25 ટકા ટેરિફ અને રશિયા પાસેથી ઓઇલ ખરીદવા બદલ પેનલ્ટી લાદવાની જાહેરાત કરી ચૂક્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભારત સરકારે પણ આ મામલે નમતું નહીં ઝૂકવાનો દૃઢ નિર્ધાર કર્યો છે.
ભારતે સોઇ ઝાટકીને કહી દીધું છે ટ્રેડ ડીલથી લઇને ટેરિફ સહિતની તમામ નીતિગત બાબતોમાં રાષ્ટ્રહિત સર્વોપરી રહેશે. આજના વિશ્વમાં કોઇ એક દેશની દબાણભરી નીતિને સ્થાન નથી. ભારત વિશાળ દેશ છે, અને તેની જરૂરત પણ વ્યાપક છે ત્યારે તે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ જ રાખશે. ખુદ અમેરિકા અને યુરોપિયન યુનિયન (ઇયુ) પણ રશિયા પાસેથી યુરેનિયમથી લઇને ખાતર તથા વિવિધ કેમિકલ્સનો જથ્થો જંગી માત્રામાં ખરીદી રહ્યા હોય છે ત્યારે ભારતને નિશાન બનાવવું અતાર્કિક અને અન્યાયી છે.
ભારત સરકારના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કર્યું હતું, જેમાં અમેરિકા ને ઇયુ દ્વારા કેટલી ખરીદી થાય છે તેની આંકડાઓ સાથે રજૂઆત કરવામાં આવી છે. ભારત સરકારના નમતું નહીં જોખવાના આ અભિગમથી ગિન્નાયેલા પ્રમુખ ટ્રમ્પે સોમવારે ફરી ચેતવણી ઉચ્ચારી હતી કે તે ભારત પર હજુ પણ વધુ ટેરિફ લાદી શકે છે.
ઉલ્લેખનીય છે કે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ મુદ્દે લાંબા સમયથી મંત્રણા ચાલી રહી છે. અંતિમ તબક્કામાં પહોંચેલી આ વાટાઘાટો કોઇ નક્કર નિષ્કર્ષ પર પહોંચે તે પહેલાં જ પ્રેસિડન્ટ ટ્રમ્પે 30 જુલાઇએ એકાએક જ ભારત પર 25 ટકા ટેરિફ અને રશિયા સાથે વેપાર કરવા બદલ પેનલ્ટી લાદવાની જાહેરાત કરી દીધી હતી. અગાઉ તેમણે પહેલી ઓગસ્ટથી જ આ નિર્ણયનો અમલ શરૂ થઇ જવાની જાહેરાત કરી હતી, પરંતુ બાદમાં આ નિર્ણયનો અમલ 7 ઓગસ્ટ સુધી મુલત્વી રાખ્યો હતો.
ભારત-રશિયા ‘ડેડ’ ઇકોનોમી
ટેરિફ જાહેર કર્યાના બીજા જ દિવસે પ્રેસિડન્ટ ટ્રમ્પે સોશિયલ મીડિયા ટ્રુથ પર ભારત અને રશિયાની ઇકોનોમીને ‘ડેડ’ ગણાવતાં કહ્યું હતું કે ભારતને પણ રશિયાની સાથે જોડાઇને ડૂબવું જ હોય તો તેને કોઇ અટકાવી શકે નહીં. આમ પણ ભારતના ટેરિફ વિશ્વમાં સૌથી ઊંચા છે, જેના લીધે અમેરિકાને ભારત સાથેના વેપાર સંબંધથી ખાસ લાભ થતો નથી.
પાકિસ્તાનને ખોળે બેસાડ્યું
‘મિત્ર દેશ’ ભારત પ્રત્યે આવો આક્રમક અને અક્કડ અભિગમ અપનાવવાની સાથે સાથે જ પ્રેસિડન્ટ ટ્રમ્પે આશ્ચર્યજનક પગલું ભરતાં પાકિસ્તાન સાથે ટ્રેડ ડીલની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું અમેરિકા આગામી દિવસોમાં પાકિસ્તાનમાં જંગી મૂડીરોકાણ કરશે અને તેને ઓઇલ ડિસ્કવરીમાં મદદરૂપ બનશે. તેમણે આ જાહેરાત કરતાં એમ પણ કહ્યું હતું કે સંભવ છે કે એક દિવસ ભારત પણ પાકિસ્તાન પાસેથી ઓઇલ ખરીદતું હશે.
ટ્રમ્પના દાવામાં કેટલો દમ?
રાજદ્વારી વિવેચકોથી લઇ આર્થિક નિષ્ણાતો ટ્રમ્પના નિવેદનો અને અભિગમને દબાણની રાજનીતિ તરીકે નિહાળે છે. વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પની આ નીતિ જોકે ભારતના કિસ્સામાં તો સફળ થાય તેવું લાગતું નથી. આજે ભારત વિશ્વમાં એક મજબૂત અર્થતંત્ર બનીને ઉભરી રહ્યું છે. અમેરિકા આર્થિક મહાસત્તા જરૂર છે, પરંતુ ભારતના વિશાળ બજાર અને તેની પ્રચંડ ખરીદશક્તિને નજરઅંદાજ કરવાનું કોઇના પણ માટે શક્ય નથી. આજે ભારત વિશ્વનું ચોથા ક્રમનું અર્થતંત્ર ધરાવતો દેશ છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકે તેમ છે.
ગ્લોબલ રેટિંગ એજન્સીઓની નજરે ભારતીય અર્થતંત્રની વિકાસકૂચ (વિશેષ અહેવાલ - પાન 18)