નવી દિલ્હીઃ ભારત અને યુએસ વચ્ચે લાંબા સમયથી અટવાયેલી ટ્રેડ ડીલ મુદ્દે સહમતિ સધાઈ ગઈ છે. ટેરિફ મામલે રાજકીય અને આર્થિક ઉતાર-ચઢાવ વચ્ચે બંને દેશના સંબંધોમાં કડવાશ આવી રહી હતી, પરંતુ છેવટે સૌ સારા વાનાં થઇ રહ્યાં હોય તેવું અત્યારે તો લાગે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર થયેલી વાતચીત બાદ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો ટેરિફ 50 ટકાથી ઘટાડીને સીધો 18 ટકા કરી દેવાની જાહેરાત કરી છે.
ટ્રમ્પે સોમવારે ટેરિફ ડીલ બાબતે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, ભારતે ટેરિફ અને નોન-ટેરિફના નિયંત્રણો હળવા કરી યુએસ પર શૂન્ય ટેરિફ લાગુ કરવાની પહેલ કરી છે. ભારત-યુએસ વચ્ચે ટ્રેડ ડીલ ટૂંક સમયમાં થઈ જશે.
મોદી સાથે ટેલિફોનિક વાતચીત સંદર્ભે માહિતી આપતા ટ્રમ્પે કહ્યું હતું કે, રશિયા-યુક્રેન યુદ્ધ પૂરું કરવા બાબતે પણ ચર્ચા થઈ હતી. મોદી રશિયન ઓઈલની ખરીદી બંધ કરવા સંમત થયા છે અને તેઓ યુએસ પાસેથી સંભવતઃ વેનેઝુએલા પાસેથી વધુ ક્રૂડ ખરીદવા સંમત થયા હતા. તેના કારણે રોજ હજારો લોકોને ભરખી રહેલું યુક્રેન યુદ્ધ પણ પૂરું થશે.
વડાપ્રધાન મોદી સાથે વેપાર અને અન્ય મુદ્દાઓ પર સોમવારે ટેલિફોન પર વાતચીત કર્યાના થોડાક કલાક બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર આ જાહેરાત કરતા લખ્યું હતું કે, વડાપ્રધાન મોદી સાથે વાત કરવી મારા માટે સન્માનની વાત હતી. તેઓ મારા શ્રેષ્ઠ મિત્રોમાંના એક છે અને પોતાના દેશના એક શક્તિશાળી અને સન્માનિત નેતા છે. અમારી વાતચીતમાં વેપારની સાથે રશિયા-યુક્રેન યુદ્ધ જેવા મુદ્દા પણ સામેલ હતા.
ટ્રમ્પે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા પાસેથી ખનીજ તેલ ખરીદવાનું બંધ કરવા અને અમેરિકા તેમજ સંભવિત રીતે વેનેઝુએલા પાસેથી વધુ ક્રૂડ ખરીદવા માટે સંમત થયા છે. ટ્રમ્પના મતે, તેનાથી યુક્રેન યુદ્ધ ખતમ કરવામાં મદદ મળશે. તેમણે લખ્યું કે પીએમ મોદીએ ‘બાય અમેરિકન’ નીતિ હેઠળ અમેરિકા પાસેથી ઉર્જા, ટેકનોલોજી, કૃષિ, કોલસો અને અન્ય ઉત્પાદનોની 500 બિલિયન ડોલરથી વધુની ખરીદી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
અમે જે બોલીએ છીએ તે કરીએ છીએઃ ટ્રમ્પ
ભારત 500 બિલિયન ડોલરના ખર્ચે યુએસ પાસેથી એનર્જી, ટેકનોલોજી, એગ્રીકલ્ચર, કોલસા સહિત ઘણાં ઉત્પાદનો ખરીદશે. જોકે તેના કરતાં ઘણાં મોટા પ્રમાણમાં અમેરિકન ઉત્પાદનો ખરીદવા માટે મોદી સંમત થયા હોવાનું પણ ટ્રમ્પે કહ્યું હતું. ભારત સાથેના અદભૂત સંબંધો હવે વધારે મજબૂત બનીને આગળ વધશે. હું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા લોકો છીએ, જેઓ કહે છે તેવું કરે છે, જ્યારે મોટાભાગના લોકો તેવા નથી.
વૈશ્વિક શાંતિ-સ્થિરતા માટે ટ્રમ્પનું નેતૃત્વ જરૂરી: મોદી
બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટેરિફ ઘટાડવાના નિર્ણયને આવકારતા એક્સ પોસ્ટમાં કહ્યું હતું કે, મેડ ઈન ઈન્ડિયા ઉત્પાદનો પર હવે ઘટાડેલો 18 ટકા ટેરિફ દર લાગશે. આ અદભૂત જાહેરાત માટે 140 કરોડ ભારતીયો તરફથી પ્રમુખ ટ્રમ્પનો ખૂબ-ખૂબ આભાર.
વડાપ્રધાન મોદીએ પોતાની પ્રતિક્રિયામાં કહ્યું હતું કે, બે મોટા અર્થતંત્રો અને વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશો સાથે મળીને કામ કરશે. તેનાથી બંને દેશના લોકોને લાભ થશે અને પરસ્પર લાભદાયી હોય તેવી સંખ્યાબંધ તકોના દરવાજા ખુલશે. વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે પ્રમુખ ટ્રમ્પનું નેતૃત્વ અત્યંત જરૂરી છે. તેમણે વધુમાં લખ્યું હતું કે શાંતિ માટેના તેમના પ્રયાસોનું ભારત સંપૂર્ણ સમર્થન કરે છે. તેમની સાથે અત્યંત નિકટતાથી કામ કરવા અને અમારી ભાગીદારીને અભૂતપૂર્વ ઊંચાઈએ લઈ જવા હું આતુર છું.


