ધર્મપરિવર્તન, રામમંદિર, લવજેહાદ જેવા સળગતા મુદ્દાનાં ‘યોગી’

Wednesday 22nd March 2017 06:22 EDT
 
 

લખનઉઃ ભાજપના ચૂંટાયેલા વિધાનસભ્યોની ૧૮ માર્ચે બેઠક યોજાઇ તેના થોડાક કલાક પહેલાં સુધી મનોજ સિંહા મુખ્ય પ્રધાન પદના ફ્રન્ટ રનર હતા. અચાનક સવારે ભાજપ મોવડીમંડળે યોગી આદિત્યનાથને ચાર્ટર પ્લેનમાં દિલ્હી બોલાવ્યા. તેમની સાથે કેશવપ્રસાદ મૌર્યને પણ દિલ્હીનું તેડું આવ્યું હતું. આ પછી બંનેના નામો પર ચર્ચા ચાલી હતી. રાજનાથ સિંહને છેલ્લે સુધી મનાવવાની કોશિશ નિષ્ફળ ગઈ હતી. લખનઉ પાછા ફર્યા પછી પાર્ટીના ઓબ્ઝર્વર વેકૈંયા નાયડુ સાથે યોગી અને કેશવપ્રસાદની બંધબારણે મિટિંગ થઈ. બીજી તરફ મનોજ સિંહા લખનઉ આવવાને બદલે દિલ્હી પહોંચ્યા હતા. આ પછી યોગીનાં નામ પર મહોર લાગી અને સસ્પેન્સનો અંત આવ્યો હતો.
ઉત્તર પ્રદેશમાં ચૂંટણીઓ વેળા સૌથી વધુ જાહેર સભા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધી હતી. આ પછી બીજા નંબરે અમિત શાહ હતા અને ત્રીજા નંબરે યોગી આદિત્યનાથ હતા. આ બાબત જ દર્શાવે છે કે ભાજપે યોગીની ક્ષમતામાં ભરપૂર ભરોસો મૂક્યો હતો અને યોગીએ પણ પક્ષના વિશ્વાસને યથાર્થ ઠેરવ્યો હતો. યોગીનો ગઢ ગણાતા પૂર્વાંચલમાં આ વખતે ભાજપે જ્વલંત દેખાવ કર્યો છે.

અજય સિંહમાંથી યોગી

ઉત્તર પ્રદેશમાં આવેલા પૂર્વાંચલની રાજનીતિમાં જેમનું નામ સૌથી પહેલાં બોલાય છે તેવા યોગી આદિત્યનાથનો જન્મ પાંચ જૂન, ૧૯૭૨નાં રોજ ઉત્તરાખંડમાં (તે વખતે ઉત્તર પ્રદેશનો હિસ્સો હતો) થયો હતો. યોગી આદિત્યનાથનું સાચું નામ અજયસિંહ નેગી છે. તેમણે ગઢવાલ યુનિવર્સિટીમાં ગણિતમાંથી બીએસએસીની ડિગ્રી મેળવી છે.
ગોરખનાથ મંદિરના મહંત અવૈધનાથે તેમને ઉત્તરાધિકારી જાહેર કર્યા હતા. આ પછી તેઓ રાજકારણમાં આવ્યા. યોગી આદિત્યનાથનાં નામ પર સૌથી ઓછી ઉંમરે એટલે કે માત્ર ૨૬ વર્ષની ઉંમરે સાંસદ બનવાનો રેકોર્ડ છે.
૧૯૯૮માં પહેલી વાર લોકસભાની ચૂંટણી જીતી હતી. આ પછી ૧૯૯૯, ૨૦૦૪, ૨૦૦૯ તેમજ ૨૦૧૨માં સતત લોકસભાની ચૂંટણી જીતતા આવ્યા છે.
વર્ષ ૨૦૧૪માં ગોરખનાથ મંદિરના મહંત આદિત્યનાથના કહેવાથી જ ગોરખનાથ મંદિરમાં હોળી-દિવાળી જેવા તહેવારો એક દિવસ પછી મનાવવામાં આવે છે. ધર્મપરિવર્તન સામે ઝુંબેશ ચલાવવા ભાજપના સાંસદ હોવા ઉપરાંત હિંદુ યુવા વાહિનીની રચના કરી હતી. ૨૦૦૭માં ગોરખપુરમાં રમખાણોમાં મુખ્ય આરોપી તરીકે ધરપકડ થઈ હતી.

સંતોના મુખ્ય પ્રધાન

માર્ચ ૨૦૧૬માં ભારતીય સંત સભાની ગોરખનાથ મંદિરમાં થયેલી ચિંતન બેઠકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મોટા નેતાઓની હાજરીમાં યોગી આદિત્યનાથને મુખ્ય પ્રધાન બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનાં એક વર્ષ પહેલાં તેમના ટેકેદારોએ સોશિયલ મીડિયામાં ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર બનાવવાના પ્રચાર અભિયાન શરૂ કર્યું હતું.

લોકો સાથે સીધો સંપર્ક

યોગીના દિવસનો પ્રારંભ પરોઢિયે ચાર વાગ્યે થઇ જાય છે. તેઓ એક કલાક ધ્યાન અને યોગ કરે છે. આ સાથે તેમનો નિત્યક્રમ શરૂ થાય છે. જ્યારે લોકસંપર્કનો પ્રારંભ મંદિરના પ્રાંગણમાં જ યોજાતા જનતા દરબાર સાથે થાય છે. તેઓ લોકોની સમસ્યાઓ સાંભળે છે અને તેને ઉકેલવા માટે અધિકારીઓને આદેશ આપે છે. યોગી આદિત્યનાથની ખાસિયત એ છે કે તેઓ લોકો સાથે સીધો સંપર્ક સાધે છે અને સીધી ચર્ચા કરે છે. ગોરખનાથ મંદિરનાં સામાજિક કાર્યોની લોકો પર ખૂબ સારી અસર છે. યોગી પર ૭ ડિસેમ્બર ૨૦૦૮ના રોજ આઝમગઢમાં જીવલેણ હુમલો કરાયો હતો.

યોગીને શા માટે મળ્યું મુખ્ય પ્રધાન પદ?

પૂર્વાંચલમાં તેમનું સારુ એવું વર્ચસ્વ છે. લવ જેહાદ, હિંદુઓનું ધર્મપરિવર્તન અને રામમંદિર જેવા મુદ્દા પર તેમના આકરા નિવેદનોથી તેઓ સતત ચર્ચામાં હતા.
• કટ્ટર હિંદુવાદી ચહેરો • ભાજપના ફાયરબ્રાન્ડ નેતા • રામમંદિર આંદોલનનો મુદ્દો સતત ઉઠાવતા રહ્યા • ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં મતોનાં ધ્રુવીકરણ માટે ઉપયોગી • પશ્ચિમ ઉત્તર પ્રદેશથી પૂર્વાંચલ સુધી આદિત્યનાથનો ઝંઝાવાતી પ્રચાર • ભાજપના વિજયમાં હિંદુત્વનો એજન્ડા કારગત નીવડ્યો • આદિત્યનાથ પર ભ્રષ્ટાચારના કોઈ આરોપા નથી • ગોરખપુરથી પાંચ વખત સાંસદ તરીકે ચૂંટાયા છે.

યોગીના ફાયરબ્રાન્ડ નિવેદનો

• ઓગસ્ટ ૨૦૧૪ઃ જો તેઓ હિંદુ યુવતીનું ધર્માંતરણ કરશે તો અમે ૧૦૦ મુસ્લિમ યુવતીઓનું ધર્માંતરણ કરાવીશું
• ફેબ્રુઆરી ૨૦૧૫ઃ જો મને અનુમતિ મળે તો દેશની દરેક મસ્જિદોમાં ગૌર-ગણેશની મૂર્તિ સ્થાપિત કરાવી દઉં.
• ફેબ્રુઆરી ૨૦૧૫ઃ પૂરી દુનિયામાં ભગવો ઝંડો ફરકાવી દઈશું. આર્યાવર્તે આર્ય બનાવ્યું, હિંદુસ્તાનમાં અમે હિંદુ બનાવી દઈશું.
• જૂન ૨૦૧૫ઃ જે લોકો યોગનો વિરોધ કરે છે તેઓએ ભારત છોડી દેવો જોઈએ. જે લોકો સૂર્યનમસ્કારને માનતા નથી તેઓએ સમુદ્રમાં ડૂબી મરવું જોઈએ.
• ઓગસ્ટ ૨૦૧૫ઃ મુસ્લિમોની વસતી ઝડપથી વધી રહી છે, જે ખતરનાક સાબિત થઈ શકે છે. મુસ્લિમોની વસતીને વધતી રોકવી જોઈએ.
• જૂન ૨૦૧૬ઃ જ્યારે અયોધ્યામાં મસ્જિદ ધ્વંશ કરતાં કોઈ ન રોકી શક્યું તો રામ મંદિર બનાવતા કોણ રોકી શકશે?
• ઓક્ટોબર ૨૦૧૬ઃ બધાને મૂર્તિ વિસર્જનથી થતું પ્રદૂષણ દેખાય છે, પણ બકરી ઈદે કપાતા પશુનું લોહી ગંગામાં વહે છે તેનાથી થતું પ્રદૂષણ કેમ નથી દેખાતું?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter