તમે ભારતથી દૂર છો, પરંતુ ભારતની આકાંક્ષાઓ તમારી સાથે છે

Wednesday 02nd July 2025 05:42 EDT
 
 

વોશિંગ્ટન: ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી, અંતરિક્ષમાં અવકાશયાત્રીઓને થતી મસલ્સ લોસ (શરીરના સાંધા અને હાડકાં નબળા પડી જવાં) સંબંધી છે. આઈએસએસમાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કરનારા શુભાંશુ શુકલા પહેલા ભારતીય અવકાશયાત્રી છે.
માઇક્રોઅલ્ગીના પ્રયોગોનાં પરિણામ ભારતના મહત્વાકાંક્ષી ગગનયાન પ્રોજેક્ટ માટે બહુ ઉપયોગી બની શકે છે. એક્ઝિઓમ સ્પેસનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી છે કે અમારા ચારેય અવકાશયાત્રીઓએ તેમની વૈજ્ઞાનિક પ્રયોગોની સંશોધનાત્મક કામગીરી શરૂ કરી દીધી છે. શુભાંશુ શુકલાને ઈસરો દ્વારા સાત પ્રકારનાં વૈજ્ઞાનિક પરીક્ષણો અપાયાં છે. છે. શુભાશુ શુકલાએ માઇક્રોઅલ્ગી (સ્વચ્છ પાણીમાં અને સમુદ્રમાં જોવા મળતા અતિ સુક્ષ્મ જીવ શેવાળના નામે ઓળખતા આ જીવ દેખાવમાં જળની વનસ્પતિ જેવો લાગે છે) પર પ્રયોગો શરૂ કરી દીધા છે. માઈક્રોઅલ્ગી પરના વૈજ્ઞાનિક પરીક્ષણોનાં પરિણામ ભારતના પહેલા ગગનયાન પ્રોજેક્ટ માટે બહુ ઉપયોગી બની શકે છે. ગગનયાન ભારતના અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં મોકલવાનો પહેલો પ્રોજેક્ટ છે. માઇક્રોઅલ્ગી ગગનયાનના અવકાશયાત્રીઓ માટે પોષણયુક્ત આહાર અને જીવન રક્ષક સુવિધા બની શકે છે. સાથોસાથ તેના ઉપયોગ ગગનયાનના જરૂરી ઈધણ તરીકે પણ થઇ શકે છે. શુભાંશુ શુકલાના માઈક્રોઅલ્ગી પરના પ્રયોગના પરિણામ ઈસરોને મોકલવામાં આવશે. ઇસરો આ જ પરિણામોના આધારે ગગનયાનના અવકાશયાત્રી માટેની જીવન રક્ષક સુવિધા, આહાર સહિત ગગનયાનના ઈંધણ વિશે આયોજન થઇ શકશે.
નમસ્કાર મેરે પ્યારે દેશવાસીઓ...
વોટ એ રાઇડ . નમસ્કાર મેરે પ્યારે દેશવાસીઓ. આપણે બરાબર 40 વર્ષ બાદ અંતરિક્ષમાં પુનઃ આગમન કર્યું છે. ખરેખર આ અંતરિક્ષયાત્રા અદભુત છે. અમે અત્યારે 7.5 કિલોમીટર (પ્રતિ સેકન્ડ)ની ગતિએ પૃથ્વીના વિરાટ ગોળા ફરતે ગોળ ગોળ પ્રદક્ષિણા કરી રહ્યા છીએ. ભારતના અવકાશયાત્રી શુભાંશુ શુકલાએ 25 જૂને અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટર (ફ્લોરિડા) પરથી વહેલી સવારે 2:31 વાગે ગ્રેસ કેપ્સુલ (સ્પેસ એક્સના ડ્રેગન કેપ્સુલનું નવું નામ)માં બેસીને અફાટ અંતરિક્ષમાં વિરાટ છલાંગ લગાવી તેની બરાબર 10 મિનિટ બાદ આવો શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો.
શુભાંશુ શુકલા નાસા - એકઝિઓમ -4 મિશનના હિસ્સારૂપે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ગયા છે. 2025ની 25 જૂન, બુધવાર, ભારતીય અંતરિક્ષ સંશોધનના ઇતિહાસનો બીજો સુવર્ણ પ્રસંગ સાબિત થયો છે. આજથી બરાબર 41 વર્ષ પહેલાં 1984ની 3, એપ્રિલે ભારતીય હવાઇ દળના વિંગ કમાન્ડર રાકેશ શર્મા સોવિયેત સંઘના સોયુઝ- ટી -11 અવકાશયાનમાં બેસીને અંતરિક્ષ યાત્રાએ ગયા હતા. આમ રાકેશ શર્મા પૃથ્વી બહાર જનારા ભારતના પહેલા અવકાશયાત્રી છે. હવે એરફોર્સના ગ્રુપ કમાન્ડર શુભાંશુ શુકલા અંતરિક્ષયાત્રાએ જનારા બીજા ભારતીય અવકાશયાત્રી બન્યા છે. જોકે શુભાંશુ શુકલા આઇએસએસમાં જનારા પહેલા ભારતીય અવકાશયાત્રી બન્યા છે તે ગૌરવરૂપ છે.
‘નાસા’-ઇસરોનો સહયોગ
એકઝિઓમ-4 મિશનમાં ભારતની ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)નું પણ મહત્વનું યોગદાન છે. આઇએસએસ માટેના એક્ઝિઓમ-4 મિશનના વિશિષ્ટ કાર્યક્રમમાં અમેરિકાની નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા), એક્ઝિઓમ સ્પેસ, યુરોપિયન સ્પેસ એજન્સી (ઇએસએ), ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) જોડાયેલાં છે. અગાઉ જોકે આ જ મિશન ટેકનિકલ ખામીને કારણે ચાર વખત મોકૂફ રહ્યું હતું. મૂળ કાર્યક્રમ મુજબ આ મિશન 29 મેના રોજ એ રવાના થવાનું હતું. જોકે ફાલ્કન રોકેટમાં લિક્વિડ ઓક્સિજનનું ગળતર થતું હોવાનું જાણવા મળ્યું હોવાથી મિશનના કાર્યક્રમમાં 8,10,11, જૂન એમ ચાર વખત ફેરફાર થયો હતો.
શુભાંશુ શુક્લા ગ્રેસ કેપ્સ્યુલના પાયલટ
ભારતના શુભાંશુ શુકલા સાથે નાસાના અવકાશયાત્રી અને નાસા- એક્ઝિઓમ-4 મિશનના કમાન્ડર પેગ્ગી વ્હાઇટસન(અમેરિકા), ટાઇબોર કાપુ(હંગેરી), સ્લાવોસ્ઝ ઉઝ્નાન્સ્કી - વિસ્નેવ્સકી(પોલેન્ડ) પણ છે. શુભાંશુ શુકલા ગ્રેસ કેપ્સુલના પાયલોટ તરીકે મહત્વની ફરજ બજાવવાના છે. એટલે કે ગ્રેસ અવકાશયાનનું સમગ્ર ટેકનિકલ સંચાલન શુભાંશુ શુકલા કરવાના છે એ ભારત માટે ગૌરવરૂપ છે.
ચારેય અવકાશયાત્રીઓ પૃથ્વીથી અંતરિક્ષમાં 28કલાકનો પ્રવાસ કરીને 400 કિલોમીટરનું અંતર પૂરું કરીને 26 જૂને સ્પેસ સ્ટેશન પહોંચ્યા હતા.

ઉડાન બાદ માતા-પિતા ભાવુક થયાં
શુભાંશુના માતા-પિતાએ લખનઉમાં આ લોન્ચિંગ લાઈવ નિહાળ્યું હતું. તે સમયે તેમની આંખો કહી રહી હતી કે આ તેમના માટે કેટલી મોટી વાત છે? શુભાંશુના માતા આશા શુકલાએ લોન્ચિંગ દરમિયાન પ્રાર્થનાની મુદ્રામાં હાથ જોડેલા હતા અને સફળ લોન્ચિંગ બાદ તેમની આંખોમાં હર્ષના આંસું હતા. તેઓ હરખભેર પરિવારજનોને ભેટી પડ્યા હતા. લોન્ચિંગની થોડી મિનિટો બાદ તેમણે ચહેરા પર સ્મિત સાથે કહ્યું કે, તેઓ તેમના દીકરાને શુભકામનાઓ પાઠવે છે કે જે હવે અવકાશમાં જનાર બીજા ભારતીય છે. આંખોમાં આંસું અંગે તેમણે કહ્યું કે, બધું બરાબર છે. આ તો ખુશીના આંસું છે. પિતા શંભુ દયાલ શુક્લાએ કહ્યું કે, બહુ સારું લાગી રહ્યું છે. આ બધું ઉપરવાળાના આશીર્વાદ છે. શુભાંશુની બહેન શૂચિ મિશ્રાએ જણાવ્યું હતું કે, આ ખૂબ ભાવુક પળ હતી. મારી પાસે શબ્દો નથી. અમે ઘણા ખુશ છીએ કે પહેલું સ્ટેજ સરસ રીતે પાર પડી ગયું પણ આ તો શરૂઆત છે, હજુ ઘણું બધું બાકી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter