દેવભૂમિમાં જળપ્રલય

Tuesday 09th February 2021 11:18 EST
 
 

દહેરાદૂનઃ ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટ્યાં પછી સર્જાયેલા વિનાશને ૪૮ કલાકથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ કુદરતના કોપનો ભોગ બનેલા આ પ્રદેશનો માહોલ એટલો જ ભયાવહ જોવા મળી રહ્યો છે. પ્રચંડ વેગથી ધસમસતા આવેલા પૂરના પાણી ભલે ઓસરી ગયા હોય, પણ લોકોના દિલોદિમાગ પરથી ખોફનો ઓછાયો જૈસે થે છે. આ ઘટના બાદ લાપતા જાહેર થયેલા લોકોના સ્વજનો અંતરમનમાં આશા અને હોઠો પર પ્રાર્થના કરતા બેઠા છે. સ્વજન ક્ષેમકુશળ હોવાના સમાચારની તેઓ ચાતકનજરે રાહ જોઇ રહ્યા છે.

ચમોલી જિલ્લામાં તપોવન-રૈની વિસ્તારમાં નંદાદેવી ગ્લેશિયર તૂટતાં ઋષિગંગા અને ધૌલીગંગા નદીઓમાં અચાનક આવેલા કાટમાળ અને પાણીના ધસમસતા પૂરે હેઠવાસના વિસ્તારોમાં ભારે તબાહી ફેલાવતાં ઓછામાં ઓછા ૨૦૦ લોકો માર્યા ગયાનો ભય સેવાઇ રહ્યો છે. રવિવારે સવારે નંદાદેવી ગ્લેશિયર તૂટીને ઋષિગંગા નદીમાં ખાબકતાં અચાનક ધસમસતું પૂર આવ્યું હતું. જેમાં રૈની ગામ નજીક નદી પર આવેલો ઋષિગંગા હાઇડ્રો પ્રોજેક્ટ સંપુર્ણપણે તણાઇ ગયો હતો. આ સમયે હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં ૧૫૦થી વધુ કર્મચારી કામ કરી રહ્યા હતા, જે ધસમસતાં પૂરમાં તણાઇ ગયાં છે.

અવિરત રાહત-બચાવ કાર્ય

ઉત્તરાખંડમાં રવિવારે નંદાદેવીની ગ્લેશિયર ફાટયા પછી સર્જાયેલા જળપ્રલયમાં કાટમાળમાંથી મંગળવાર રાત સુધીમાં ૩૧ લોકોનાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, અને ૨૭ લોકોને બચાવવામાં આવ્યા છે. જોકે હજી પણ ઓછામાં ઓછા ૧૫૦થી વધુ લોકો લાપતા છે. ભારતીય સેના, ઇન્ડો-તિબેટ બોર્ડર પોલીસ (આઇટીબીપી), નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ (એનડીઆરએફ)ના જવાનો દિવસ-રાત યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કાર્ય કરી રહ્યા છે. પહેલી ટનલમાં ૩૫ લોકો જ્યારે બીજી ટનલમાં ૧૨૧ લોકો ફસાયેલા હોવાનું જાણવા મળે છે. જવાનો દ્વારા અઢી કિ.મી. લાંબી ટનલમાંથી ૯૦ મીટર સુધીનો કાટમાળ સાફ કરાયો છે. અને હજી ૧૦૦ મીટરનો કાટમાળ દૂર કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. અહેવાલ મુજબ ઋત્વિક કંપનીનાં ૨૧ લોકો અને તેની સહયોગી કંપનીના ૧૦૦ લોકો લાપતા છે. આ ઉપરાંત ઋષિગંગા કંપનીનાં ૪૬ લોકોની ક્યાંય ભાળ નથી મળતી તો ચમોલીની નજીકનાં ગામમાં વસતાં ૧૧ લોકો પણ લાપતા છે.

ચોમેર તબાહી જ તબાહી

ઋષિગંગા નદી કિનારે આવેલું હરિયાળીથી હર્યુભર્યું અને ૧૫ હેક્ટરમાં ફેલાયેલું મરિન્ડા જંગલ ગણતરીની મિનિટોમાં જ સાફ થઈ ગયું હતું. હાઈડ્રો પાવર પ્રોજેક્ટ ઉપરાંત ચીન સરહદે પહોંચતો બીઆરઓનો બ્રિજ, ચાર ઝૂલા બ્રિજ, અનેક મંદિરો અને મકાનો ફક્ત અડધા કલાકમાં જ નષ્ટ થઈ ગયાં હતાં. સોમવારે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરમિયાન અનેક મૃતદેહો કાદવમાં દબાયેલાં અને ખડકો પર અટકેલાં જોવા મળતા હતાં.
ઋષિગંગા નદી રૈની ગામ નજીક ધૌલીગંગા નદીને મળે છે. તેના પરિણામે ધૌલીગંગામાં પણ પૂર આવ્યું હતું. ધૌલીગંગા નદી પર ચમોલી જિલ્લાના તપોવન નજીક આવેલો એનટીપીસીના અંડરકન્સ્ટ્રક્શન પ્રોજેક્ટને પૂરમાં ભારે નુકસાન પહોંચ્યું છે. તપોવન ખાતેના એનટીપીસીના પ્રોજેક્ટની ટનલમાં મોટી સંખ્યામાં કામદારો ફસાયાં હતાં. આઇટીબીપીના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ટનલમાં ફસાયેલાં ૧૬ને બચાવી લીધાં હતાં.

