દેશના સૌથી મોટા આઇપીઓથી જિયો પૂરી રકમનું દેવું ચૂકવશે, ડેટ-ફ્રી થશે

Wednesday 21st October 2026 06:23 EDT
 
 

મુંબઇઃ જિયો પ્લેટફોર્મ્સ દેશના સૌથી મોટા આઇપીઓ દ્વારા દેવામુક્ત થવા જઈ રહી છે. આઇપીઓથી એકત્રિત કરાયેલી પૂરી રકમ શુદ્ધ દેવું ઘટાડવામાં વપરાશે. આ પછી કંપનીનું ધ્યાન ફક્ત કનેક્શન વેચવા પર નહીં, પરંતુ નવી ડિજિટલ સેવાઓથી પ્રતિ ગ્રાહક કમાણી વધારવા પર રહેશે.
જિયો પ્લેટફોર્મ્સના મેનેજિંગ ડિરેક્ટર આકાશ અંબાણીએ આઇપીઓ પૂર્વે જણાવ્યું હતું કે, હજુ લગભગ ૩ બિલિયન ડોલર (28,490 કરોડ રૂપિયા)નું શુદ્ધ દેવું છે. આઇપીઓ પછી કંપની નેટ ડેટ-ફ્રી એટલે કે શુદ્ધિરૂપે દેવામુક્ત થઈ જશે. વિસ્તરણનો ખર્ચ વ્યવસાયમાંથી આવતી રોકડમાંથી ચાલશે. તેમના મતે, આવકનો લગભગ 30 ટકા ભાગ ફ્રી કેશ ફ્લોમાં ફેરવાય છે. કોટક મહિન્દ્રા બેન્કના ફાઉન્ડર ઉદય કોટક અનુસાર, પ્રાઈસ બેન્ડના ઉપલા સ્તરે આ 30,188 કરોડ રૂપિયાનો આઇપીઓ હશે. લિસ્ટિંગ પછી રિલાયન્સ ગ્રૂપ લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપિટલાઈઝેશનમાં દેશનું સૌથી મોટું જૂથ બની જશે.

દેશનો સૌથી મોટો રૂ. 30,213 કરોડનો આઈપીઓ

​​​​​​​રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ડિજિટલ અને ટેલિકોમ ક્ષેત્રની કંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (JPL)એ આઈપીઓ માટે પ્રાઈસ બેન્ડ શેરદીઠ રૂ. 1065-1119 જાહેર કરી છે. કંપની આઈપીઓ મારફતે રૂ. 30,213 કરોડ ઊભા કરશે. આ રીતે જિયોનો આઈપીઓ દેશના ઈતિહાસમાં સૌથી મોટો આઈપીઓ બની રહેશે. જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ આ આઈપીઓ અંતર્ગત રૂ. 10ની ફેસવેલ્યૂના 27 કરોડ સુધીના ફ્રેશ ઈક્વિટી શેર ઈશ્યૂ કરશે.

એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 8,110 કરોડ એકત્ર કર્યા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ડિજિટલ સર્વિસ પાંખ જિયો પ્લેટફોર્મ્સ દ્વારા પોતાના બહુપ્રતિષ્ઠિત આઇપીઓ પૂર્વે એન્કર ઇન્વેસ્ટર્સ માટે શેર ફાળવણી આખરી કરી દેવાઇ છે. કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી રૂ. 8,110 કરોડનું ભંડોળ એકત્ર કર્યું છે. બેન્કિંગ વર્તુળોના જણાવ્યા અનુસાર, જિયોની એન્કર બુક માટે વૈશ્વિક અને દેશી સંસ્થાકીય રોકાણકારો તરફથી અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે અને કુલ માંગ રૂ. 2.5 લાખ કરોડને પાર પહોંચી ગઈ છે.
ભારતીય આઇપીઓ ઇતિહાસમાં સંસ્થાકીય રોકાણકારો તરફથી આટલી વિશાળ માંગ મળી હોય તેવી આ પ્રથમ ઘટના છે. 212 ઇન્વેસ્ટમેન્ટ લાઇન દ્વારા 70થી વધુ વૈશ્વિક દિગ્ગજોનું રોકાણ જિયો પ્લેટફોર્મ્સના એન્કર બુકમાં વિશ્વના સૌથી મોટા સોવરેન વેલ્થ ફંડ્સ, ગ્લોબલ એસેટ મેનેજર્સ, ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્સ, વીમા કંપનીઓ અને પેન્શન ફંડ્સ સહિત 70થી વધુ મોટા રોકાણકારોએ 212 સ્કીમ લાઇન દ્વારા ભાગ લીધો છે. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC) રૂ. 500 કરોડના રોકાણ સાથે સૌથી મોટી એન્કર રોકાણકાર છે.

53 કરોડથી વધુ ગ્રાહકો, 7200 પેટન્ટ

જિયોનો આઈપીઓ ખૂલી રહ્યો છે તે અગાઉ આકાશ અંબાણીએ જણાવ્યું કે જિયોના 53 કરોડથી વધુ ગ્રાહકો છે અને તે ભારતના કુલ ડેટા ટ્રાફિકના આશરે 60 ટકા છે. કંપનીએ 7,200 પેટન્ટ પણ નોંધાવી છે. તેમણે કહ્યું કે ‘વર્ષ 2030-31 સુધીમાં 1.4 ટ્રિલિયનની ડિજિટલ ઈકોનોમી થશે તેવો અંદાજ છે. આ પૈકી અમે (જિયો) ખાસ્સો એવો હિસ્સો સર કરીશું.’ તેમણે કહ્યું કે મોબાઈલ, હોમ બ્રોડબેન્ડ, અને એન્ટરપ્રાઈસ તથા ઈન્ટરનેશનલ સર્વિસીઝ ગ્રોથ એન્જિન છે.

વિદેશમાં નેટવર્ક નહીં, ટેક્નિક પહોંચાડશે

આકાશે જણાવ્યું કે દર વધારવાનો વિકલ્પ હંમેશાં ઉપલબ્ધ છે, પરંતુ પ્રાથમિકતા ગ્રાહકોને વધુ સેવાઓ આપીને કમાણી વધારવાની છે. તેઓ માત્ર પ્રતિ જીબી ડેટાની કિંમત પર નિર્ભર રહેવા માંગતા નથી. વોઈસ એઆઈ જેવી સેવાઓ તેનું ઉદાહરણ છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 53 ટકા થઈ ગયું છે. આકાશે જણાવ્યું કે જિયોની ટેકનિક પ્રયોગશાળા સુધી મર્યાદિત નથી, તે નેટવર્ક પર પહેલાથી જ કામ કરી રહી છે. વિદેશોમાં જંગી મૂડીરોકાણ કરવાના બદલે સ્થાનિક કંપનીઓની ટેકનિકલ અને ઓપરેશનલ પાર્ટનર બનશે.

ઘર-ઘર બ્રોડબેન્ડ અને 6G ની તૈયારી

તેમના જણાવ્યા મુજબ 5G દેશની 99 ટકા વસ્તી સુધી પહોંચી ચૂક્યું છે. ઘરો માટે કંપની પોતાની ટેક્નિક UBR નો ઉપયોગ કરશે, જેનાથી 10 કરોડ ઘરો સુધી સેવા પહોંચી શકે છે. ટાવર લાગેલા હોવાથી માંગ પર 48 કલાકમાં હોમ બ્રોડબેન્ડ મળી શકે છે. 6G ના ધોરણો 2029 સુધીમાં નક્કી થવા અને તેની શરૂઆત 2030ના દાયકાના શરૂઆતના વર્ષોમાં થવાનો અંદાજ છે.

રિલાયન્સ દેશનું સૌથી મોટું કારોબારી જૂથ બનશે

કોટક મહિન્દ્રા બેન્કના સ્થાપક ઉદય કોટકએ કહ્યું, '1977ની વાત છે. ત્યારે હું 18 વર્ષનો હતો. એક સાંજે મેં મુંબઈના મરીન ડ્રાઈવ અને ચોપાટીને રોશનીથી ઝગમગતા જોયા. ખબર પડી કે આ ધીરુભાઈ અંબાણીની રિલાયન્સ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝના આઈપીઓની જાહેરાત હતી. તે ક્ષણે નાણાકીય સેવાઓમાં ભવિષ્ય બનાવવાની મારી વિચારસરણીને પ્રભાવિત કરી. સામાન્ય રોકાણકારોને બિઝનેસમાં ભાગીદાર બનાવવાનું મહત્વ પણ સમજાયું. ઉદય કોટકના જણાવ્યા અનુસાર, જિયોના લિસ્ટિંગ પછી લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપના આધારે રિલાયન્સ દેશનું સૌથી મોટું કારોબારી જૂથ બનશે. બે દાયકા બાદ રિલાયન્સ ગ્રૂપ તરફથી આવનારો આઈપીઓ પણ છે. કોટક મહિન્દ્રા બેન્કના સ્થાપક-ડિરેક્ટર કોટકે જણાવ્યું હતું કે આઈપીઓ પહેલાં જિયોની ટીમે વિશ્વભરમાં રોકાણકારો સાથે બેઠકો યોજી છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર આકાશ અંબાણીએ પોતે 50 વૈશ્વિક રોકાણકારો સાથે વ્યક્તિગત રીતે મુલાકાત કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter