ટ્રિપલ તલાક કેસ બંધારણીય બેન્ચને સોંપાયોઃ ૧૧ મેથી રોજ સુનાવણી

Friday 31st March 2017 03:58 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતની સર્વોચ્ચ અદાલતે ટ્રિપલ તલાક કેસમાં ચાલી રહેલી સુનાવણીમાં મહત્ત્વનો આદેશ કરતાં આ કેસ સુનાવણી માટે પાંચ જજોની બંધારણીય બેન્ચને સોંપ્યો છે. ૧૧ મેથી કેસની નિયમિત સુનાવણી થશે. કેસની સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ખેહરે જણાવ્યું હતું કે કેસની સંવેદનશીલતાને ધ્યાને લઇને ૧૧ મેથી દરરોજ સુનાવણી કરવાનો નિર્ણય લેવાયો છે.

પાંચ સભ્યોની બેન્ચ મુસ્લિમ સમુદાયની ટ્રિપલ તલાક, નિકાહ, હલાલા અને બહુપત્નીત્વ જેવી પ્રવર્તમાન પ્રથાઓની બંધારણીય અને કાયદેસરની યોગ્યતા તપાસાશે. ૧૧ મેથી સતત ચાર દિવસ માટે સુનાવણી હાથ ધરવાનું નક્કી કરાયું છે. અલબત્ત, મુસ્લિમ બોર્ડના કાયદા હેઠળ કોર્ટ તેના પર નજર રાખશે કે કેમ તે અંગે બંધારણીય બેન્ચ કોઈ નિર્ણય લેશે નહીં.

કોર્ટે કહ્યું હતું કે ટ્રિપલ તલાક સામે કરવામાં આવેલી અરજીઓ પર પાંચ જજની બંધારણીય બેન્ચ મે મહિનામાં સુનાવણી હાથ ધરશે. કોર્ટ દ્વારા ટ્રિપલ તલાકના તમામ પાસાંઓ તેમજ તેની કાનૂની યોગ્યતા પર જ વિચાર કરાશે. કોર્ટે કહ્યું કે આ મામલો ઘણો ગંભીર છે તેથી તેને ટાળી શકાય નહીં.

ભારત સરકારે ગુરુવારે સુનાવણી વખતે કોર્ટ સમક્ષ ટ્રિપલ તલાકને લગતા કેટલાક મુદ્દા રજૂ કર્યા હતા. ભારત સરકાર ઉપરાંત અન્ય પક્ષકારોએ પણ કેટલાક મુદ્દા રજૂ કર્યા હતા. કોર્ટે તેમને ૩૦ માર્ચ સુધીમાં આ તમામ વિગતો લેખિતમાં એટર્ની જનરલ સમક્ષ રજૂ કરવા કહ્યું હતું.

કોર્ટ સમક્ષ ચાર સવાલ

ચીફ જસ્ટીસ ખેહરે કહ્યું હતું કે આ કેસમાં ફક્ત કાનૂની બાબતો પર જ સુનાવણી કરવામાં આવશે. તમામ પક્ષકારોના એક એક શબ્દ પર કોર્ટ વિચાર કરશે. કોર્ટ આ મામલે કાયદાની ઉપરવટ કે કાયદાની જોગવાઈથી અલગ જઈ શકે નહીં. ગુરુવારે ભારત સરકાર દ્વારા કોર્ટ સમક્ષ નીચે જણાવેલા ૪ સવાલો રજૂ કરવામાં આવ્યા હતા.

૧) ધાર્મિક સ્વતંત્રતાના અધિકારની જેમ ટ્રિપલ તલાક, નિકાહ, હલાલા અને બહુપત્નીત્વની બંધારણીય રીતે છૂટ આપી શકાય કે નહીં?

૨) સમાનતાનો અધિકાર, ગૌરવ સાથે જીવવાનો અધિકાર અને ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં કોને પ્રાધાન્ય આપી શકાય?

૩) પર્સનલ લો બંધારણના અનુચ્છેદ ૧૩ હેઠળ કાયદો ગણી શકાય કે નહીં?

૪) શું ટ્રિપલ તલાક, નિકાહ હલાલા અને બહુપત્નીત્વ આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ યોગ્ય છે? ભારતે આના પર હસ્તાક્ષર કર્યાં છે?

કયા મુદ્દા ધ્યાને લેવા તે કોર્ટ નક્કી કરશે

ભારત સરકાર ઉપરાંત આ મામલે કેટલાક પક્ષકારોએ તેમના સવાલ રજૂ કર્યા હતા. આ સવાલોને ફરીથી ફ્રેમ કરવામાં આવશે. કારણ કે કોર્ટે તમામ પક્ષકારોને તેમના સવાલો ૩૦ માર્ચ સુધીમાં એટર્ની જનરલને આપવા કહ્યું હતું. કોર્ટે આમાંથી કયા મુદ્દા ધ્યાનમાં લેવા તે પછીથી નક્કી કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter