આપણા કાશ્મીર પર કોનો દાવો છે? તેનો ધ્વજ અલગ કેમ?

Wednesday 27th February 2019 05:39 EST
 
શેખ અબદુલ્લા અને વડા પ્રધાન જવાહરલાલ નેહરુ
 

ભારત દેશ આઝાદ થયો ત્યારથી કાશ્મીરની સાથે સાથે આતંકવાદ પણ તેને અંગ્રેજો અને પાકિસ્તાન તરફથી ભેટમાં જ મળ્યો છે. જે દિવસથી ભારત અને પાકિસ્તાન છૂટા પડયાં ત્યારથી કાશ્મીર માટે બંને વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. કાશ્મીરની આઝાદીના નામે અનેક લોકોએ જેહાદી સંગઠનો શરૂ કર્યા. તેઓ ધર્મના નામે માનવતાના જ દુશ્મન બનીને બેઠા છે. જમ્મુ-કાશ્મીરમાં અત્યારે સૌથી મોટી સમસ્યા સીમાપારથી થતો આતંકવાદ છે. પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં અનેક આતંકી છાવણીઓ ધમધમે છે, જે ક્રોસબોર્ડર ફાયરિંગના ઓઠા તળે ભારતમાં ઘૂસણખોરી કરે છે. તેઓ ભારતમાં અને ખાસ કરીને કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે સક્રિય હોય છે. આ લેખમાં કાશ્મીરના સર્જન, તેના ઉપર કોનો અધિકાર છે અને કેવી રીતે આતંકીઓએ આ સ્વર્ગને સળગાવ્યું છે? પ્રશ્નો પર પ્રકાશ પાડવા પ્રયાસ કર્યો છે.

આપણા કાશ્મીર પર કોનો દાવો છે?

કાશ્મીર ભારતનો અખંડ હિસ્સો છે અને આમ છતાં ચીન અને પાકિસ્તાન તેના ઉપર દાવો કરતા આવ્યા છે, તેમાં એક યા બીજા પ્રકારે ઘુસણખોરીનો સતત પ્રયાસ કરતા રહ્યા છે. પાકિસ્તાને તો જાણે કાશ્મીર મુદ્દે ભારત સાથે પરોક્ષ યુદ્ધ જ છેડ્યું છે. પ્રવર્તમાન ભૌગોલિક સ્થિત પ્રમાણે જોઇએ તો...
• જમ્મુ-કાશ્મીર ઉપર ભારતનું શાસન છે. મૂળ કાશ્મીરના દક્ષિણ અને પૂર્વ ભાગમાં એટલે કે અંદાજે ૪૫ ટકા કાશ્મીર ઉપર ભારત સીધો અધિકાર ધરાવે છે. • કાશ્મીરનો ૩૫ ટકા હિસ્સો પાકિસ્તાને પચાવી પાડ્યો છે. આમાં પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર, ગિલગિટ અને બાલ્ટિસ્તાન એટલે કે ઉત્તર અને પશ્ચિમી વિસ્તારનો સમાવેશ થાય છે. • અખંડ કાશ્મીરનો અંદાજે ૨૦ ટકા હિસ્સો અક્સાઇ ચીન તરીકે ઓળખાય છે, જેમાં ઉત્તર-પૂર્વ ભાગનો સમાવેશ થાય છે. પાકિસ્તાને ૩૨૨૦ ચોરસ માઇલનો આ વિસ્તાર ચીનના ચરણે દીધો છે અને ત્યારથી ચીન તેના પર પોતાનો દાવો કરતું રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરનો અલગ ધ્વજ કઇ રીતે?

જમ્મુ-કાશ્મીર રાજ્યનો પોતાનો અલગ ધ્વજ છે. તેનું બંધારણ પણ અલગ છે, જે દેશના અન્ય રાજ્યોથી તેને અલગ પાડે છે. દેશમાં કાશ્મીર એકમાત્ર એવું રાજ્ય છે જેને પોતાનો ધ્વજ અને સ્વાયતત્તા પ્રાપ્ત છે. ભારતીય ત્રિરંગાની સાથે સાથે જમ્મુ-કાશ્મીરનો પોતાનો ધ્વજ પણ સમાંતર ફરકાવવામાં આવે છે. ૨૦૧૫માં આ વિરુદ્ધ અરજી પણ કરવામાં આવી હતી. તે વખતે મુફ્તી મોહમ્મદ સઈદ સરકારે સર્ક્યુલર જારી કરીને તમામ બંધારણીય સંસ્થાઓની ઇમારતો અને સરકારી વાહનો ઉપર જમ્મુ-કાશ્મીરનો ધ્વજ લગાવવા આદેશ આપ્યો હતો. ભાજપ અને પીડીપીની ગઠબંધન સરકારમાં પહેલો વિવાદ આ મુદ્દે થયો હતો.

નેહરુ અને શેખ અબદુલ્લા વચ્ચે સમજૂતી

ભારતના પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને જમ્મુ-કાશ્મીરના તત્કાલીન મુખ્ય પ્રધાન શેખ મોહમ્મદ અબદુલ્લાએ ૧૯૫૨માં કેન્દ્ર અને રાજ્યની શક્તિઓને પરિભાષિત કરતો એક કરાર કર્યો હતો. તેમાં ભારતના ત્રિરંગાને રાષ્ટ્રીય ધ્વજ માનવામાં આવ્યો હતો જ્યારે જમ્મુ-કાશ્મીરનો પોતાનો ધ્વજ નક્કી કરાયો જેને રાજ્યનો ધ્વજ જાહેર કરાયો. બંનેને એક સાથે ફરકાવવામાં આવ્યા હતા. આ કરારની કલમ ૪માં લખ્યું હતું કે, ભારત સરકાર દેશના ત્રિરંગા સાથે કાશ્મીરને રાજ્યનો ઝંડો ફરકાવવાની પણ સહમતી આપે છે.

ધ્વજનો લાલ રંગ સૂચક છે

જમ્મુ-કાશ્મીરના ધ્વજમાં લાલ બેકગ્રાઉન્ડ છે, જેના ઉપર હળ અને ત્રણ ઊભી લાઈનો બનાવાઇ છે. આ લાઇનો કાશ્મીર, જમ્મુ અને લદ્દાખને દર્શાવે છે. એવું માનવામાં આવે છે કે, તેના મૂળ ૧૩ જુલાઈ ૧૯૩૧ સાથે જોડાયેલા છે, જ્યારે ડોગરા સરકારે શ્રીનગર સેન્ટ્રલ જેલ પાસે એક રેલી ઉપર ફાયરિંગનો આદેશ આપ્યો હતો. તેમાં ૨૧ લોકોનાં મોત થયા હતા. આ ઘટનાના વિરોધમાં એક વ્યક્તિએ લોહીથી ખરડાયેલી એક વ્યક્તિનો શર્ટ ઊંચો કર્યો અને તેને કાશ્મીરના ઝંડા તરીકે લહેરાવ્યો હતો. ૭ જૂન ૧૯૫૨માં કાશ્મીર બંધારણીય સભાએ તેને રાજ્યના ઝંડા તરીકે અધિકારિક રીતે સ્વીકારી લીધો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter