દલિત પીડિતોને મળવા કેન્દ્રીય નેતાઓની લાઈન

Wednesday 27th July 2016 06:39 EDT
 
 

રાજકોટઃ ઉના અને તાલુકાનું મોટા સમઢિયાળા ગામ રાષ્ટ્રીય સ્તરે ગાજી રહ્યા છે. દલિતો ઉપર થયેલા અત્યાચારની ઘટનાનાં ઘેરા પડઘા રાષ્ટ્રીય રાજકારણની ગલીઓમાં શમતા નથી. પીડિત દલિત પરિવારનાં આંસુ લૂછવાનાં નામે રાજનીતિ કરી લેવાની જાણે કેન્દ્રીય નેતાઓમાં હોડ લાગી છે. કોંગ્રેસ પક્ષના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના આગમન સાથે શરૂ થયેલો સિલસિલો સતત ચાલી રહ્યો છે.

અરવિંદ કેજરીવાલ - ‘આપ’

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પીડિતોની અને મોટા સમઢિયાળા ખાતે પીડિત દલિત પરિવારની મુલાકાત લઈ દિલ્હીનાં મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતની ભાજપ સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી રહેલા દલિત યુવાનોને સલાહ આપી હતી કે, ડો. આંબેડકર પર જ્યારે અત્યાચાર થયો ત્યારે તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો નહોતો, પરંતુ આંદોલન કર્યું હતું. આથી તમે પણ આત્મહત્યા નહીં પણ આંદોલન કરો.’ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા દલિત યુવાનોને મળીને કેજરીવાલે તેમને આશ્વાસન આપ્યું હતું તેમજ હિંમત રાખવા કહ્યું હતું.

ડેરેક ઓ'બ્રેઈન - તૃણમુલ કોંગ્રેસ

પશ્ચિમ બંગાળનાં સત્તાધારી પક્ષ તૃણમુલ કોંગ્રેસનાં રાજ્યસભાનાં નેતા ડેરેક ઓ’'બ્રેઈને કહ્યું હતું કે, આ ઓર્ગેનાઈઝડ્ ક્રાઈમ છે. માત્ર ગુજરાતમાં જ નહીં, દેશમાં ત્રણ-ચાર જગ્યાએ આ પ્રકારનાં બનાવો બન્યા છે. છતાં વડા પ્રધાન જેમ જમ્મુ-કાશ્મીરનાં ઈસ્યુ ઉપર કાંઈ બોલતા નથી તેમ દલિતો ઉપર અત્યાચારનાં મુદ્દે પણ ચૂપ છે. લોકસભામાં ૩૪ સાંસદો અને રાજયસભામાં ૧૨ સાંસદોનું સંખ્યાબળ ધરાવતા તૃણમુલ કોંગ્રેસ દ્વારા સંસદમાં આ મુદ્દો જોરશોરથી ઉઠાવાશે.

શરદ યાદવ - જનતા દળ (યુ)

બિહારનાં સત્તાધારી પક્ષ જનતા દળ (યુ)નાં નેતા શરદ યાદવે જણાવ્યું હતું કે, ઉના- ગુજરાતમાં ખૂબ જ હૃદયદ્રાવક સ્થિતી છે. દલિતો ઉપર જાણે તાલિબાની હરકતો થઈ રહી છે. આ ઘટનાઓ અત્યંત નિંદાને પાત્ર છે. એટલું જ નહીં, ત્યાર પછીની ઘટનાઓમાં પણ દલિતો વચ્ચે ઘુસી ગયેલા તોફાની તત્વોને પકડવાને બદલે નિર્દોષ દલિતોને પકડી - પકડીને ખોટા કેસોમાં ફીટ કરાયા છે. તેમને તાકીદે છોડવા જોઈએ. જયારે રાજનીતિ હોવાનો પ્રશ્ન ઉઠાવાય છે ત્યારે એટલું જ કહેવાનું છે કે, ગરીબો, દલિતો, આદિવાસીઓ, બેરોજગારો કે જેની સંખ્યા પૂરા દેશમાં એક ચર્તૃથાંશ જેટલી છે તેમનાં હક - હિત - અધિકાર માટે, તેમને થતાં અન્યાયને દૂર કરવા માટે રાજનીતિ એ એક પ્રકારનો સંઘર્ષ જ છે. જે જેડીયુ વર્ષોથી કરતો આવ્યો છે.
આ લડાઈ દેશની જનતાનાં હકની લડાઈ છે. જેમની પાસે ખેતી, જમીન, જાયદાદ નથી તેમનાં માટેની લડાઈ છે. આથી દલિતોનાં સંઘર્ષમાં અમે સાથે છીએ.

ડી. રાજા - સીપીઆઇ

કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડયા (સીપીઆઈ)નાં રાજયસભાનાં સભ્ય ડી. રાજાએ ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકારની આકરી ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનાં અધ્યક્ષ અમિત શાહ બંને ગુજરાતનાં હોવા છતાં દલિતો પર અત્યાચારની આ ગંભીર ઘટનાઓ બાબતે ચૂપ છે. એક તરફ ગુજરાતને મોડેલ સ્ટેટ ગણાવાય છે. શું આ એવું મોડેલ સ્ટેટ છે જયાં દલિતો ઉપર અત્યાચાર થાય છે? તેવો સણસણતો સવાલ ઉઠાવી તેમણે આકરી ટીકા કરી દલિતો ઉપર અત્યાચારનો આ મામલો સંસદમાં ઉઠાવવામાં આવશે.

બ્રિન્દા કરાત - સીપીઆઇ (એમ)

સીપીઆઈ (એમ)ના નેતા બ્રિન્દા કરાતે જણાવ્યું હતું કે ગુજરાત મોડેલ એન્ટી-દલિત મોડલ છે. ગૌરક્ષાના નામે જે ચાલે છે તે ખરેખર ચોંકાવનારું છે. જે લોકો આપણા સમાજને સ્વચ્છ રાખવાનું કામ કરે છે તેમના પર જ અત્યાચાર થઈ રહ્યો છે. ગૌરક્ષક સમિતિ એ ગૌભક્ષક સમિતિ છે. તમામ ગૌરક્ષક સમિતિઓ પર પ્રતિબંધ મુકવો જોઈએ. પીડિત દલિત પરિવારોને ગુજરાત સરકારે રૂ. પાંચ લાખને બદલે રૂ. એક લાખની જ સહાય કેમ આપી?

પ્રફુલ પટેલ - એનસીપી

એનસીપી નેતા પ્રફુલ પટેલ પણ આશ્વાસન આપવા મોટા સમઢિયાળા પહોંચી ગયા હતા. તેમણે પીડિત દલિત પરિવારને રૂપિયા બે લાખની સહાય જાહેર કરી સરકાર અને નેતાગીરી પર પ્રહારો કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter