દરિયાઈ પાડોશી ભારત-મલેશિયા વચ્ચે સદીઓ પુરાણા સ્નેહભર્યા સંબંધોઃ મોદી

બન્ને દેશો વચ્ચે રક્ષણ, ઊર્જાથી લઇને ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે 11 સમજૂતી કરાર

Wednesday 11th February 2026 05:24 EST
 
 

કુઆલાલમ્પુર, નવી દિલ્હીઃ ભારત અને મલેશિયાએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાની પ્રતિબદ્ધતા સાથે વિવિધ ક્ષેત્રે સહયોગ અને ભાગીદારી માટે 11 કરારો પર હસ્તાક્ષર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મલેશિયાની બે દિવસીય સત્તાવાર મુલાકાત પૂર્ણ કરીને ભારત પરત ફર્યા હતા. વડા પ્રધાન મોદીની આ મુલાકાત દરમિયાન ભારત અને મલેશિયાએ સ્થાનિક ચલણમાં વેપાર, ડિજિટલ ઇકોનોમી અને સંરક્ષણ સહયોગને વધુ મજબૂત કરવા પર સહમતિ દર્શાવી હતી. વડાપ્રધાને મલેશિયા તરફથી મળેલા ઉષ્માભર્યા પ્રેમ બદલ આભાર વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કેટલીક ઝલક શેર કરી હતી.
મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ સાથેની વ્યાપક મંત્રણા બાદ, મોદીએ આતંકવાદનો સામનો કરવા અંગે ભારતનું વલણ દોહરાવતા કહ્યું હતું કે ‘આતંકવાદ પર અમારો મેસેજ સ્પષ્ટ છે. કોઈ બેવડા ધોરણો નહીં. કોઈ બાંધછોડ નહીં.’ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે આ મુલાકાતને યાદગાર ગણાવતા કહ્યું કે, તેનાથી બંને દેશોના સંબંધોને મોટી મજબૂતી મળશે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ‘આપણે દરિયાઈ પાડોશી છીએ અને સદીઓથી આપણા લોકો વચ્ચે ઊંડા સ્નેહના સંબંધો રહ્યા છે.” તેમણે મલેશિયામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ સ્થાપવાની પણ જાહેરાત કરી હતી.
તમિલો માટે વિશેષ સ્નેહનો નાતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને મલેશિયા તમિલો માટેના સ્નેહથી જોડાયેલા છે. ભારત-મલેશિયા સંબંધોની સાચી તાકાત લોકો વચ્ચેના સંબંધોમાં રહેલી છે. મલેશિયામાં વસતા 30 લાખ ભારતીય મૂળના નાગરિકો બંને દેશો વચ્ચે એક જીવંત સેતુ સમાન છે, જેમાં તમિલોની બહુમતી છે. મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ તમિલ ફિલ્મોના દિવંગત સુપરસ્ટાર, તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન એમ. જી. રામચંદ્રન (એમજીઆર)ના ખૂબ મોટા ફેન છે. તેમણે આપેલા લંચ દરમિયાન એમજીઆરની એક ફિલ્મનું ગીત ગવાયું હતું. વડાપ્રધાન મોદીએ સંબોધનમાં ભારત-મલેશિયાના દ્વિપક્ષીય સંબંધો માટે IMPACT મંત્ર આપતા કહ્યું હતું કે I - ઇન્ડિયા, M - મલેશિયા, P - પાર્ટનરશિપ, A - એડવાન્સિંગ, C - કલેક્ટિવ અને T - ટ્રાન્સફોર્મેશન.

મહત્ત્વની જાહેરાતો-સમજૂતીઓ

• UPIની એન્ટ્રી: ભારતનું ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ UPI હવે મલેશિયામાં પણ કાર્યરત થશે, જેનાથી પ્રવાસીઓ અને વેપારીઓને મોટી રાહત મળશે

• ટેક્નોલોજી સહયોગ: સેમિકન્ડક્ટર મિશન અને ડિજિટલ ઈકોનોમીમાં બંને દેશો એકબીજાને સહકાર આપશે

• OCI કાર્ડમાં રાહત: મલેશિયામાં રહેતા ભારતીય સમુદાય માટે પીએમ મોદીએ જાહેરાત કરી કે હવે OCI કાર્ડની સુવિધા ચોથી પેઢીને બદલે છઠ્ઠી પેઢી સુધીના લોકોને મળશે

• વ્યાપાર: મલેશિયા ભારતનો આસિયાન (ASEAN) ક્ષેત્રમાં ત્રીજો સૌથી મોટો વેપાર ભાગીદાર છે. 2025માં બંને દેશો વચ્ચેનો વેપાર 18.59 અબજ ડોલરનો રહ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter