નવી દિલ્હીઃ અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની ઇન્ટર-ગવર્ન્મેન્ટલ કમિટીની બેઠક યોજાઇ હતી. અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરની સુરક્ષા માટે કાર્યરત આ કમિટીની બેઠકમાં 194 દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દીપાવલી પર્વને ‘આપણી સભ્યતાનો આત્મા’ ગણાવતા કહ્યું હતું કે યુનેસ્કો દ્વારા દીપાવલીને મહત્ત્વનું સ્થાન અપાતાં આ તહેવારની વૈશ્વિક ખ્યાતિ હજુપણ વધશે.
8થી 13 ડિસેમ્બર દરમિયાન યોજાયેલા કમિટીના 20મા સેશનમાં જ્યારે યુનેસ્કો દ્વારા દીપાવલી પર્વને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન આપવામાં જાહેરાત કરાઇ ત્યારે હાજર લોકોએ ‘વંદે માતરમ્’ના અને ‘ભારત માતા કી જય’ના નારા પોકાર્યા હતા.
યાદીમાં દિવાળીના તહેવારના સમાવેશની સાથે હવે ભારતની 19 બાબતો યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ છે. જેમાં કુંભ મેળો, ગુજરાતના ગરબા, કોલકાતાની દુર્ગાપૂજા, યોગ, વૈદિક મંત્રપાઠ પરંપરા, રામલીલા વગેરેનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય સંસ્કૃતિ પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવત, સંસ્કૃતિ મંત્રાલયના સચિવ વિવેક અગ્રવાલ, સંસ્કૃતિ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને વિવિધ દેશોના પ્રતિનિધિઓ, આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને યુનેસ્કોના વૈશ્વિક નેટવર્કના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરતો શિલાલેખ જાહેર કરાયો હતો.
‘તમસો મા જ્યોતિર્ગમય’નો સંદેશ મૂર્તિમંત
આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળને સંબોધતા શેખાવતે કહ્યું કે આ શિલાલેખ ભારત અને વિશ્વભરના સમુદાયો માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે જેઓ દિવાળીની શાશ્વત ભાવનાને જીવંત રાખે છે. તેમણે કહ્યું કે આ તહેવાર ‘તમસો મા જ્યોતિર્ગમય’ના સાર્વત્રિક સંદેશને મૂર્તિમંત કરે છે, જે અંધકારમાંથી પ્રકાશ તરફ જવાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે અને આશા, કાયાકલ્પ અને સંવાદિતાનું પ્રતિનિધિત્વ કરે છે.
દિવાળી આપણી સભ્યતાનો આત્માઃ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનેસ્કોના અમૂર્ત વારસાની યાદીમાં દીપાવલીનો સમાવેશ થવા પર ખુશી અને ગર્વ વ્યક્ત કર્યા હતા. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર યુનેસ્કોની પોસ્ટના જવાબમાં કહ્યું હતું કે, ભારત અને વિશ્વાભરના લોકો ખુબ જ ખુશ છે. અમારા માટે દિવાળી અમારી સંસ્કૃતિ અને મૂલ્યો સાથે ગાઢ રીતે જોડાયેલી છે. તે આપણી સભ્યતાનો આત્મા છે. તે પ્રકાશ અને ભલાઈનું પ્રતીક છે. યુનેસ્કોના અમૂર્ત વારસાની યાદીમાં દિવાળીનો સમાવેશ વિશ્વભરમાં આ તહેવારની લોકપ્રિયતામાં વધારો કરશે. પ્રભુ શ્રી રામના આદર્શો આપણને અનંતકાળ સુધી માર્ગદર્શન આપતા રહે તેવી પ્રાર્થના.
યુનેસ્કોની યાદીમાં ભારતીય વારસો
યુનેસ્કોની અમૂર્ત વારસાની યાદીમાં ભારતની જે બાબતોને સ્થાન અપાયું છે તેના પર નજર ફેરવીએ તો... દિવાળી, ગુજરાતના ગરબા, કોલકાતાની દુર્ગા પૂજા, કુંભ મેળો, યોગ, નવરોઝ, પંજાબના જંદિયાલા ગુરુના ઠઠેરાઓમાં પરંપરાગત પિત્તળ અને તાંબાના વાસણો બનાવવાની હસ્તકલા, મણિપુરનું સંકીર્તન, લદાખના બૌદ્ધ લામાઓ દ્વારા કરાતું પઠન, પૂર્વ ભારતમાં પ્રચલિત છાઉ નૃત્ય, કેરળનું પરંપરાગત સંગીત નાટક મુદિયેટ્ટુ, રાજસ્થાનના કાલબેલિયા લોકગીતો-નૃત્યો, ઉત્તરાખંડનો રમ્મન ધાર્મિક તહેવાર તથા ધાર્મિક થિયેટર, કેરળનું કુટિયાકૂમ, વૈદિક મંત્રોચ્ચારની પરંપરા, રામલીલા વગેરેનો અમૃર્ત વારસાની યાદીમાં સમાવેશ થાય છે.


