મુંબઇ, નવી દિલ્હીઃ મુંબઇ પર 26/11ના આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાનું લાંબા કાનૂની જંગ બાદ અમેરિકાથી ભારત પ્રત્યર્પણ થયાના ગણતરીના કલાકોમાં ભારતની તપાસનીશ એજન્સીઓએ વધુ એક મહત્ત્વની સફળતા મેળવી છે. ભારતીય તપાસનીશ એજન્સીઓની રજૂઆતના પગલે બેલ્જિયમ સરકારે કરોડો રૂપિયાનું આર્થિક કૌભાંડ આચરીને નાસતાફરતા હીરાના વેપારી મેહુલ ચોકસીની ધરપકડ કરી છે. એક સમયે ભારતના ઝવેરી બજારમાં જેના નામના સિક્કા પડતા હતા તેવા મેહુલ ચોકસી સામે દેશની જાહેર ક્ષેત્રની બેન્ક પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે 13,850 કરોડ રૂપિયાનું ફ્રોડ આચરવાનો ગંભીર ગુનો નોંધાયો છે. અને છેલ્લા કેટલાય વર્ષોથી તે ભારત છોડીને નાસતો ફરે છે.
મેહુલ ચોકસી તેની પત્ની પ્રીતિ સાથે બેલ્જિયમમાં રહેતો હોવાની જાણ ભારત સરકારને ગયા મહિને થઇ હતી. પત્નીની સિટીઝનશિપના આધારે બેલ્જિયમનું નાગરિકત્વ મેળવનાર મેહુલ અહીંથી સ્વિત્ઝર્લેન્ડ નાસી જવાની ફિરાકમાં હોવાની માહિતી મળતાં જ તપાસ એજન્સીઓ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સક્રિય થઇ હતી. ભારત સરકારે તેના પ્રત્યર્પણ માટે બેલ્જિયમ સરકાર સમક્ષ માગ કરતાં બેલ્જિયન પોલીસે શનિવારે તેની ધરપકડ કરી છે. અગાઉ આ કેસમાં તેના ભાણેજ નિરવ મોદીની લંડનમાં ધરપકડ કરાઇ છે, અને હાલ તે લંડનની જેલમાં છે.
કાયદાના સકંજામાં સપડાયેલો મેહુલ ચોક્સી પણ ભાણેજ નિરવ મોદીની જેમ કાનૂની જંગ ખેલી શકે છે, પરંતુ નિષ્ણાતો માને છે કે ગમેતેવા કાનૂની દાવપેચ છતાં મેહુલનું પ્રત્યર્પણ અટકે તેવી કોઇ શક્યતા નથી. (વિશેષ અહેવાલ વાંચો પાન 16 અને 17)