નવી દિલ્હીઃ દેશના 79મા સ્વાતંત્ર્ય પર્વે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશવાસીઓને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશને આવરી લેતી સુદર્શનચક્ર સુરક્ષા યોજનાથી લઇને અર્થતંત્ર માટે ગેમચેન્જર બની રહે તેવી ઘોષણાઓ કરી છે. જોકે તેમના સંબોધનનો સૂર હતો દેશના સર્વગ્રાહી વિકાસ માટે જરૂરી છે એકતા - અખંડતા અને આત્મનિર્ભરતા.
સ્વાતંત્ર્ય પર્વે અત્યાર સુધીના સૌથી લાંબા 104 મિનિટના રાષ્ટ્રજોગ પ્રવચનમાં વડાપ્રધાન મોદીએ પહેલી વખત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ઉલ્લેખ કરતાં તેને વિશ્વની સૌથી મોટી સ્વૈચ્છિક સંસ્થા ગણાવવાની સાથોસાથ તેની કામગીરીને બિરદાવી હતી.
વડાપ્રધાને તેમના સંબોધનમાં ઓપરેશન સિંદુરની સફળતાથી લઇને વર્ષાંત સુધીમાં દેશમાં જ સેમિકન્ડક્ટર ચીપના ઉત્પાદનનો પ્રારંભ જેવા મુદ્દા આવરી લીધા હતા. જોકે આ બધામાં સૌથી મહત્વપૂર્ણ જાહેરાત છે જીએસટી દરોમાં ઘટાડાની.
આર્થિક નિષ્ણાતોના મતે દિવાળી સુધીમાં અમલી થનારા જીએસટી ઘટાડાથી આગામી દિવસોમાં દેશનું અર્થતંત્ર વધુ તેજગતિએ ધબકતું થઇ શકે છે, લોકોની ખરીદશક્તિમાં ધરખમ વધારો થશે અને યુએસ પ્રેસિડન્ટ ટ્રમ્પના ટેરિફ ટેરરથી અર્થતંત્રને થનારું સંભવિત નુકસાન પણ ઘણા અંશે સરભર કરી શકાશે.
(વિશેષ અહેવાલ - પાન 17)