સરહદી ક્ષેત્રના ૩૦ ગામ સંપર્કવિહોણા

રૈની ગામમાં પુલ તુટવાથી ચીન સરહદે વસેલા ૩૦ ગામનો દેશ સાથેનો સંપર્ક કપાઇ ગયો છે. ભારત અને ચીન વચ્ચેની ઉત્તરાખંડમાં આવેલી સરહદ પર સેનાને પુરવઠો પહોંચાડવા માટે મહત્ત્વનો ગણાતા જોશીમઠ-માલારિયા હાઇવે પરનો બીઆરઓ બ્રિજ પૂરમાં સંપૂર્ણપણે નાશ પામ્યો છે. આ પુલ નજીક પશુ ચરાવી રહેલાં ૬ ભરવાડો પણ પૂરમાં તણાયાં હોવાનો ભય સેવાઇ રહ્યો છે. આ પુલ તૂટી પડવાથી વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્વપૂર્ણ સેનાની પોસ્ટ સુધી રેશન અને શસ્ત્રસરંજામ પહોંચાડવામાં સેનાને પણ મુશ્કેલી પડી રહી છે. સરકારે આ ગામમાં કોઇ બીમાર પડે તો હેલિકોપ્ટરની સેવા પૂરી પાડવા નિર્દેશ આપ્યા છે. રેશન સપ્લાયની કામગીરી પણ આગામી અમુક દિવસો સુધી હેલિકોપ્ટરથી જ થશે. આઇટીબીપીના અધિકારીએ કહ્યું કે પુલના ધસી પડવાથી મોટું સંકટ સર્જાયું છે. ૩૦ ગામ અને સરહદી સુરક્ષાના દૃષ્ટિકોણથી આ પુલ અત્યંત જરૂરી છે.
 સેનાની સેવાઓ પુનઃ સ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે તેનું પુનઃ નિર્માણકાર્ય હાથ ધરાયું છે. આ માટે પુલ નિર્માણની કામગીરીમાં નિપુણ એવા આઇટીબીપી અને બીઆરઓના ૨૦૦ કરતાં વધુ જવાનને જોશીમઠ મોકલવામાં આવ્યા છે. બીઆરઓના ડિરેક્ટર જનરલ લેફ. જન. રાજીવ ચૌધરીએ અધિકારીઓને તાત્કાલિક પુલ ઊભો કરવાના આદેશ આપ્યા છે.

૪ ગામના ૨૦૦૦ લોકોનો આબાદ બચાવ

રૈની ગામ નજીક ગ્લેશિયર તૂટતાં સૌથી પહેલાં ઋષિગંગા નદીમાં ધસમસતું પૂર આવ્યું હતું. નદીના કિનારે ઋષિગંગા પાવર પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હતું જ્યારે બીજા કિનારા પર રૈની ગામ વસેલું છે. આ ગામની આસપાસ રૈની ચાક, લતા, સુભાઇ, જુગાજુકલતા ગામ પણ આવેલાં છે. આ ગામોમાં લગભગ ૨૦૦૦થી વધુ લોકો વસવાટ કરે છે. પૂરનાં પાણી પ્રચંડ વેગથી રૈની ગામમાં ધસી આવ્યાં હતાં, પરંતુ સદનસીબે ખાસ નુકસાન થયું નથી. આસપાસના ગામોનો પણ આબાદ બચાવ થયો હતો.

ટિહરી ડેમનું પાણી અટકાવી દેવાયું

ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે રવિવારે બપોરે જણાવ્યું હતું કે, હવે રાજ્યમાં પૂરની સ્થિતિ ક્યાં નથી. અલંકનંદા નદીના આસપાસના ગામોમાં નુકસાનના કોઇ અહેવાલ નથી. ઉત્તરાખંડ સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખની આર્થિક સહાયની જાહેરાત કરાઇ હતી.
મુખ્ય પ્રધાન રાવતે જણાવ્યું હતું કે, ઋષિગંગા અને અલકનંદા નદીઓમાં પૂરના પાણી સરળતાથી વહી જાય તે માટે ટિહરી ડેમમાંથી છોડાતું પાણી અટકાવી દેવાયું હતું. શ્રીનગર ડેમમાંથી છોડાતા પાણીના કારણે ઋષિગંગા અને અલકનંદા નદીની જળસપાટીમાં વધારો થતાં બંને નદીઓના હેઠવાસના તમામ ગામ ખાલી કરાવી દેવાયાં હતાં. જોકે, નંદપ્રયાગ ખાતે અલકનંદા નદીનો પ્રવાહ ઘટી ગયો હતો.

અનેક દેશોએ દુઃખ વ્યક્ત કર્યું

ઉત્તરાખંડ દુર્ઘટના અંગે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, યુનાઇટેડ નેશન્સ, ઓસ્ટ્રેલિયા, જાપાન સહિત વિશ્વનાં કેટલાય દેશોએ સંવેદના વ્યક્ત કરીને શોક દર્શાવ્યો હતો. ભારતનાં વિદેશ પ્રધાન એસ. જયશંકરે આ દુઃખની ક્ષણોમાં સંવેદના વ્યક્ત કરનાર તમામ દેશોનો આભાર માન્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter