...દેશમાં વિવાદની આગેકૂચ

Thursday 18th February 2021 01:57 EST
 
 

નવી દિલ્હીઃ ભારત-ચીન લદ્દાખના વિવાદિત ક્ષેત્રમાંથી પોતાના સૈનિકો પરત ખેંચવા સંમત થઇ ગયાના અહેવાલ આવતાં જ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની પવિત્ર ભૂમિ ચીનને સોંપી દીધી છે. લદ્દાખમાં ભારતીય સેનાએ ફિંગર-ફોર સુધી કબજો જમાવ્યો હતો, પરંતુ હવે તેને ફિંગર-થ્રી સુધી પાછી ખેંચવામાં આવી રહી છે.
ભારત સરકાર એપ્રિલ ૨૦૨૦ની સ્થિતિની વાત કરી રહી હતી, પરંતુ હવે સંરક્ષણ પ્રધાન એમ કહે છે કે ભારતીય સેના ફિંગર-થ્રી પર પાછી આવી જશે. ફિંગર-ફોર ભારતીય વિસ્તાર છે. શા માટે વડા પ્રધાન મોદી આપણી જમીન ચીનને આપી રહ્યાં છે? શા માટે સરકારે ચીનને પાછા જવા ન કહ્યું? ડેપ્સાંગ પ્લેઇન અંગે સરકાર કોઈ વાત કરતી નથી. ગોગરા પોસ્ટ અને હોટ સ્પ્રિંગ પર સરકાર મૌન કેમ છે.
રાહુલે આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે વડા પ્રધાન મોદી ચીન સામે ઝૂકી ગયા છે અને ચીનને ફિંગર-થ્રી અને ફોર વચ્ચેનો પ્રદેશ આપી દીધો છે. સમજૂતીનો કોઈ વ્યૂહાત્મક લાભ નથી. ચીન આપણી જમીન પર ઘૂસી આવ્યો હતો. આપણા જવાનોએ જીવ જોખમમાં મૂકીને કૈલાશ રેન્જ પર કબજો જમાવ્યો હતો. હવે વડા પ્રધાન મોદીએ આપણી જમીન ચીનને સોંપી દીધી છે.

રાહુલના પાંચ સવાલ

રાહુલ ગાંધીએ સંરક્ષણ મંત્રાલયને પાંચ પ્રશ્નો પૂછ્યછ્યછયા હતા. તેમણે કહ્યું હતું કે સરકારે આ સવાલોના જવાબ આપવા જોઇએ. તેમણે પૂછયું હતુંઃ ૧) ચીનને ભારતીય પ્રદેશ શા માટે સોંપી દીધો? (૨) જીવ જોખમમાં મૂકીને કૈલાશ રેન્જ પર કબજો જમાવનારી ભારતીય સેનાને પીછેહઠનો આદેશ શા માટે અપાયો? (૩) ચીન સાથે આ સમજૂતી કરીને ભારતને શું લાભ થયો? (૪) શા માટે ચીની સેના ડેસ્પાંગ પ્લેઇનમાંથી પાછી હટી નથી? (૫) ગોગરા અને હોટ સ્પ્રિંગ વિસ્તારમાંથી ચીની સેના પાછી કેમ હટતી નથી?

‘સરકાર ચીન સામે લડી શકતી નથી’

રાહુલ ગાંધીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સરકાર ચીન સામે મક્કમતાથી લડી શક્તી નથી. કેન્દ્ર સરકારે ભારતીય પ્રદેશની સુરક્ષા કરવાની જવાબદારી નિભાવી નથી અને ચીનને ભારતીય પ્રદેશ સોંપી દીધો છે. ભારતમાં કોઈને તેમ કરવાની પરવાનગી હોવી જોઈએ નહીં.

રાહુલ તેમના નાના નહેરુને પૂછે: કિશન રેડ્ડી

રાહુલ ગાંધીના આક્રમક આરોપો બાદ શાસક ભાજપની નેતાગીરીએ પણ તેનો એવી જ આક્રમક ભાષામાં જવાબ આપ્યો હતો. કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન જી. કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે, ચીનને ભારતીય પ્રદેશ કોણે આપી દીધો તે રાહુલ ગાંધી તેમના નાના નેહરુને પૂછે. રાહુલને ત્યાંથી જવાબ મળી જશે. દેશભક્ત કોણ છે અને કોણ નથી તે દેશની જનતા સારી રીતે જાણે છે.
પ્રધાન આર. કે. સિંહે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની ટિપ્પણીઓ બિનસંસદીય અને બાલિશ છે. રાહુલ ગાંધીને કોઈ સમજ નથી કે તેઓ કશું સમજવાનો પ્રયાસ પણ કરતા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter