નવી દિલ્હીઃ ગુજરાતના ધોલેરામાં આકાર લઇ રહેલા થઇ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં સહભાગી બનવા યુએઇએ પણ તત્પરતા દાખવી છે. સોમવારે ભારતની ટૂંકી મુલાકાતે આવેલા યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન અને વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં આ અંગેના કરારો પર હસ્તાક્ષર થયા હતા.
અબુધાબીથી ભારત આવી પહોંચેલા રાષ્ટ્રપતિ શેખ અલ નાહ્યાનને આવકારવા માટે પ્રોટોકલ તોડીને એરપોર્ટ પહોંચેલા વડાપ્રધાન મોદીએ એક્સ (ટ્વિટર) પર લખ્યું હતું કે ‘હું મારા ભાઇ અને યુએઇના પ્રેસિડન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયદનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યો છું. તેમની આ ભારત મુલાકાત બન્ને દેશોની મિત્રતાને વધુ મજબુત બનાવશે.’ ઉલ્લેખનીય છે કે યુએઇ ભારત માટે મૂડીરોકાણ અને વેપાર ક્ષેત્રે ખૂબ મહત્વનો પાર્ટનર દેશ છે.
ધોલેરાના વિશેષ રોકાણ ક્ષેત્રમાં આરબ દેશની ભાગીદારી હેઠળ ઇન્ટરનેશનલ એરપોર્ટ, પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ, પ્લેન મેઇટેનન્સ ફેસિલિટી, નવું પોર્ટ, સ્માર્ટ સિટી સહિત અનેક પ્રોજેક્ટ આકાર લેશે. તો ફર્સ્ટ અબુ ધાબી બેંક ગુજરાતના ગિફ્ટ સિટીમાં પોતાની શાખા શરૂ કરશે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ‘યુએઈના પ્રમુખ અત્યંત ટૂંકી મુલાકાતે ભારત આવ્યા હતા.’ જોકે અમેરિકાની બહુચર્ચિત ટ્રેડ નીતિઓ અને મિડલ ઈસ્ટમાં વ્યાપારિક ગતિવિધિમાં અવરોધોની વચ્ચે અલ નાહ્યાનની આ મુલાકાત ખૂબ મહત્ત્વની મનાય છે. (વિશેષ અહેવાલ - પાન 17)


