દિલ્હીના દિલમાં ફરી કેજરીવાલ

‘આપ’ ૬૨, ભાજપ ૮ ને બીજા બધાના સૂપડાં સાફ

Wednesday 12th February 2020 05:32 EST
 
 

નવી દિલ્હીઃ છેલ્લા એક દસકામાં ભારતમાં સૌથી મજબૂત પક્ષ તરીકે ઉભરેલા ભાજપને દેશના પાટનગરમાં જ ફરી એક વખત પછાડી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય હાંસલ કર્યો છે.
મંગળવારે જાહેર થયેલા દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આમ આદમી પાર્ટી (‘આપ’)એ ૭૦માંથી ૬૨ બેઠકો જીતીને વિપક્ષના સૂપડાં સાફ કરી નાંખ્યા છે. આમ આદમી પાર્ટીએ ૨૦૧૫ની ચૂંટણીમાં ૬૭ બેઠકો જીતી હતી તે જોતાં આ વખતે તેની ૫ બેઠકો ઘટી છે, પરંતુ આમ છતાં વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી માટે જરૂર ૩૬ના આંકડા કરતાં તેણે ઘણી વધુ બેઠકો જીતી છે. ઉલ્લેખનીય છે કે તમામ એક્ઝિટ પોલના તારણો સ્પષ્ટ સંકેત આપતા હતા કે ‘આપ’ ફરી એક વખત જંગી બહુમતી સાથે દિલ્હીમાં સરકાર રચશે.
વિપક્ષમાંથી એકમાત્ર ભાજપ ૮ બેઠકો જીતવામાં સફળ રહ્યો છે. આ સિવાય કોંગ્રેસ સહિતનો કોઇ પક્ષ કે અપક્ષ સમ ખાવા પૂરતી પણ બેઠક જીતી શક્યો નથી. કોંગ્રેસનું તો જાણે દેશના પાટનગરમાંથી નામોનિશાન મટી ગયું છે. પ્રદેશ ભાજપના મોવડીઓએ મતદાન બાદ અને મતગણતરી પૂર્વે જોશભેર દાવો કર્યો હતો કે પક્ષ ૪૩ બેઠકો જીતી સરકાર રચવાની દિશામાં આગળ વધી રહ્યો છે, પણ બેઠકોની સંખ્યા બે આંકડે પણ પહોંચી નથી. અલબત્ત, ૨૦૧૫ની ૩ બેઠકોની સરખામણીએ આ વખતે તેણે ૫ બેઠકો વધુ જીતી છે.
જ્વલંત વિજય સાથે ત્રીજી વખત દિલ્હીમાં સરકાર રચી રહેલા કેજરીવાલે મતદારોનો આભાર માનતા કહ્યું હતું કે ‘આઇ લવ યુ દિલ્હી...’ પક્ષના વડા મથકે તેમણે જણાવ્યું હતું કે આ જનમતે નવા પ્રકારની રાજનીતીને જન્મ આપ્યો છે. પરિણામો દર્શાવે છે કે લોકોએ કામ કરવાની નીતિને આવકારી છે, ભાગલાવાદી નીતિને જાકારો આપ્યો છે. સ્પષ્ટ છે કે તેમનો ઇશારો ભાજપ તરફ હતો.

વિરોધ પક્ષના નેતાઓ તેમજ ‘આપ’એ આ જનમતને ભાજપના ભાગલાવાદી રાજકારણ સામનો ચુકાદો ગણાવ્યો હતો. કેજરીવાલે વિવાદાસ્પદ મુદ્દાઓને કોરાણે મૂકીને આમ આદમીના રોજિંદા જીવન સાથે સંકળાયેલા વીજળી, પાણી, શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ સહિતના મુદ્દાઓને વિશેષ મહત્ત્વ આપ્યું હતું. અને દિલ્હીના મતદારોએ પણ તેમની નીતિરીતિને બે હાથે બિરદાવી છે એમ ચૂંટણી પરિણામ જોતાં કહી શકાય.

‘નવા પ્રકારની રાજનીતિ’નો વિજય

અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ભાજપ એમ દ્વિપક્ષીય જંગ બનેલા દિલ્હી વિધાનસભા ચૂંટણી જંગના પરિણામો બાદ કેજરીવાલે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીનો વિજય સંકેત આપે છે કે આ ‘નવા પ્રકારની રાજનીતિ’નો વિજય છે. દિલ્હીના લોકોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેમણે શાળાઓ, મહોલ્લા ક્લિનિક, ૨૪ કલાક વીજળી અને વિનામૂલ્યે પાણી માટે મત આપ્યો છે. દેશ માટે આ એક બહુ મોટો સંદેશ છે.

હનુમાનજી પણ પ્રચારની ઝપટે!

પક્ષના વડા મથકે પ્રચંડ જનમેદનીને સંબોધ્યા બાદ કેજરીવાલે રોડ-શો યોજ્યો હતો અને પોતે આપેલા વચનનું પાલન કરવા પાટનગરના હાર્દસમાન વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરે પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું, ‘આજે મંગળવાર છે, હનુમાનજીનો દિવસ છે. હનુમાનજીએ દિલ્હી પર કૃપા વરસાવી છે.’ ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે હનુમાનજીની પૂજાઅર્ચના કરતાં ભાજપે તેમની ઠેકડી ઉડાવી હતી. દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું હતું કે કેજરીવાલે હનુમાનજીને અપવિત્ર કરી દીધા. આ સમયે કેજરીવાલે ટીકાકારોને જવાબ આપતાં કહ્યું હતું કે ચૂંટણી પરિણામો બાદ પોતે ફરી મંદિરે આવશે.
કેજરીવાલે એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં હનુમાનચાલીસાનો પાઠ કર્યો હતો અને ભાજપને નકલી હિંદુ ગણાવી હતી. આ સમયે કેજરીવાલે કહ્યું હતું કે ભાજપવાળા નકલી હિંદુ છે. એમને હનુમાનચાલીસા નથી આવડતી, ગીતા નથી આવડતી. હું ભાજપને હનુમાનચાલીસા શીખવાડીને જ રહીશ. એનાથી શાંતિ મળે છે, સંયમ આવે છે. હનુમાનચાલીસા વાંચવાથી એમને પણ શાંતિ મળશે.

ટોચના નેતાઓ જીત્યા

નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા, આતિશી, રાઘવ ચઢ્ઢા સહિત ‘આપ’ના ટોચના નેતાઓ ભારે રસાકસી બાદ વિજયી જાહેર થયા હતા. સિસોદિયાને તેના મતક્ષેત્રમાં ભાજપના પ્રતિસ્પર્ધી રવિન્દર નેગીએ જોરદાર ટક્કર આપી હતી. આખરે સિસોદિયા ૨૦૦૦ કરતાં વધુ મતે ચૂંટણી જીતી ગયા હતા.
‘આપ’ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાને તેમની ઓખલા બેઠક જાળવી રાખી છે. ઉલ્લેખનીય છે કે આ જ બેઠક ક્ષેત્રમાં સીએએ-વિરોધી ધરણાં-પ્રદર્શનનું કેન્દ્ર બનેલા શાહિન બાગ અને જામિયા યુનિવર્સિટી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. અહીં ૭૧,૦૦૦ મત મેળવનાર ખાને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહની ઠેકડી ઉડાવતા કહ્યું હતું કે ‘ઓખલા કી જનતા ને કરન્ટ લગા દિયા...’

વિપક્ષની અભિનંદન વર્ષા

વિપક્ષના ટોચના નેતાઓએ કેજરીવાલને તેમના પ્રચંડ વિજય બદલ અભિનંદન આપતાં કહ્યું હતું કે આ ચુકાદો દર્શાવે છે કે ભાજપપ્રેરિત રાજકારણને દિલ્હીએ ફગાવી દીધું છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને નરેન્દ્ર મોદી સહિત ભાજપના કટ્ટર વિરોધી મમતા બેનરજીએ કહ્યું હતું કે ભાજપ તેની બધી તાકાત, નાણાં, એજન્સીઓને કામે લગાવી દેવા છતાં કંઇ કરી શક્યો નથી. તે લોકો ફેંકાઇ ગયા છે. દેશભરમાં તેમની સત્તા સંકોચાઇ રહી છે.
નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવારે ચૂંટણી પરિણામોને દેશમાં ફૂંકાયેલો ‘પરિવર્તનનો પવન’ ગણાવતા કહ્યું હતું કે આજે રાજ્યોમાં સક્રિય પ્રાદેશિક પક્ષોએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે આજના પરિણામો માત્ર દિલ્હી પૂરતા જ સીમિત નથી કેમ કે રાષ્ટ્રીય રાજધાનીમાં જુદા જુદા રાજ્યના લોકો વસે છે. તેમના રાજ્યોમાં સર્જાયેલા પરિવર્તનના માહોલની ઝલક મતદાનમાં જોવા મળે છે.

૬૨.૨૯ ટકા મતદાન

દિલ્હીમાં રવિવારે વિધાનસભાની ૭૦ બેઠકો માટે મતદાન યોજાયું હતું. સવારે ૮ વાગ્યાથી સાંજના ૬ કલાક સુધીમાં સરેરાશ ૬૨.૨૯ ટકા મતદાન નોંધાયું હતું. સાંજે મતદાનનો સમય પૂરો થયા પછી પણ અનેક બૂથ પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. ૨૦૧૫ની સરખામણીમાં આ વખતે મતદારોમાં ઓછો ઉત્સાહ હત. જોકે, લઘુમતી વિસ્તારોમાં વધારે મતદાન થયું હતું. ૨૦૧૫માં ૬૭.૧૨ ટકા મતદારોએ તેમનાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ વખતે આમ આદમી પાર્ટી, ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો, જેમાં ૬૭૨ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. કોંગ્રેસ હાંશિયામાં જ હતી.
દિલ્હીમાં ૧૩,૭૫૦ મતદાન મથકો ખાતે કુલ ૧,૪૭,૮૬,૩૮૨ મતદારો પૈકી લાખો લોકોએ તેમનાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બપોરે ૩ વાગ્યા સુધી મતદાનની ટકાવારી ફક્ત ૪૫ ટકાની આસપાસ હતી પણ તે પછી હજારો મતદારો વોટિંગ કરવા ઉમટી પડયા હતા. પરિણામે અનેક બૂથ પર મતદારોની લાંબી લાંબી લાઈનો લાગી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter