તાજમહેલ સૌથી પસંદગીનું જોવાલાયક સ્થળ

Tuesday 04th October 2022 04:35 EDT
 
 

નવી દિલ્હી: યૂનેસ્કોના વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ તાજમહેલે 2021-22માં સ્થાનિક પર્યટકો માટેના 10 સૌથી લોકપ્રિય સ્થળોમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. કેન્દ્રીય પર્યટન મંત્રાલયના રિપોર્ટ મુજબ લોકપ્રિયતાની દૃષ્ટિએ મુગલ સમયના મકબરો તાજમહેલ પ્રથમ સ્થાને, જ્યારે યૂનેસ્કો માન્યતા પ્રાપ્ત દિલ્હીસ્થિત લાલ કિલ્લો અને કુતુબ મિનાર અનુક્રમે દ્વિતીય અને તૃતીય ક્રમે સૌથી વધુ લોકપ્રિય સ્થળો માટે પસંદ થયા છે.
‘ઈન્ડિયા ટૂરિઝ્મ સ્ટેટિસ્ટિક્સ 2022’ શીર્ષક સાથેના 280 પેજનો રિપોર્ટ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ વિશ્વ પર્યટન દિવસ નિમિત્તે જાહેર કર્યો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19 સંલગ્ન પ્રતિબંધોને કારણે ભારતમાં 2021માં વિદેશ પ્રવાસીઓ ઓછા આવ્યા. 2020માં દેશમાં 27.4 લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા, જે સંખ્યા ગત વર્ષે ઘટીને 15.2 લાખ થઈ ગઈ હતી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અંતર્ગત આવતા વિવિધ સ્થળોની મુલાકાતે આવતા પ્રવાસીની વિગતો રિપોર્ટમાં છે.
રિપોર્ટ મુજબ 2021-22માં કેન્દ્ર દ્વારા સંરક્ષિત ટિકિટવાળા સ્મારકોમાં તાજમહેલ સૌથી લોકપ્રિય રહ્યો. જ્યારે તમિલનાડુમાં મમલ્લાપુરમના સ્મારકો આ સમયગાળામાં સૌથી લોકપ્રિય રહ્યા અને અહીંયા 1.4 લાખ વિદેશી પ્રવાસીઓ પહોંચ્યા. આ યાદીમાં તાજમહેલ 38 હજાર વિદેશી પ્રવાસીઓના આગમન સાથે બીજા નંબર પર રહ્યો. રિપોર્ટમાં રજૂ કરાયેલા આંકડા મુજબ 2021-22માં તાજમહેલને જોવા 32.9 લાખ સ્થાનિક પ્રવાસીઓ આવ્યા, જ્યારે લાલ કિલ્લાને 13.2 અને કુતુબ મિનારે 11.5 લાખ ભારતીયો જોવા આવ્યા.
ભારતમાં એવા 3693 સ્થળો છે, જે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ(એએસઆઈ)ના હાથમાં છે, એમાં તાજમહેલ, કુતુબ મિનાર, બિહારની પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય સહિતના અનેક સ્થળો યૂનેસ્કોની વિશ્વ ધરોહરમાં સામેલ છે. અહીંયા નોંધવું રહ્યું કે એએસઆઈ અંતર્ગત આવતા જોવાલાયક સ્થળો કોવિડ-19ને લીધે બંધ હતા અને ગયા જુલાઈમાં સુરક્ષાના પ્રોટોકોલ સાથે ફરી ખોલાયા છે.
ભારતમાં આવતા વિદેશી પ્રવાસીઓમાં 15 દેશોના પર્યટકો મુખ્ય છે, જેમાં અમેરિકા, યુકે, બાંગ્લાદેશ, કેનેડા, નેપાળ, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, જર્મની, પોર્ટુગલ, ફ્રાન્સ, માલદીવ, શ્રીલંકા, રશિયા, ઈરાક અને નેધરલેન્ડ સામેલ છે. ભારત આવતા વિદેશી પ્રવાસીઓમાં આ 15 દેશોનો હિસ્સો 80.9 ટકા હતો. પર્યટનથી ભારતને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે, જે દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
દેશના લોકો માટે ફરવાલાયક રાજ્યોમાં તામિલનાડુ અને ઉત્તર પ્રદેશ મુખ્ય છે. 2021-22ના વર્ષમાં તમિનલાડુમાં 140.65 મિલિયન અને ઉત્તર પ્રદેશમાં 86.12 મિલિયન ભારતીયો ફરવા ગયા હતા, આ સાથે તામિલનાડુમાં 1.26 મિલિયન અને ઉત્તર પ્રદેશમાં 1.23 મિલિયન વિદેશી પ્રવાસીઓ ફરવા ગયા હતા. આ બંને રાજ્યો પછી પ્રવાસીઓ માટે ત્રીજા નંબરનું પસંદગીનું રાજ્ય મહારાષ્ટ્ર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter