નવી દિલ્હીઃ દેશ હવે નકસલવાદના આતંકથી મુક્ત થયો હોવાની જાહેરાત કેન્દ્રી ગૃહમંત્રી અમિત શાહે કરી છે. ગૃહમંત્રીએ સોમવારે લોકસભામાં ‘નક્સલમુક્ત ભારત’ મુદ્દે ચાલી રહેલી ચર્ચાનો જવાબ આપતાં કહ્યું હતું કે એક સમયે 12 રાજ્ય ‘લાલ આતંક’ના કોરિડોર બની ગયા હતા, જ્યાં કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ નહોતું. પરંતુ હવે દેશમાં નક્સલવાદ હવે ખતમ થવાના આરે છે. સમગ્ર પ્રક્રિયા ઔપચારિક રીતે પૂર્ણ થયા બાદ દેશને જાણ કરવામાં આવશે, પરંતુ હું કહી શકું છું કે આપણે નક્સલમુક્ત થઈ ગયા છીએ. હવે જે પણ હથિયાર ઉઠાવશે તેણે તેની કિંમત ચૂકવવી પડશે. તેમણે કહ્યું કે દાયકાઓ સુધી નક્સલવાદનો ગઢ રહેલા છત્તીસગઢનો બસ્તર વિસ્તાર હવે આ આતંકથી મુક્ત છે. અહીં દરેક ગામમાં શાળાઓ, રાશનની દુકાનો અને હોસ્પિટલો ખુલી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી શાહે 24 ઓગસ્ટ 2024ના રોજ દેશમાંથી નક્સલવાદના સફાયાનો નિર્ધાર વ્યક્ત કરતા આ માટે 31 માર્ચ 2026ની ડેડલાઈન જાહેર કરી હતી. સોમવાર - 30 માર્ચ તેનો છેલ્લો દિવસ હતો.
શસ્ત્ર ઉઠાવશે તેને સરકાર છોડશે નહીં
શાહે સંસદમાં જણાવ્યું કે આ અભિયાન દરમિયાન 706 નક્સલી માર્યા ગયા છે, 4800 એ શરણાગતિ (સરેન્ડર) સ્વીકારી છે અને 2000ની ધરપકડ કરાઇ છે. આમાં લગભગ તમામ મોટા અને ઈનામી નક્સલીઓ સામેલ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે આઝાદી પછીના 75 વર્ષમાંથી 60 વર્ષ રાજ કર્યું, પરંતુ તેમણે આદિવાસીઓને ન ઘર આપ્યા, ન પાણી, ન શાળાઓ બનાવી કે ન તો બેન્કિંગ સુવિધાઓ પહોંચાડી છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સ્વીકાર્યું હતું કે નક્સલવાદ દેશ માટે કાશ્મીર અને ઉત્તર-પૂર્વ કરતાં પણ મોટી પડકારરૂપ સમસ્યા છે, પરંતુ કોંગ્રેસે કંઈ ખાસ કર્યું નહીં. લાલ આતંકના કારણે બસ્તરમાં વિકાસ અટકી ગયો હતો, પરંતુ હવે ઓછાયો દૂર થઈ રહ્યો છે અને બસ્તર આગળ વધી રહ્યું છે. શાહે સ્પષ્ટ કહ્યું કે જે કોઈ હથિયાર ઉઠાવશે, તેને સરકાર છોડશે નહીં.
હવે જવાનો દ્વારા લેન્ડ માઇન્સની તલાશ
બસ્તર જ નહીં, સમગ્ર છત્તીસગઢમાંથી નક્સલીઓનો સફાયો થઈ ચુક્યો છે. છત્તીસગઢમાં એક સમયે નક્સલીઓની 30 એરિયા કમિટી હતી, આજે માત્ર 5 બચી છે અને તેમાં પણ માત્ર 23 નક્સલી છે, જે હથિયાર છોડીને ગામડાઓમાં છુપાયેલા છે. તેમને શરણાગતિ માટે સંદેશો મોકલાઇ રહ્યો છે. હવે સુકમા અને બીજાપુરમાં જ થોડા નક્સલીઓ બાકી છે. આ વિસ્તારમાં લેન્ડ માઈન્સ બિછાવેલી છે, જેને જવાનો શોધી રહ્યા છે. બીજી તરફ, આંધ્ર પ્રદેશ હવે નક્સલ મુક્ત થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાં હજુ પણ નક્સલવિરુદ્ધ અભિયાનમાં દોઢ લાખ જવાન તૈનાત છે.
બે ટોચના નક્સલ નેતા હજુ ફરાર
દેશમાંથી નક્સલવાદ લગભગ સમાપ્ત થઇ ગયાનો દાવો થાય છે ત્યારે બે ટોચના નક્સલી નેતાઓ હજુ પણ નાસતા ફરે છે. આમાંથી એક દેશ છોડી ભાગી ગયો છે, તો બીજો જલ્દી શરણાગતિ સ્વીકારશે તેમ મનાય છે. 75 વર્ષનો મુપ્પલ્લા લક્ષ્મણ રાવ ઉર્ફે ગણપતિ હાલમાં દેશ છોડીને નેપાળ ભાગી ગયો છે. આઈબીની નજર તેના પર છે અને તે ગમેત્યારે સરેન્ડર કરી શકે છે. જ્યારે 63 વર્ષનો મિશિર પોલિત બ્યૂરોનો સભ્ય છે. ઝારખંડના ગિરીડીહનો વતની છે. તેની સાથે 40 નક્સલી નાસતા ફરે છે. તે જલદી જ સાથીદારો સાથે સરેન્ડર કરી શકે છે.
10 હજારથી વધુ નક્સલીનું આત્મસર્પણ
ચોમેરથી સુરક્ષા દળોની ભીંસ અને પુનર્વસન પ્રયાસોના કારણે નકસલવાદને મોટો ફટકો પડ્યો છે. દસ વર્ષોમાં 10,000થી વધુ નકસલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે અને નકસલવાદનાં ટોચનાં નેતૃત્ત્વને સમાપ્ત કરી દેવાયું છે. 2025માં 2300થી વધુ નકસલવાદીએ આત્મસમર્પણ કર્યું હતું. 2026નાં પ્રથમ ત્રણ માસમાં 630થી વધારે નકસલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. અધિકારીઓનાં જણાવ્યા અનુસાર સરકારે નકસલવાદ વિરુદ્ધ એકિકૃત, બહુ આયામી અને નિર્ણાયક રણનીતિ અપનાવી છે. જેનું એક ઉદાહરણ રેડ કોરિડોર ક્ષેત્રમાં સડકોનું નિર્માણ છે. એક સમયે આ ક્ષેત્ર પશુપતિથી તિરુપતિ સુધી ફેલાયેલું હતું. જેમાં બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશનાં કેટલાક ભાગો સામેલ હતાં જ્યાં કોન્ટ્રાકટરો કામ કરવાનો ઇનકાર કરતાં હતાં. આજે ત્યાં અનેક વિકાસકાર્યો થયા છે. સુરક્ષા દળોના સૂત્રોએ ખુલાસો કર્યો છે કે બસ્તર ક્ષેત્રમાં નક્સલવાદ વિચારધારાથી પ્રેરિત લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવાના ઉદ્દેશ્યથી અલગ તારવવામાં આવી રહ્યા છે. તેઓ હવે પોલીસ સામેનો મુખ્ય પડકાર બનીને ઉભા છે. આવા લોકાનું જીવનધોરણ સુધારવા માટે પાયાના સ્તરે કામગીરી થશે.


