દોઢ વર્ષમાં વિદેશી રોકાણમાં ૪૮ ટકાનો વધારો થયોઃ વડા પ્રધાન

Wednesday 17th February 2016 05:27 EST
 
મુંબઇમાં મેઇક ઇન ઇંડિયા સપ્તાહ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સમજૂતી કરારની આપ-લે કરતા ઉદ્યોગપતિઓ
 

મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘મેક ઇન ઇન્ડિયા’ સપ્તાહનો ૧૩મી ફેબ્રુઆરીના રોજ મુંબઈનાં બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં ભવ્ય શુભારંભ થયો હતો. વિદેશી રોકાણકારોને મહારાષ્ટ્રમાં આકર્ષવાનો આ યોજનાનો ઉદ્દેશ છે. એક સપ્તાહ ચાલનારા કાર્યક્રમમાં સ્વિડન અને ફિનલેન્ડના વડા પ્રધાન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મોદીએ જણાવ્યું હતું કે, અમે ‘મેક ઇન ઇન્ડિયા’ને ઉદ્યોગો માટે અનુકૂળ બનાવવા પ્રતિબદ્ધ છીએ. છેલ્લા દોઢ વર્ષમાં વિદેશી રોકાણમાં ૪૮ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. દેશમાં ૬૫ ટકા વસતી યુવાનોની છે, જેમની વય ૪૫ વર્ષની આસપાસ છે અને આ જ લોકો આપણી સૌથી મોટી તાકાત છે. પ્રાકૃતિક સંસાધનોનું ઉત્પાદન પહેલાં કરતાં વધ્યું છે અને દરેક સ્તરે પારદર્શકતા જાળવવામાં આવી છે. આ વર્ષે કોલસાનું રેકોર્ડ ઉત્પાદન થયું છે.
સ્થાયી અને ધારણા કરી શકાય તેવી કર શાસન પદ્ધતિનું વચન આપીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે ભારતમાં રોકાણ કરવા માટેનો ઉત્તમ સમય છે કારણ કે સરકાર વિવિધ સુધારાઓ કરી રહી છે, જેમાં લો ટ્રિબ્યુનલની સ્થાપના અને અસરકારક આઈપીઆર શાસન પદ્ધતિનો સમાવેશ છે. અમે કરવેરાની બાબતોમાં અનેક સુધારાઓ કર્યાં છે.
તેમણે જણાવ્યું હતું કે અમે પાછલી અસરથી કરવેરાને લાગુ નહીં કરીશું. હું પ્રતિબદ્ધતાને ફરી એક વાર જણાવી રહ્યો છું. અમે એક પારદર્શક, સ્થાયી અને ધારણા કરી શકાય તેવી કર શાસન પદ્ધતિને માટે ઝડપથી કાર્ય કરી રહ્યા છે એમ તેમણે મુંબઈમાં મેક ઈન ઈંડિયા વીક વખતે જણાવ્યું હતું. ભારત એફડીઆઈ માટે સૌથી વધુ આવકાર આપનારો દેશ છે.
મેક ઈન ઈંડિયા કાર્યક્રમ અંતર્ગત મહારાષ્ટ્ર સરકારે પ્રથ દિવસે જ મોદીની હાજરીમાં ત્રણ મહત્ત્વના એમઓયુ કર્યા હતા. સ્ટરલાઈટ ગ્રુપની ટ્વિનસ્ટાર ડિસપ્લે ટેકનોલોજીસ કંપની અને એમઆઈડીસી વચ્ચે એમઓયુ થયો હતો. કરાર મુજબ તાઈવાનની ઓટ્રોન કંપનીના ટેકનિકલ સહયોગથી એલસીડી મેન્યુફેકચરિંગ યુનિટ પેનલ એફબીના નામથી શરૂ કરવામાં આવશે. પ્રોજેક્ટથી મહારાષ્ટ્રમાં ૨૦ હજાર કરોડ રૂપિયાનું રોકાણ થશે.
હિંદુસ્તાન કોકાકોલા બિવરેજીસ પ્રાઈવેટ લિમિટેડ, જૈન ઈરિગેશન પ્રાઈવેટ લિમિટેડ અને મહારાષ્ટ્ર સરકારના એગ્રિકલ્ચર એન્ડ માર્કેટિંગ ડિપાર્ટમેંટ વચ્ચે થયેલા એમઓયુ મુજબ વિદર્ભમાં સંતરાનો પાક ઉત્પન્ન કરતા ખેડૂતોને મદદ કરવા માટે જ્યુસ મેન્યુફેકચરિંગ યુનિટ શરૂ કરવામાં આવશે.
વડા પ્રધાનના હસ્તે શનિવારે મેક ઈન ઈન્ડિયા સેંટરનું ઉદઘાટન થયું હતું. બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સના એમએમઆરડીએ મેદાન પર ૫૦ એકર જમીન પર ઊભા કરવામાં આવેલા સ્ટોલ્સની વડા પ્રધાને મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમની સાથે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવ, ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઈ, વિનોદ તાવડે, પ્રકાશ મહેતા સહિત ઉદ્યોગજગતના મહાનુભવો ઉપસ્થિત હતા.
સમારોહને આગનું ગ્રહણ
‘મેક ઇન ઇન્ડિયા’ વીકના મહારાષ્ટ્ર નાઇટ કાર્યક્રમમાં રાત્ર ૮.૧૫ કલાકે સ્ટેજ પરભીષયમ આગ લાગ તે સમયે સ્ટેજ પર નૃત્યનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ વિદ્યાસાગર, શિવ સેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, અભિનેતા અમિતાભ બચ્ચન, આમિર ખાન, અભિનેત્રી હેમા માલિની, કેટરિના કૈફ, ગીતકાર પ્રસૂન્ન જોશી સહિત અન્ય દેશવિદેશના મહેમાનો પણ હાજર હતા. સ્ટેજની નીચે રખાયેલા ફટાકડાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. મેક ઇન ઇન્ડિયા વીકમાં સોમવાર સુધી મહારાષ્ટ્રને જુદા-જુદા સેક્ટરોમાં ૬ લાખ કરોડ રૂપિયાના રોકાણનાં વચનો મળ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter